અગ્નિદાહ માટે ડાઘુઓને જોવી પડે છે કલાકો સુધી રાહ, કારણ કે 5 સ્મશાનની 8માંથી 5 ચીમની બંધ - At This Time

અગ્નિદાહ માટે ડાઘુઓને જોવી પડે છે કલાકો સુધી રાહ, કારણ કે 5 સ્મશાનની 8માંથી 5 ચીમની બંધ


રામનાથપરામાં એક વર્ષથી, મોટામવામાં 8 મહિનાથી અને મવડી-બાપુનગરમાં વરસાદી પાણી ઘૂસી જતાં ચીમની બંધ થતાં હાલત કફોડી બની.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઇ ગયા હતા. મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક પદાધિકારીઓની ખાયકી વૃત્તિથી આ ગોઝારી ઘટના બની હતી. સંવેદનાહીન અધિકારીઓ અને પદાધિકારીઓને કારણે રાજકોટમાં મૃત્યુ પછી પણ અંતિમવિધિ માટે રાહ જોવી પડે છે. ડાઘુઓએ પોતાના સ્વજનની અંતિમક્રિયા માટે ભલામણ કરાવવી પડે છે. રાજકોટના અલગ અલગ સ્મશાનમાં 8માંથી 5 ઇલેક્ટ્રિક વિભાગ બંધ હોવાથી ઇલેક્ટ્રિક વિભાગમાં અંતિમવિધિ કરાવનાર ડાઘુઓને કતારમાં બેસવું પડે છે.

રાજકોટના સૌથી જૂના રામનાથપરા સ્મશાનગૃહમાં બે ઇલેક્ટ્રિક અને એક ગેસ વિભાગ છે, જેમાંથી એક ઇલેક્ટ્રિક વિભાગ છ મહિનાથી અને ગેસ વિભાગ એક વર્ષથી બંધ છે. મોટામવામાં એક ઇલેક્ટ્રિક વિભાગ આવેલો છે તે આઠ મહિનાથી બંધ છે. મવડી અને બાપુનગરના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા ત્યારથી તે બંને સ્થળે ઇલેક્ટ્રિક વિભાગ બંધ છે. રૈયામાં એક ઇલેક્ટ્રિક અને એક ગેસ વિભાગ છે જે બંને ચાલુ છે. આમ શહેરના અલગ અલગ પાંચ સ્મશાનમાં 8 ઇલેક્ટ્રિક-ગેસની ચીમની આવેલી છે જેમાંથી 5 બંધ છે. સ્મશાનગૃહના સંચાલકોએ વેદના ઠાલવતા કહ્યું હતું કે, મહાનગરપાલિકાએ તેમને સંચાલન સોંપી દીધું એટલે તેમની કોઇ જવાબદારી જ ન હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. લાંબા સમયથી ઇલેક્ટ્રિક-ગેસ વિભાગ બંધ હોવાથી ડાઘુઓને કલાકો સુધી રાહ જોવી પડે છે, કેટલાક ડાઘુઓ તો ફોન કરી વહેલો ક્રમ આવે તે માટે ભલામણ કરતો ફોન કરે છે તે કમનસીબી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.