સોમપીપળીયા ગોડલાધારની વચ્ચે સરકાર દ્વારા નવો બનાવેલ પાનીયો ડેમ છલકાતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જળના વધામણાં કર્યા
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ નજીક ઘેલા સોમનાથ પાસે સોમપીપળીયા અને ગોડલાધારની સીમમાં નાની સિંચાઈ યોજના હેઠળ રૂ ૩૮૭.૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પાનિયા ડેમ છલકાતા આજુબાજુના ગામડાઓમાં હરખની હેલી છવાણી છે, આ યોજનાની કુલ સંગ્રહ શક્તિ ૩૨.૦૬ મી.ઘન ફૂટ છે એટલે કે ૯૦૮૦ લાખ લિટર પાણીનો સંગ્રહ થશે, આ યોજનાથી વિછીયા તાલુકાના સોમપીપળીયા અને વડોદ ગામની ૨૨૨.૧૭ હેક્ટર (૫૪૯ એકર) જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળવા પાત્ર રહેશે, તેમજ પાણીનો સંગ્રહ થવાથી આસપાસની જમીનમાં પાણીના તળો ઊંચા આવશે, જેના કારણે કાળાસર અને સોમ પીપળીયા ગામના લોકોને પરોક્ષ ફાયદો થશે તેમજ ખેત ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂતોની આવકોમાં વધારો થશે, જળ વધામણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, આવનારા દિવસોમાં જસદણ વિછીયા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં નર્મદા સિંચાઈ યોજના નો લાભ મળશે તેમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું તેમજ પીવાના પાણીની સુધારણા યોજના ઝડપથી થશે અને ઘેલા નદીના કાંઠે મા નર્મદા મૈયાનાં નીર કાયમી વહેતા રહેશે તેવી નેમ રાજ્ય સરકારની છે તેમ અંતમાં જણાવ્યું હતું. જળ વધામણા કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, અધિક્ષક ઈજનેર પ્રેક્ષાબેન ગોસ્વામી, કાર્યપાલક ઇજનેર ભાવિન ભીમજીયાણી, વિછીયા મામલતદાર પંચાલ સાહેબ, પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી જળ વધામણામાં જોડાયા હતા. અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું ઢોલ નગારાનાં નાદ સાથે સોમ પીપળીયા સરપંચ, ગોડલાધાર સરપંચ અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ શાનદાર સન્માન કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.