ભાજપે કહ્યું- પિત્રોડા પહેલા રાહુલને બોલતા તો શીખવાડો:વિદેશમાં જઈને ભારતની મજાક ન ઉડાવો; PM બનવાનું સપનું છે તો લેશન કરતા શીખો - At This Time

ભાજપે કહ્યું- પિત્રોડા પહેલા રાહુલને બોલતા તો શીખવાડો:વિદેશમાં જઈને ભારતની મજાક ન ઉડાવો; PM બનવાનું સપનું છે તો લેશન કરતા શીખો


​​​​​​રાહુલ ગાંધીના ભવિષ્યમાં વડાપ્રધાન બનશે તેવા સામ પિત્રોડાના નિવેદન સામે ભાજપે પલટવાર કર્યો છે. બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે જો પિત્રોડાને ખરેખર રાહુલમાં પીએમની છબી દેખાય છે તો પહેલા તેમને બોલતા તો શીખવાડો. રવિશંકરે વધુમાં કહ્યું- રાહુલ વિદેશમાં જઈને ભારતની મજાક ઉડાવે છે. તેઓ બહાર જાય છે અને અહીંની લોકશાહી, મીડિયા અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવે છે. પિત્રોડાએ તેમને લેશન કરતા શીખવવું જોઈએ કે ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ 4 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ કહ્યું હતું કે રાજીવ ગાંધી કરતા તેમના પુત્ર રાહુલ ગાંધી વધુ સમજદાર છે. તેઓ સમજદાર હોવા ઉપરાંત, તેઓ વધુ સારા રણનીતિકાર પણ છે. રાહુલમાં ભાવિ વડાપ્રધાનના તમામ ગુણો છે. પિત્રોડાએ કહ્યું- રાહુલની ખોટી ઈમેજ બનાવવા માટે કેમ્પેઈન ચલાવાયું હતું તેમણે કહ્યું હતું કે રાહુલની ખોટી છબિ બનાવવામાં આવી છે. તેમને બદનામ કરવા માટે લાખો અને કરોડો ડોલર ખર્ચવામાં આવ્યા હતા. મીડિયામાં રાહુલની છબિ એક આયોજનબદ્ધ અભિયાન પર આધારિત હતી. રાહુલ ખૂબ જ ભણેલા-ગણેલા છે. તેઓ ક્યારેય કોલેજ ગયા નથી. તેમના વિશે ખોટી વાતો કહેવામાં આવી હતી. કોંગ્રેસનેતાએ કહ્યું, 'હવે રાહુલની ખરેખર જે છબિ છે એ સામે આવી રહી છે. તેમની બે ભારત જોડો યાત્રાએ આમાં ઘણી મદદ કરી. હું આનું શ્રેય રાહુલને આપું છું. તેઓ લાંબા સમય સુધી તેની સામે લડ્યા અને બચી ગયા. જો બીજું કોઈ હોત તો બચી શક્યા ન હોત. કોઈ વ્યક્તિ, તેમનો પરિવાર, તેમનો વારસો, તેના પક્ષના ચારિત્ર્ય પર દિવસ-રાત હુમલો કરવો ખરાબ છે. આ એવા લોકો છે, જે જાણીજોઈને જૂઠ બોલે છે, છેતરે છે અને વ્યક્તિઓ વિશે તમામ પ્રકારની વાતો કહે છે. જોકે હવે જનતાને અહેસાસ થવા લાગ્યો છે કે મીડિયા પર કોઈનો કંટ્રોલ છે. સમાચાર લોકોને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવે છે. જુઠ્ઠાણાં સામે આવી રહ્યાં છે. કોંગ્રેસનેતાએ કહ્યું- રાજીવ અને રાહુલમાં લોકો પ્રત્યેની ચિંતા સમાન છે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે સમાનતા અને તફાવતના પ્રશ્ન પર પિત્રોડાએ કહ્યું, 'મેં રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ, મનમોહન સિંહ, વીપી સિંહ, ચંદ્રશેખર અને એચડી દેવગૌડા જેવા ઘણા વડાપ્રધાનો સાથે કામ કર્યું છે. મને ઘણા ભૂતપૂર્વ PMને ​​ખૂબ નજીકથી જોવાનો મોકો મળ્યો, પરંતુ કદાચ રાહુલ અને રાજીવ વચ્ચેનો તફાવત એ છે કે રાહુલ વધુ બૌદ્ધિક, વિચારક છે. રાજીવ થોડા વધારે કર્મશીલ હતા. તેમનાં ડીએનએ સમાન છે. તેઓ લોકો માટે સમાન ચિંતા અને લાગણી ધરાવે છે. તેઓ ખરેખર ખૂબ જ સરળ લોકો છે. તેમની પોતાની કોઈ અંગત જરૂરિયાતો નથી. પિત્રોડાએ કહ્યું- રાહુલને તેમનાં દાદી અને પિતાના મૃત્યુનો આઘાત લાગ્યો હતો
કોંગ્રેસનેતાએ વધુમાં કહ્યું હતું કે 'રાહુલ અને રાજીવ અલગ-અલગ સમય, સંસાધનો અને અનુભવોની ઊપજ છે. રાહુલ તેમના જીવનમાં બે મોટા આંચકામાંથી પસાર થયા છે. તેઓ તેમનાં દાદી અને પિતાના મૃત્યુના સાક્ષી બન્યા. રાહુલ અને રાજીવની સફર અલગ- અલગ છે. કોંગ્રેસે જે ભારતની કલ્પના કરી હતી અને પક્ષના દરેક નેતા એમાં વિશ્વાસ કરે છે તે એક એવું ભારત છે, જેની કોંગ્રેસ પાર્ટીએ કલ્પના કરી હતી અને પક્ષના દરેક નેતાને એમાં વિશ્વાસ છે. નરસિંહ રાવ માનતા હતા, ખડગે માને છે. જે સંસ્થાપકોએ ભારતની કલ્પના કરી હતી એનું નિર્માણ કરવાનું આપણા તમામ કોંગ્રેસી નેતાઓનું સામૂહિક કાર્ય છે. કોંગ્રેસનેતાએ કહ્યું- રાહુલ સરકારની ટીકા કરે છે, ભારતની નહીં પિત્રોડાએ વિદેશ પ્રવાસો દરમિયાન કેન્દ્રની ટીકા કરતી રાહુલની ટિપ્પણી પર ભાજપના હુમલાને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે સરકારની ટીકા કરવી એ ભારતની ટીકા નથી. વિપક્ષી નેતાઓ સરકારની ટીકા કરે એ બરાબર જ છે. તેમનું કામ છે, તો ફરિયાદ શા માટે? મને લાગે છે કે વિદેશમાં ટીકા કરવાનો આ આખો ધંધો બકવાસ છે. કોંગ્રેસનેતાએ વધુમાં કહ્યું હતું કે 'રાહુલ ગાંધી 8-10 સપ્ટેમ્બરે અમેરિકા આવશે. આ તેમની સત્તાવાર મુલાકાત નથી. એના બદલે તેઓ વ્યક્તિગત સ્તરે વિવિધ લોકો સાથે વાતચીત કરવા માટે આવી રહ્યા છે. રાહુલ અમેરિકામાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાતચીત કરશે. તેઓ નિષ્ણાતોની ટીમને મળશે અને જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં પણ વાતચીત કરશે. સામ પિત્રોડાએ મે માં કહ્યું- દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે, બાદમાં રાજીનામું આપ્યું​​​​​​​ ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​કોંગ્રેસનેતા સામ પિત્રોડાએ 8 મેના રોજ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં પૂર્વના લોકો ચીની અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે. સવારે જ્યારે પિત્રોડાનું આ નિવેદન સામે આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના વારંગલમાં સભા કરી રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું, 'રાજકુમારના ફિલોસોફરે ચામડીના આધારે દેશવાસીઓનું અપમાન કર્યું. દુર્વ્યવહાર કર્યો.' કોંગ્રેસે પિત્રોડાના નિવેદનથી કિનારો કરી લીધો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે ભારતની વિવિધતાની આ વ્યાખ્યા સ્વીકાર્ય નથી. પિત્રોડા પહેલાંથી જ વારસાગત ટેક્સ અંગેનાં તેમનાં નિવેદનોને લઈને વિવાદોમાં હતા. જોકે 26 જૂનના રોજ કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરીથી સામ પિત્રોડાને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. ​​​​​


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.