જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ


જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ
-------------
ગ્રામ્ય અને શહેરી સેવાસેતુમાં નાગરિકોને એક જ સ્થળે ૫૫થી વધારે સેવાઓનો લાભ મળશે
--------------
ગીર સોમનાથ, તા.૧૨ : નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લાનાં નાગરિકો સરકારની વિવિધ સેવાનો લાભ તેના નજીકના સ્થળ પરથી લઈ શકે તે માટે જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થતાં સેવા સેતુ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓકટોબર, ૨૦૨૪ દરમિયાન ૧૦મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમના આયોજન અંગે સંબંધિત તમામ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી અને કેમ્પમાં સરકારની યોજનાઓનો લોકો વધુમાં વધુ લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા અને કાર્યક્રમના સ્થળોએ પાણી, બેઠક, વીજળી સહિતની વ્યવસ્થાઓ અને કાર્યક્રમના સુચારુ આયોજન માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

જ્યારે અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશભાઈ આલે સેવાસેતુ અંતર્ગત આવતી બેન્કિંગ સર્વિસ, રાશન તેમજ ગેસ કનેક્શન, વીજળી વિભાગ, આધારકાર્ડ અંગે, વિવિધ વિમા યોજના, મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓ સહિત નાગરિકલક્ષી વિવિધ સેવાઓ અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૭ સપ્ટેમ્બરના રોજ તમામ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. સવારે ૦૯.૦૦થી સાંજે ૦૫.૦૦ સુધી યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં રાશનકાર્ડ, આધારકાર્ડ, જાતિનાં દાખલા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, લર્નિંગ લાઈસન્સ, વૃદ્ધ પેન્શન યોજના, બસ કન્સેશન પાસ, યુ.ડી.આઈ.ડી કાર્ડનું રજિસ્ટ્રેશન, વિધવા સહાય સહિતની નાગરિકલક્ષી અરજીઓ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શ્રી દર્શના ભગલાણી, વેરાવળ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોષી, ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા સહિત શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન, એસ.ટી, આરોગ્ય સહિત સંબંધિત વિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.