હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે દર્દીની ઝપાઝપી:ડોક્ટરનો હાથ પકડી લીધો, એપ્રોન ફાડી નાખ્યું; લોકોએ આરોપીને મેથીપાક ચખાડ્યો, CCTV
બુધવારે (11 સપ્ટેમ્બર) હૈદરાબાદના સિકંદરાબાદની ગાંધી હોસ્પિટલમાં એક દર્દીએ ડૉક્ટર યુવતી સાથે ઝપાઝપી કરી હતી. તેણે ડૉક્ટર યુવતીનો હાથ પકડીને ઝપાઝપી કરતા તેનું એપ્રોન પણ ફાડી નાખ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જુનિયર ડોક્ટર યુવતી કાઉન્ટર પર ઉભી છે. દર્દી પાછળથી આવે છે અને ડૉક્ટરનો હાથ પકડીને ઝપાઝપી કરે છે. દર્દી ડૉક્ટર યુવતી એપ્રોન ખેંચે છે. આ ઝપાઝપીમાં વચ્ચે પડવા આવેલા અન્ય દર્દીને પણ ધક્કો મારે છે. સ્ટાફ આવતાં ડોક્ટર યુવતીનો આબાદ બચાવ થયો હતો. કેટલાક સ્ટાફ મેમ્બરોએ દર્દીને મેથીપાત ચખાડ્યો હતો, ત્યારે દર્દીએ ડોક્ટર યુવતીને છોડી હતી. ઘટના સાથે જોડાયેલા 2 ફોટા... દેશમાં ડોક્ટરોની સુરક્ષા મોટો મુદ્દો, સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યા બાદ સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ગંભીર બની ગયો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 20 ઓગસ્ટે સુનાવણી પણ થઈ હતી. ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ દ્વારા સુનાવણી કરી હતી. CJIએ કહ્યું હતું- અમે સિસ્ટમ સુધારવા માટે વધુ એક રેપની રાહ જોઈ શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે ડોક્ટરોની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. આમાં નવ ડોકટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ સલામતી, કામ કરવાની પરિસ્થિતિઓ અને મોડિકલ પ્રોફેશનલોની સુરક્ષા માટે સુધારાના પગલાંની ભલામણ કરશે. કેન્દ્ર સરકારના પાંચ અધિકારીઓને પણ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. રેપ- હત્યા કેસ અંગે કોલકાતામાં 33મા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે
કોલકાતામાં જુનિયર ડોક્ટરોના વિરોધનો ગુરુવારે 33મો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી સ્વાસ્થ્ય ભવન બહાર ડોક્ટરો હડતાળ પર બેઠા છે. તેઓ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને પદ પરથી હટાવવા સહિત 5 માંગ પર મક્કમ છે. પ્રદર્શનમાં ભાગ લેનાર જુનિયર ડૉક્ટર ડૉ. અર્નબ મુખોપાધ્યાયે કહ્યું, 'આરોગ્ય મંત્રીએ બુધવારે (11 સપ્ટેમ્બર) કહ્યું કે તેઓ નિરાશ છે. એસી રૂમમાં બેસીને તેઓ નિરાશ થઈ રહ્યા છે. અમે અહીં રસ્તા પર છીએ. બેઠક માટેની અમારી શરતો ખોટી નથી. ખરેખરમાં, ડોકટરો 11 સપ્ટેમ્બરે બંગાળ સરકાર સાથે વાત કરવા માટે સંમત થયા હતા. તેમણે બેઠક માટે 4 શરતો મૂકી હતી. જોકે, સરકારે શરતોને ફગાવી દીધી હતી. આરોગ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું કે અમે ડોક્ટરોની વાત સાંભળવા તૈયાર છીએ, પરંતુ તેઓ તેના માટે શરતો નક્કી કરી શકતા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.