હળવદના સોનીવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,આરોપી પોલીસની ગિરફ્તમાં - At This Time

હળવદના સોનીવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,આરોપી પોલીસની ગિરફ્તમાં


હળવદ ટાઉનમાં સોનીવાડ વિસ્તારમાં બેસાડેલ ગણપતિના દર્શન કરવા ગયેલા વિપ્ર પરિવારના ઘરમાં ૨.૬૬ લાખના સોનાના દાગીનાની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે હળવદ પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીના જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ ટાઉનમાં સોનીવાડ વિસ્તારમાં આવેલ રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેના ઘરમાં ગત તા.૦૭ સપ્ટેના રોજ ચોરી થઈ હતી. જેમાં તેઓ પરિવાર સાથે પોતાના વિસ્તારના બેસાડેલ ગણપતિ બાપાના દર્શન કરવા ગયા હોય ત્યારે ઘરના મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ રૂમમાં રાખેલા આશરે ૫૩ ગ્રામ કિ.રૂ.૨.૬૬ લાખના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા અંગે ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉપરોક્ત ઘરફોડ ચોરી અનુસંધાને હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ટીમ અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની વોચમાં રહી કાર્યરત હોય તે દરમિયાન એએસઆઈ. એ.એન.સિસોદીયા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણને મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેશ પ્રદિપકુમાર જોષી રહે.ઓરાવાડ હળવદવાળાને પકડી લઈ તેની પાસેથી ચોરી કરેલ આશરે ૫૩ ગ્રામ કિ.રૂ. ૨.૬૬ લાખના તમામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આરોપીની અટક કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.