કર્ણાટકના મેંગલુરુમાં VHP અને બજરંગ દળનું પ્રદર્શન:મસ્જિદ પર પથ્થરમારો કરવા મામલે પોલીસે VHPના 5 કાર્યકરોની ધરપકડ કરી હતી
કર્ણાટકના મેંગલુરુમાં મસ્જિદ પર પથ્થરમારો અને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મામલે VHP અને બજરંગ દળ સોમવારે સવારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધને રોકવા માટે પોલીસે બેરીકેટ્સ ઉભા કર્યા હતા, જેને પ્રદર્શનકારીઓએ હટાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, રવિવારે મોડી રાત્રે મેંગલુરુની બહાર કટિપલ્લાની બદ્રિયા મસ્જિદ પર બાઇક પર સવાર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો VHP સાથે જોડાયેલા છે. ધરપકડના વિરોધમાં કટિપલ્લામાં રાત્રે લોકો પ્રદર્શન માટે ભેગા થયા હતા. જો કે મોડી રાત્રે વિરોધ ઉગ્ર બન્યો ન હતો. આ પછી સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ અંગે સોમવારે સવારે VHP અને બજરંગ દળના કાર્યકરો ઉશ્કેરાયા હતા. બંને ઘટનાઓ મામલે તેઓ રસ્તા પર સુત્રોચ્ચાર કરી રહ્યા છે. પોલીસે કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જવાનોની તહેનાતી વધારી દેવામાં આવી છે. પોલીસે આ કેસ અંગે વધુ માહિતી આપી નથી. સોશિયલ મીડિયા પોસ્ટ મામલે FIR નોંધાઈ: મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈદ-એ-મિલાદ રેલી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિસ્તારમાં તણાવ વધી ગયો છે. પોલીસે પોસ્ટ મામલે બંટવાલ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધી છે. દક્ષિણ કન્નડ એસપીએ કહ્યું કે જો કોઈ શાંતિ ડહોંળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.