જસદણ મોક્ષધામમાં મેલીવિદ્યા, ભૂત-પ્રેતને અપાયો અગ્નિદા, દુનિયામાં ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલનું અસ્તિત્વ નથી : વિજ્ઞાન જાથા
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
મેલીવિદ્યા, આસુરી શક્તિનું ખંડન કરતા ૪૫૦ છાત્ર-છાત્રાઓ. આટકોટ સંકુલે સ્મશાનમાં કાર્યક્રમો યોજી નવો ચીલો પાડયો. મશાલ, ભૂત-પ્રેતનું સરઘસ કાઢી અગ્નિદાહ આપી અંધશ્રદ્ધાને જાકારો આપ્યો. ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા. શહેરના જિજ્ઞાસુઓ, ગ્રામજનોએ હાજરી આપી. જસદણ પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરીને બિરદાવતું જાથા.રાજકોટ જિલ્લાના જસદણ મોક્ષધામમાં સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એસ.પી.એસ. સંકુલના ૪૫૦ છાત્ર-છાત્રાઓએ સ્મશાનમાં સદીઓ જુની માન્યતા, કુરિવાજો, પરંપરાઓ, અંધવિશ્વાસનું ખંડન કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. મેલીવિદ્યાની નનામી, અગોચર શકિત, આસુરી શકિત, ભૂત-પ્રેત, ડાકણ, ચૂડેલનો ભય, ભ્રામકતાને સામુહિક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સ્મશાનમાં દિવાળી જેવો માહોલનું સર્જન થયું હતું. વિજ્ઞાન સુત્રોથી લોકોના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ટ્રસ્ટના કમલેશભાઈ હિરપરા, મોક્ષધામના જે. ડી. ઢોલરીયા, ધીરૂભાઈ છાયાણી, મનજીભાઈ પટેલ, ધર્મેશભાઈ કલ્યાણી, કેવલભાઈ હિરપરા સહિત આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન, પરિચય ટ્રસ્ટી કમલેશભાઈ હિરપરાએ વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિ સમાજને ફાયદો થયો છે તેના દાખલા આપ્યા હતા. છાત્ર-છાત્રાઓને સ્મશાનમાં લાવવાથી તર્કને પ્રાધાન્ય આપશે. ઉપરાંત ભય, ડર, ભ્રામકતા વિશે આત્મમંથન કરી સાચી સમજણ કેળવશે તેવી આશા રાખી હતી. પ્રારંભમાં ૪૫૦ છાત્ર-છાત્રાઓને કહેવાતી મેલીવિદ્યાની નનામીને ઉપાડી અંધશ્રદ્ધા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. નનામીને સ્મશાનમાં ખાટલે અને વિદ્યુત–ઈલેકટ્રીકથી અગ્નિદાહનો તફાવતની જાણકારી આપવામાં આવી હતી. ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલ વિગેરે મનની ત્રુટિમાંથી ઉદ્દભવેલી કાલ્પનિક વાર્તાથી જ છે. હકિકત નથી. મશાલ સરઘસથી જ્ઞાન-વિજ્ઞાન હંમેશા સદાબહાર છે. તેને દેશના સિમાડા નડતા નથી તેથી જ્ઞાન સંબંધી આગળ વધવું જોઈએ. શૈક્ષણિક સંકુલનો નૂતન પ્રયોગ સફળ રહ્યો હતો. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ એસ.પી.એસ. એ સ્મશાનમાં કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન આપ્યા હતા. છાત્ર-છાત્રાઓ હંમેશા નવા વિચારોને આવકારે છે. જ્ઞાન પદ્ધતિ સર્વાગી લાભકારક છે. સદીઓ જુના રદ્દી વિચારોને તિલાંજલિ આપવી જોઈએ. સદીઓથી ચાલી આવતી પરંપરાઓ, ગેરમાન્યતા, કુરિવાજોને ફગાવવા જોઈએ. પોતાના ઘરેથી પહેલ કરવી જોઈએ બોલીએ છીએ તેનું આચરણ થવું જોઈએ. માનવીનું ૨૧ મી સદીને અનુરૂ૫ વર્તન-વાણી હોવા જોઈએ. અંધવિશ્વાસથી માનવજાતને ભારોભાર નુકશાન થયું છે હવે જાગવાની જરૂર છે. શ્રધ્ધા- અંધશ્રદ્ધાનો ભેદ પારખવો જોઈએ. વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ આવવાથી કુટુંબ, સમાજ, રાષ્ટ્રને
ફાયદો થાય છે. વાસ્તવવાદ-પુરુષાર્થવાદ અપનાવવો જોઈએ. માનવધર્મ-રાષ્ટ્રધર્મ દેશ માટે લાભકારક છે. જાતિવાદ-કોમવાદને જાકારો આપવો પડશે. વિશેષમાં જાથાના પંડયાએ જણાવ્યું કે દર વર્ષે કાળીચૌદશ દિને સ્મશાનમાં અવનવા પ્રયોગો કરી લોકોને તેની જાણકારી આપવામાં આવે છે. નિરંતર પ્રેકટીસ કરવામાં શરીરના કદ પ્રમાણે બેડાનું પાણી-દૂધ, ગરમ તેલથી શરીર ઉપર સ્નાન, મનની વાત, હેરતભર્યા પ્રયોગો વિજ્ઞાનની મદદથી કરી શકાય છે તેમાં કોઈ ચમત્કાર નથી. ચમત્કારિક પ્રિય માનસિકતાના કારણે માનવી દુ:ખી છે. એકના ડબલ, ગુપ્ત ધન, રૂપિયાના વરસાદની ઘેલછાથી આજે પણ લોકો છેતરાય છે. જમીનમાં મૂર્તિનું નીકળવુ વિગેરે પ્રક્રિયા કરનારા શ્રદ્ધાળુઓનું શોષણ કરવા તરકીબ અજમાવે છે. તેનાથી સાવધાની રાખવી જોઈએ. વિજ્ઞાન બ્રહ્માંડના રહસ્યો ખોલવા સતત પ્રયત્નશીલ છે. માનવીએ ચંદ્ર-મંગળ ઉપર વસવાટની તૈયારી આરંભી છે તેને અનુરૂપ વર્તન હોવું જોઈએ. વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થયો છે. અજ્ઞાનતાનો લેભાગુઓ લાભ મેળવે છે. ગ્રહો કે ગ્રહણો કદી નડતા નથી, જીવતા માણસો જ નડે છે. માણસને અહંમ, પૂર્વગ્રહો નડે છે. અનુભવથી ઘણું શીખવાનું મળે છે. મગજની સંગ્રહશક્તિમાંથી માત્ર આઠ ટકા જ ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધિશકિત અમાપ છે. છાત્ર-છાત્રાઓને નવા સંશોધનો માટે પ્રેરણા આપવામાં આવી હતી. જાથાના જયંત પંડયાએ જસદણ ગામની વિશિષ્ટતાની વાત કરી હતી, અંધશ્રદ્ધા તેમાંનો એક ભાગ છે. તેને જલ્દી તિલાંજલિ આપવી પડશે. માથા ઉપર સળગતી સગડી રાખી પ્રયોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. ચમત્કારો પાછળના રહસ્યોની પોલખોલ કરવામાં આવી હતી. હાથમાંથી લોહી નીકળવું, અગ્નિનું આપોઆપ પ્રાગ્ટય, હાથ-માથા ઉપર દીવા રાખવા, સળગતા અંગારા મોઢામાં ખાવા જેવા પ્રયોગો કરી શીખડાવી દેવામાં આવ્યા હતા. માનવીની અજ્ઞાનતામાંથી ચમત્કારનો જન્મ થયો છે. ધાર્મિક ત્યૌહારના અમલમાં સંયમપૂર્વકનું વર્તન હોવું જોઈએ. મૂર્તિ વિસર્જન વખતે શ્રદ્ધાળુઓના પાણીના ડુબવાથી મોત થાય છે ત્યારે આઘાત-પીડા થાય છે. મોતનું નિવારણ આપણે જ કરવું પડશે. સ્મશાન સંબંધી સદીઓ જુની માન્યતા પરંપરાઓનું ખંડન કરવામાં આવ્યું હતું. છાત્ર-છાત્રાઓને હોંશભેર ભાગ લીધો હતો. સ્મશાનમાં જે. ડી. ઢોલરીયા, ધીરૂભાઈ છાયાણી, તેની ટીમે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. સંકુલના કેવલભાઈ હિરપરા અને પરેશભાઈએ સંચાલન કર્યું હતું. જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, વિનુભાઈ લોદરીયા, જયસુખ રામાણી, ભાનુબેન ગોહિલે પ્રયોગ નિદર્શન સાથે તૈયારીમાં ભાગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.