જિલ્લા સેવા સદન ખાતે સ્વચ્છતા, બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
જિલ્લા સેવા સદન ખાતે સ્વચ્છતા, બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
------------------
અધિકારીઓ-કર્મચારીઓએ વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે રક્તદાન થકી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો
------------------
‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ અને ‘સ્વચ્છતા અભિયાન’માં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સહભાગી થયાં
------------------
ગીર સોમનાથ, તા.૧૭: જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે સ્વચ્છતા, બ્લડ ડોનેશન અને પર્યાવરણ જતનની એક ઉમદા પહેલ સ્વરૂપે વૃક્ષારોપણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતાં. કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ સહિત શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહભાગીતા નોંધાવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતિક સ્વરૂપે શરૂ કરવામાં આવેલ "એક પેડ મા કે નામ" અભિયાનને વધુ વેગ આપવાના ઉમદા હેતુથી તેમજ તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિત્તે ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે એક દિવસીય સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈ હતી.
પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવી વૃક્ષોના સંવર્ધનથી ગ્રીન કવર વધારવા અને કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધારવાના ભાગરૂપે "એક પેડ માં કે નામ" અંતર્ગત યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ "મારી કચેરી, હરિયાળી કચેરી"નું સૂત્ર સાર્થક કરતા અભિયાનમાં કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર તેમજ અધિકારીશ્રી અને કર્મચારીઓએ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા અપીલ કરી હતી.
“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ના સૂત્ર સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા સેવા સદનના પરિસરમાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિતના અધિકારીઓએ સામૂહિક સફાઈ થકી સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન થકી પોતાની સહભાગીતા નોંધાવી હતી.
વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ઉપરાંત પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે થેલેસેમિયા બાળકોના લાભાર્થે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં કલેક્ટરશ્રીના હસ્તે રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતાં.
મહારક્તદાન શિબિરમાં જિલ્લા સેવા સદનના સ્પોર્ટ્સ રૂમ ખાતે અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ રક્તદાન થકી થેલેસેમિયા પીડિત બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવવા નિમિત્ત બન્યાં હતાં.
આ તકે, નાયબ કલેકટર -૧ શ્રી ભૂમિકાબેન વાટલિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ચેરમેન શ્રી કિરીટ ઉનડકટ સહિત જિલ્લા સેવા સદનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.