RTOનો ટ્રેક બંધ રહેતા 2500થી વધુ અરજદારોને પરેશાની!
મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો નથી, આથી મહિનામાં 4 થી 5 દિવસ કામ થઇ શકતું નથી.
રાજકોટના આરટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક વારંવાર બંધ પડી જવાની ફરિયાદો વધી રહી છે. રાજકોટનો આ ટ્રેક વર્ષ 2013માં બનાવવામાં આવ્યો છે, ત્યારબાદ આ ટ્રેકનું નિયમિત રીતે મેન્ટેનન્સ નહીં થતા મહિનામાં ચારથી પાંચ દિવસ બંધ રહે છે. આ ટ્રેકમાં દરરોજ આશરે 500થી વધુ વાહનચાલકો ટેસ્ટ આપતા હોય છે. એટલે જો મહિનામાં ચારથી પાંચ દિવસ ટ્રેક બંધ રહે તો આશરે 2500થી વધુ અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ ટ્રેક નિયમિત મેન્ટેન થતો નથી અને જ્યારે ખરાબ થઇ જાય ત્યારે તેને રિપેર કરવા માટે ટેક્નિકલ માણસોની ટીમ આરટીઓ પાસે નથી જેના કારણે વારંવાર ફરિયાદો આવી રહી છે અને ફરિયાદોનું નિવારણ કરવામાં પણ વિલંબ થઇ રહ્યો છે.
આ ટ્રેકનો સોફ્ટવેર પણ ખાનગી કંપનીએ વર્ષ 2013માં બનાવ્યો હતો જે આજદિન સુધી અપગ્રેડ નહીં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ જે કંપનીને ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તે મેસર્સ સિલ્વર ટચ ટેક્નોલોજીસનો કોન્ટ્રાક્ટ પણ વર્ષ 2017માં પૂરો થઇ ગયા બાદ આજદિન સુધી રિન્યૂ કર્યો નથી. ડ્રાઈવિંગ ટ્રેક અને સોફ્ટવેર બંને વર્ષો જૂના અને અપગ્રેડ નહીં કર્યા હોવાને કારણે વારંવાર બંધ પડી જાય છે જેના કારણે મહિને આશરે મોટી સંખ્યામાં વાહનચાલકોને ધક્કા ખાવા પડે છે. હાલાકી વેઠવી પડે છે! ટ્રેક બંધ હોવાને કારણે વાહનચાલકોને બીજી વખત એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, કેટલાક અરજદારો ટ્રેક બંધ હોવાની બાબતથી અજાણ હોવાથી ધક્કા ખાવા પડે છે. હવે આ ટ્રેકનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પણ વાહનચાલકોમાં માંગ ઊઠી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.