EDITOR’S VIEW: કેજરીવાલને ‘સુપ્રીમ’રાહત:તિહાર જેલમાંથી બહાર નીકળી કર્યો હુંકાર, આકરી શરતોના લીધે નહીં ચલાવી શકે સરકાર કે નહીં કરી શકે CM તરીકે સહી
“જેલવાલે સીએમ હવે બેલવાલે સીએમ” પણ સીએમ તરીકે કામ નહિ કરી શકે નમસ્કાર, અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે ભાજપે કહેલું કે જેલવાલે સીએમ. હવે જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે ભાજપ તેને બેલવાલે સીએમ કહીને બોલાવે છે. આજે કેજરીવાલના જામીન અને હરિયાણાની ચૂંટણીની વાત... કેજરીવાલને કઈ શરતો પર જામીન મળ્યા?
પાંચ મહિના તિહાર જેલની હવા ખાધા પછી કેજરીવાલને શરતી જામીન મળી ગયાં છે. સુપ્રીમ કોર્ટે જામીન તો આપ્યા પણ કેજરીવાલની પાંખો કાપી લીધી છે. સુપ્રીમ કોર્ટે આ માટે છ શરત મૂકી છે. 1. કેજરીવાલ મુખ્યમંત્રીની ઓફિસે નહીં જઈ શકે. 2. કોઈપણ સરકારી ફાઈલ પર સહી નહીં કરી શકે. 3. કેસ સાથે જોડાયેલું કોઈપણ પ્રકારનું નિવેદન જાહેરમાં નહીં આપી શકે. 4. 10 લાખ રૂપિયાનું જેલ બોન્ડ ભરવું પડશે 5. તપાસમાં વિઘ્નો નહીં નાખે અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરે. 6. જરૂર પડ્યે ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપવો પડશે. જસ્ટીસ સૂર્યકાંતે શું કહ્યું? જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયાએ શું કહ્યું? CBI અને ED કેસમાં જામીન આપતી વખતે સુપ્રીમે શું ટિપ્પણી કરી હતી? કેજરીવાલને જામીન મળતાં જ ભાજપે તડાપીટ બોલાવી
ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે બેઈમાન AAPના સંયોજક અરવિંદ કેજરીવાલને ફરીથી અરીસો બતાવ્યો છે. જે આદેશ પસાર કરવામાં આવ્યો છે તેમાં ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળ્યા છે. જેલવાલા સીએમ હવે બેલવાલા સીએમ બની ગયા છે. હવે અરવિંદ કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ અરવિંદ કેજરીવાલ આમ નહીં કરે કારણ કે તેમનામાં કોઈ નૈતિકતા બાકી રહી નથી. હવે સીએમ પર ભ્રષ્ટાચારનો આરોપ છે એમ કહેવું ખોટું નહીં હોય. હવે તે આરોપીની કેટેગરીમાં છે. ભાટિયાએ વધુમાં કહ્યું કે, કોર્ટમાં કેજરીવાલની દલીલ એવી હતી કે તેમની ધરપકડ ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે કે આ ધરપકડ કાયદેસર છે. ધરપકડ બંધારણીય છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના ખોટા પ્રચારનો પર્દાફાશ કરી નાખ્યો છે. અરવિંદ કેજરીવાલને ક્યારેય કોઈ કોર્ટમાંથી રાહત મળી નથી અને કોઈ આરોપો કાઢી નાખવામાં આવ્યા નથી. તેને નિર્દોષ છોડવામાં આવ્યા નથી. નિર્દોષ છૂટવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે ટ્રાયલ ચાલુ રહેશે. લોકસભામાં AAPને કેટલી સીટ મળી હતી?
કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા પછી તેમણે મોટાભાગનો પ્રચાર દિલ્હીમાં કર્યો હતો. લોકસભાનાં પરિણામો આવ્યાં તેમાં આમ આદમી પાર્ટીને માત્ર 3 સીટ મળી હતી અને ત્રણેય સીટ પંજાબની હતી. હોંશિયારપુર, આંનંદપુર સાહિબ અને સંગરૂર. જો કે, ગુજરાતની 2 સીટ સહિત AAP 22 સીટ પર લડી હતી. હરિયાણામાં ગઈ ચૂંટણીમાં શું પરિણામો આવ્યાં હતાં?
2019માં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. તેના પરિણામો જોઈએ તો, હરિયાણામાં 90 સીટ છે. તેમાંથી ભાજપને 40, કોંગ્રેસને 31, JJP એટલે જનનાયક જનતા પાર્ટીને 10, અપક્ષોને 7 સીટ અને બાકીના નાનાં પક્ષોને 1-1 સીટ મળી હતી. 2019ની ચૂંટણીમાં 90 સીટમાંથી 46 સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડયા હતા પણ AAPને એકપણ સીટ મળી નહોતી. તમામ 46 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ 90 સીટ પર લડે છે. દિલ્હી દારૂ કૌભાંડની ટાઈમલાઈન દિલ્હી સરકારમાં કાંઈ નહીં બદલાય, નવા મંત્રી પણ નહીં નિયુક્ત થાય
જો દિલ્હી સરકારના કામકાજની વાત કરીએ તો કેજરીવાલની બહાર આવવાથી તેમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. સુપ્રીમ કોર્ટે તેમના પર સીએમ તરીકેનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. મેયરની ચૂંટણીની ફાઈલનો મામલો દિલ્હીમાં અટવાઈ ગયો છે. ચૂંટણી હજુ અવઢવમાં છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ કેજરીવાલ કોઈ ફાઇલ પર સહી કરી શકશે નહીં. કેજરીવાલ સરકારમાં એક મંત્રીના રાજીનામા બાદ તેમની જગ્યા ખાલી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ફાઇલ પર સહી કરવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી તેઓ તેમના મંત્રીઓની પણ નિમણૂક કરી શકશે નહીં. હરિયાણાની ચૂંટણી નજીક, AAPને કેટલો ફાયદો થશે?
અરવિંદ કેજરીવાલને જામીન મળવાં એ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વનું છે. દિલ્હીને અડીને આવેલા હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીંની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 8મી ઓક્ટોબરે આવશે. હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નથી. AAP તમામ 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી ચૂંટણી પ્રચારની જવાબદારી તેમના પર રહેશે. કેજરીવાલ પાસે પ્રચાર માટે લગભગ 25 દિવસનો સમય હશે. કેજરીવાલ ઈમોશનલી વોટર ટર્નઆઉટ કરી શકે છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ કેજરીવાલને પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. પછી પાર્ટીને બહુ ફાયદો થયો નહોતો. કેજરીવાલનું હરિયાણા પોલિટિક્સ, પાંચ પોઈન્ટમાં સમજો છેલ્લે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, સીબીઆઈએ એ ધારણામાંથી બહાર આવવાની જરૂર છે કે, તે પાંજરે પુરાયેલો પોપટ છે. આજથી બરાબર 11 વર્ષ ને 4 મહિના પહેલાં 9 મે, 2013ના દિવસે સુપ્રીમ કોર્ટમાં કોલસા કૌભાંડની સુનાવણી ચાલી રહી હતી ત્યારે પણ સુપ્રીમ કોર્ટે આવી જ ટિપ્પણી કરીને કહ્યું હતું કે, સીબીઆઈ પાંજરે પુરાયેલો પોપટ છે. આનો અર્થ એ થાય કે, દાયકા પછી પણ સીબીઆઈની વિશેની ઇમેજમાં કોઈ ફેર પડ્યો નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ.... (રિસર્ચ : યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.