અમીનમાર્ગ પરથી ગુમ થયેલ વિદ્યાર્થીની લાશ ન્યારી ડેમમાંથી મળી: - At This Time

અમીનમાર્ગ પરથી ગુમ થયેલ વિદ્યાર્થીની લાશ ન્યારી ડેમમાંથી મળી:


બે દિવસ પહેલાં ગણેશ ચતુર્થીના દિવસે અમીનમાર્ગ પર આવેલ ડ્રિમ હિલ એપાર્ટમેન્ટમાં રહેતાં 18 વર્ષીય પટેલ યુવાન ગુમ થયાં બાદ આજે સવારે ન્યારીડેમમાંથી તેનો તરતો મૃતદેહ મળતાં પોલીસની સાથે સાથે ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢી ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં મૃતકનો પરીવાર પણ દોડી આવ્યો હતો અને આક્રંદ મચાવ્યો હતો. યુવાનના મોત આપઘાત કે આકસ્મીક છે તે રિપોર્ટ આવ્યાં બાદ બહાર આવશે. હાલ તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
પ્રાપ્ત વિગત મુજબ, અમીનમાર્ગ પર ડ્રિમહિલ એપાર્ટમેન્ટમાં એ-201 માં રહેતો સાગર મનીષભાઈ વાછાણી (ઉ.વ.18) ગઈ તા.07/09/2024 ના સવારે 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરિવારજનોને ગણેશ ઉત્સવમાં જવાનું કહીં નીકળી ગયો હતો. જે બાદ તે મોડી રાત સુધી ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં પુત્રનો કોઈ પત્તો ન લાગતાં માલવીયાનગર પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી. જે બાદ પોલીસે પણ યુવાનને શોધવા તપાસનો ધમધમાટ આદર્યો હતો.
દરમિયાન આજે સવારે કાલાવડ રોડ પર આવેલ ન્યારીડેમ નજીકથી પસાર થતાં રાહદારીઓને પાણીમાં તરતો એક મૃતદેહ નજરે પડતાં ચોંકી ઉઠ્યા હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતાં કાલાવડ રોડ ફાયરબ્રિગેડના સંજય ગોહિલ, હાર્દિક વાઘેલા સહિતના સ્ટાફે ન્યારીડેમમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરિવારને જાણ કરતાં દોડી આવેલ મૃતકના પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો.
યુવાને આપઘાત કર્યો કે, પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, તે કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મળેલ વિગત અનુસાર, મૃતક સાગર ત્રણ ભાઈ બહેનમાં વચ્ચેટ હતો. તેઓ ત્રણેય ભાઈ-બહેનો ટ્વીન્સ છે. તે અગાઉ આઈટીઆઈમાં ફેઈલ થયાં બાદ કાલાવડ રોડ પરની સ્કૂલમાં ધો.11 માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કંપનીમાં નોકરી કરતાં હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે પરિવારજનો પણ બનાવ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરા અને ટીમે વિષેશ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.