વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવ્યા બાદ અપહરણ કરી રૂ.1.50 લાખની ખંડણી માંગી - At This Time

વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવ્યા બાદ અપહરણ કરી રૂ.1.50 લાખની ખંડણી માંગી


રાજકોટમાં આરકે યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવ્યા બાદ અપહરણ કરી રૂ.1.50 લાખની ખંડણી માંગી ઢોર મારમારી કારમાં નુકશાની કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવ અંગે ગોંડલમાં ગુંદાળા રોડ પર રામકૃષ્ણ નગર શેરી નં.3 માં રહેતાં કૃણાલ માનશીંગભાઈ વાઢેર (ઉ.વ.19) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુસ્તાક, તેની સાથેના અજાણ્યો શખ્સ, વત્સલ જીતુ વેકરિયા, ગૌતમ અને મંગલ પરમારનું નામ આપતાં આજીડેમ પોલીસે બીએનએસ એક્ટ 140(3), 308(3), 308(2), 115(2), 351 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ પાસે આવેલ આર.કે. યુનીવર્સીટી મા બી.એસ.સી.ના ત્રીજા વર્ષમા અભ્યાસ કરે છે. ગઈકાલે બપોરના પોણા એક વાગ્યાની આસપાસ તે આર.કે. યુનીવર્સીટી ગેઇટ પાસે ઉભેલ હતો ત્યારે કોલેજમાં ભણતો પ્રિયાંશુસિંહ રાઠોડ એકટીવા ચલાવી તેમની પાસે આવેલ અને કહેલ કે, ચાલ આપણે હેરજા સાથે તારૂ સમાધાન કરી નાખીએ, એ લોકો તારી અર્ટીગા કાર પણ લઇ ગયેલ છે તેમ વાત કરતા તે રાજીખુશીથી પ્રીયાંશુસિંહ રાઠોડના એક્ટીવામાં પાછળ બેસેલ અને કોલેજથી આગળ ગઢકા ગામ તરફ જતા રોડ પર બાલાજી હોસ્ટેલના રોડની સામેની તરફ ખુલ્લી જગ્યામા લઈ ગયેલ હતો.
દરમિયાન પાછળથી બે કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો કાર અને એક સફેદ રંગની સ્વીફ્ટ કાર ત્યા ઘસી આવેલ અને એક સ્કોર્પીયોમાંથી મુસ્તાક અને પહેલા કોલેજમા ભણતો વત્સલ વેકરીયા, ગૌતમ તથા એક અજાણ્યો માણસ નીચે ઉતરેલ અને મુસ્તાકે કહેલ કે, તું કેમ મારા છોકસઓને બધી જગ્યાએ આડા પગે આવે છે,
તેમની સાથે રહેલ અજાણ્યા માણસે કહેલ કે, તું સિબ્બેનને ક્યાંય નડ્યો તો તને ગમે ત્યાથી શોધીને મારીશ, કહેતાં તેમને કહેલ કે, હું ક્યાં આડા પગે આવુ છુ, તેમ કહેતા મુસ્તાક અને તેની સાથેના અજાણ્યા શખ્સો ગાળો આપી સાતથી આઠ ફડાકા મારી દીધેલ હતાં.પ્રિયાંશુસિંહ વચ્ચે પડેલ અને સમાધાન કરવા તે લોકોને વાત કરેલ તો મુસ્તાકે કહેલ કે, સમાધાન કરવું છે પહેલા તેને ગાડીમાં બેસવા દે તેમ કહી તેમને ધક્કો મારી પરાણે તેની સ્કોર્પીયો કારમાં આગળની સીટમાં બેસાડી દીધેલ અને મુસ્તાક ડ્રાઇવીંગ સીટ પર બેસેલ અને તેની પાછળ ગૌતમ અને તેની બાજુમાં વત્સલ વેકરીયા અને પાછળની સીટમા તેમની સાથે આવેલ અજાણ્યો શખ્સ બેસેલ હતાં.
બાદમાં તેને મુસ્તાકને સમાધાન કરી નાખો તેમ વાત કરેલ તો તેને કહેલ કે, આપણે પ્રેમથી સમાધાન કરવું છે પણ એના માટે તારે અમને દોઢ લાખ રૂપીયા આપવા પડશે તેમ કહેલ અને સાથેના વત્સલ, ગૌતમએ પણ મને કહેલ કે, સમાધાન કરવું હોય તો તારે દોઢ લાખ રૂપીયા આપવા પડશે. જેથી તેને મારી પાસે પૈસા નથી તેમ કહેતાં મુસ્તાકે ગાડી ચાલુ કરી જવા દીધેલ અને થોડી વાર બાદ કોલેજ આગળ ઉભી રાખેલ અને બાજુમા બીજી સ્કોર્પીયો કાર પણ આવી ઉભી રહેલ અને તે સ્કોર્પીયોમાંથી કોલેજમા ભણતો મંગલ પરમાર આવી તે જે સ્કોર્પીયો કારમાં બેઠો હતો.
તેમા પાછળની સીટે બેસી ગયેલ અને તેણે પણ કહેલ કે, સમાધાન કરવા માટે તારે દોઢ લાખ રૂપીયા તો આપવા જ પડશે તેમ કહેલ અને તેણે યુવાનના મોબાઇલ ફોનમાથી પરાણે બસો રૂપીયા ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરાવેલ અને મંગલ પરમાર નીચે ઉતરી ગયેલ હતો.
બાદમાં ફરિયાદીના અન્ય મિત્રો આવી જતાં મંગલ પરમારે કહેલ કે, દોઢ લાખ રૂપીયા હોય તો આપો નહીતર આને નીચે નહિ ઉતારીએ જેથી તેના ફઇના દિકરાએ આટલા રૂપીયા અમારી પાસે નથી તેમ કહેલ અને મંગલ પરમાર નીચે ઉતરી ગયેલ અને પ્રીયાંશુ પાછળ બેસી ગયેલ હતો.
બાદમાં મુસ્તાકે કહેલ કે, આને જંગલેશ્વર લઇ જાવી તેમ કહી ગાડી જવા દીધેલ અને વચ્ચે રસ્તામાં યુવાનના ફોનમા તેના પિતાનો ફોન આવેલ તો મુસ્તાકએ મને ધમકી આપેલ કે જો તું તારા પિતાને કાંઇ કહીશ તો તને મારીશ તેમ કહેલ જેથી પિતાને કાંઈ વાત કરેલ નહીં. બાદમાં તેમના બનેવી જયદિપસિંહ ગીલુભા ચુડાસમા ફોન આવતા બનાવ બાબતે બધી વાત કરેલ તો.
મુસ્તાકે તેમની પાસેથી મોબાઇલ ઝુંટવી લીધેલ અને ગાડી સીધી જંગલેશ્વર બાજુ જવા દીધેલ અને ત્યાં એક જગ્યાએ ગાડી ઉભી રાખી તેને ગોગલ્સ પહેરાવી વિડીઓ ઉતારી એવું બોલાવડાવેલ કે, મેં દોઢ લાખ રૂપીયા ઉછીના લીધેલ છે જે હું બે દિવસમા પરત કરી આપીશ, બાદ વિડીયો ઉતારીને આ મુસ્તાકે બપોરના બે વાગ્યા આસપાસ અમુલ સર્કલે તેની કારમાથી નીચે ઉતારી દીધેલ અને અમુલ સર્કલે મંગલ પરમારે મને અર્ટીગા કાર ચાવી સાથે આપેલ અને કારમા જોયેલ તો કારમાં રૂ. 25 હજારનું નુકસાન થયેલ હતું.
વધુમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેમના મિત્ર ધ્રુવીલ પરમારનું બાઇક કોલેજમા ભણતો સિબ્બેન હેરજાના મિત્ર રેહાનના બાઇક સાથે ભટકાયેલ હતું જે બાબતે રેહાન સાથે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખી અપહરણ કરી મારમારી ખંડણી માંગી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.