સદરમાં વહેલી સવારે બેકરી રો-મટીરીયલ્સની દુકાનમાં આગ ભભૂકી: સાત લાખનું નુકસાન - At This Time

સદરમાં વહેલી સવારે બેકરી રો-મટીરીયલ્સની દુકાનમાં આગ ભભૂકી: સાત લાખનું નુકસાન


શહેરની સદર બજારમાં મેઈન રોડ પર બેકરીનું રો-મટીરીયલ્સ વેચતી બેકસ બજાર નામની પેઢીની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી હતી. દુકાનનો સર-સામાન બળીને ખાખ થતા વેપારીને રૂા.7 લાખનું નુકસાન થયું છે.
આ અંગે રાજકોટ મનપા ફાયર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે સવા પાંચ વાગ્યે ફાયરબ્રિગેડને કોળ આવેલો કે, સદર બજાર મેઈન રોડ પર બેકસ બજાર નામની દુકાનમાં આગ લાગી છે. જાણકારી મળતા જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર બારૈયા, ફાયર જવાનો પંકજભાઈ ટાંક, હરેશભાઈ શીયાળ, અવિનાશભાઈ કંડોલીયા, ગૌતમભાઈ ચંદ્રવાડીયા, રોહિત ડાભી, રાજપાલસિંહ જાડેજા, હિમાંશુભાઈ નિનામા, આદિલભાઈ ટાટરીયા, દેવાભાઈ કરમટા દોડી ગયા હતા.
ફાયર ફાઈટર ટેન્કર અને ફાયર વોટર બ્રાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો. દોઢ કલાકે આગ કાબુમાં આવી હતી. જોકે દુકાનમાં રહેલ સામાન ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગની જહેમતથી આગ આસપાસની દુકાનોમાં ફેલાઈ નહોતી. દુકાન માલીક નૈશદભાઈ દિનેશભાઈ કાથરાણીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ સદર બજારમાં રહે છે અને અહીં જ વિનોદ બેકરી અને બેકસ બજાર સામે બે દુકાનો ચલાવે છે. જયાં આગ લાગી તે પેઢીનું નામ બેકસ બજાર છે.
આ દુકાનમાં તેઓ બેકરીને લગતું રો-મટીરીયલ્સનું વેચાણ કરતા હોય, આગ લાગવાથી કેક પાઉડર, અન્ય બેકરી માટેના ઉપયોગી પાઉડર, પ્લાસ્ટીક અને સિલીકોનની આઈટમો સહિત સાતેક લાખ રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. દુકાનમાં હજુ બે માસ પહેલા જ રીનોવેશન અને નવું વાઈરીંગ કરાવ્યું હતું. છતાં શોર્ટ સર્કિટથી આગ કઈ રીતે લાગી તે તપાસનો વિષય છે. બનાવના પગલે પીજીવીસીએલની ટીમ પણ દોડી આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.