ભાવનગર શિશુવિહાર માં બુધસભાની ૨૩૦૩ મી બેઠકનો પ્રારંભ કવિઓ દ્વારા કાવ્ય પઠનથી થયો - At This Time

ભાવનગર શિશુવિહાર માં બુધસભાની ૨૩૦૩ મી બેઠકનો પ્રારંભ કવિઓ દ્વારા કાવ્ય પઠનથી થયો


ભાવનગર શિશુવિહાર માં બુધસભાની ૨૩૦૩ મી બેઠકનો પ્રારંભ કવિઓ દ્વારા કાવ્ય પઠનથી થયો

ભાવનગર શિશુવિહાર માં બુધસભાની ૨૩૦૩ મી બેઠકનો પ્રારંભ કવિઓ દ્વારા કાવ્ય પઠનથી થયો. અંદાજિત દસેક કાવ્ય પાઠ બાદ કવિતા આસ્વાદ શ્રેણી અંતર્ગત આજના આસ્વાદક શ્રી વિક્રમભાઈ ભટ્ટ નું અભિવાદન શ્રી પરેશભાઈ ત્રિવેદીના હસ્તે થયું અને છાયાબેન પારેખે વિક્રમ ભાઈનો પરિચય અને કવિતા આસ્વાદની પૂર્વભૂમિકા રજૂ કર્યા. વિક્રમભાઈએ કવિશ્રી મનોજ ખંડેરિયાની કવિતાનો આસ્વાદ કરાવતા પૂર્વે કહ્યું કે મરીઝ સાહેબ માટે એવું કહેવાયું કે મરીઝ એક એવી મસ્જિદ છે કે જ્યાં દરેક શાયરો વજુ કરવા આવે છે. આ વાત મનોજ ખંડેરિયાના સંદર્ભમાં પણ એટલી જ સાચી છે. ગુજરાતી ગઝલની ઊંડાઈ અને ઊંચાઈ વધારવામાં અને તેના વિકાસમાં મનોજ ખંડેરિયાનું અનન્ય યોગદાન છે. "પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને", " કોઈને કંઈ પડી છે જ ક્યાં" અને બીજી કેટલીક ગઝલોમાં વ્યક્ત થતા કવિના ભાવ વિશ્વ, સંવેદના, પીડા અને પોતીકા અવાજની વાત વિક્રમભાઈએ નરસિંહ અને કવિ કાન્તની કવિતાઓના ઉદાહરણો સાથે રજૂ કરી. પ્રકૃતિથી છેટા પડી ગયેલા વિશ્વનું દર્શન અને તેની પીડાની અનુભૂતિ મનોજ ખંડેરિયાની ગઝલોમાં ભાવવાહી રીતે રજૂ થઈ છે. માત્ર પીડાની જ નહિ, પ્રેમની અનુભૂતિને પણ હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. સરળ શબ્દોને પોતાની ગઝલોમાં પ્રયોજીને ચમત્કૃતિ સર્જવાની મનોજ ખંડેરિયાની કલા તેની શબ્દ સાથેની નિસ્બત અને સાધના દર્શાવે છે. કાર્યક્રમના અંતે પિયુષભાઈ પારાશર્યએ કવિશ્રી મનોજ ખંડેરિયા સાથેના તેમના સંસ્મરણો કહ્યા હતા. પાંત્રીસેક ભાવકોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ સમયસર સંપન્ન થયો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.