ડેંગ્યુ સાથે મેલેરીયા-ચીકનગુનીયાનો પણ ફુંફાડો : રોગચાળાના નવા બે હજાર કેસ - At This Time

ડેંગ્યુ સાથે મેલેરીયા-ચીકનગુનીયાનો પણ ફુંફાડો : રોગચાળાના નવા બે હજાર કેસ


રાજકોટ મહાનગરમાં ધારણા મુજબ ભારે વરસાદ બાદ રોગચાળો વધુ વકર્યો છે. આજે મહાપાલિકાની આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક રીપોર્ટ મુજબ અઠવાડિયામાં રોગચાળાના કેસનો આંકડો બે હજારને આંબી જતા સ્થિતિ ચિંતાજનક બન્યાનું લાગી રહ્યું છે. તો લાંબા સમય બાદ ડેંગ્યુ સાથે મેલેરીયા અને ચીકનગુનીયાએ પણ ફુંફાડો માર્યો હોય તેમ ત્રણે તાવના કેસમાં ઉછાળો થયો છે.
તા.2 થી 8-9 સુધીના સપ્તાહમાં ડેંગ્યુના ફરી 21 કેસ બહાર આવ્યા છે. આ સાથે જ મેલેરીયાના પણ ચાર અને હાડકા બેવડા વાળી નાંખતા ચીકનગુનીયાના પણ ચાર દર્દીની નોંધ ચોપડે ચડી છે. તો આ સિવાય અનેક ખાનગી દવાખાના, હોસ્પિટલોમાં સત્તાવાર અને શંકાસ્પદ દર્દીઓની સંખ્યા તો ત્રણ આંકડામાં હોવાનું તબીબી વર્તુળો કહી રહ્યા છે. આ સાથે વર્ષમાં ડેંગ્યુના કુલ દર્દીઓનો આંકડો 133 પર પહોંચી ગયો છે.
અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. સપ્તાહમાં શરદી-ઉધરસના 942 સામાન્ય તાવના 645 અને ઝાડા-ઉલ્ટીના 349 દર્દીની નોંધ થઇ છે. આમ ખોરાક અને પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ મિશ્ર ઋતુમાં ઉછાળો આવ્યો છે. ભાદરવા મહિનામાં દિવસમાં ઘણો સમય ભારે તડકાનો પણ અનુભવ થાય છે. તો વહેલી સવારે થોડી ઠંડક હોય છે. આથી ભારે વરસાદ બાદ ધારણા મુજબ સપ્ટેમ્બર માસમાં રોગચાળોનો ગ્રાફ ઉપર ગયો છે. સાથે જ ખતરનાક તાવ ટાઇફોઇડના બે નવા કેસ આવ્યા છે. કોલેરાનો વોર્ડ નં.13નો એક કેસ આજે રીપોર્ટમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ રીતે સિઝનલ રોગચાળાના 1939 અને મચ્છરજન્ય તાવના ર9 મળી કુલ 1968 દર્દી ચોપડે ચડયા છે જે આંકડો છેલ્લા લાંબા સમયનો સૌથી વધુ છે.
મેલેરીયા શાખાએ જણાવ્યું છે કે, ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થસળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. આથી લોકોએ પુરી તકેદારી રાખવાની અને તંત્રને સહકાર આપવાની જરૂર છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મનપા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 99,435 ઘરોમાં પોરાનાશક અને ફિલ્ડવર્કરો દ્વારા 4929 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનોની તપાસ દરમ્યાન રહેણાક સિવાય અન્ય 312 મિલ્કતમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંકમાં 316 અને કોર્મશીયલ 60 આસામીને નોટીસ આ5વામાં આવી છે તો રૂા.8,200નો વહિવટી ચાર્જ પણ વસુલવામાં આવ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.