૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ - At This Time

૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ


કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. આ સાથે તેઓ એ પણ જણાવે છે કે, કેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવી. આ રીતે, વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે, જ્યારે શિક્ષક તેને સાંસારિક અનુભૂતિ મેળવવા માટે એટલે કે જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે. શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આદર્શ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (Sarvepalli Radhakrishnan) સમગ્ર વિશ્વને એક શાળા માનતા હતા, તેમના વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છ, ત્યારે આજે અમે તમને રાધાકૃષ્ણનના કેટલાક પ્રેરણાદાયક વિચારો વિશે જણાવીશું.

શિક્ષક દિવસનો ઈતિહાસ

આપણા દેશમાં શિક્ષક દિવસની ઉજવણીની (Celebration of Teacher's Day) શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી. હકીકતમાં, આ વર્ષે તેના વિદ્યાર્થીઓએ તેનો જન્મદિવસ ઉજવવાની મંજૂરી માંગી હતી. આ અંગે રાધા કૃષ્ણને કહ્યું કે મારો જન્મદિવસ ઉજવવાને બદલે તેઓ આ દિવસને સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિવસ તરીકે ઉજવે તો મને ગર્વ થશે. આ રીતે, દેશમાં પ્રથમ વખત, 5 સપ્ટેમ્બર 1962 ના રોજ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે, શિક્ષક દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આથી યુનેસ્કોએ ઇ.સ.1994માં 5 ઓક્ટોબરને શિક્ષક દિવસ તરીકે માન્યતા આપી હતી. ભારત સિવાય દુનિયાના બીજા 100 દેશોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

કોણ છે ડૉ. રાધાકૃષ્ણન?

ડો. રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તિરુતાની ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તે નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ ઝડપી હતો. તેમણે ફિલોસોફીમાં એમએ કર્યું અને 1916માં ફિલોસોફીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મદ્રાસ રેસીડેન્સી કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. થોડા વર્ષો પછી તેઓ પ્રોફેસર બન્યા. તેમની અદભૂત શિક્ષણ કૌશલ્યને કારણે, ઘણી ભારતીય યુનિવર્સિટીઓ ઉપરાંત, કોલંબો અને લંડન યુનિવર્સિટીએ પણ પ્રમાણભૂત ડિગ્રીઓ એનાયત (Who is Dr. Radhakrishnan) કરી. આઝાદી પછી, તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને પેરિસમાં યુનેસ્કો સંસ્થાની કાર્યકારી સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. તેમણે 1949 થી 1952 સુધી રશિયામાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. આ પછી, વર્ષ 1952 માં, તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને પછી તેઓ રાષ્ટ્રપતિ બન્યા. બાદમાં તેમને ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો.

આદર્શ જીવન જીવવા માટે ‘શિક્ષણ’

કોઈ પણ દેશના ઈતિહાસમાં અશિક્ષિત લોકો દ્વારા ચોરી, હિંસા, અરાજકતા, સામાજિક અનૈતિકતા વગેરે ખૂબ ફૂલ્યા ફાલ્યાં તેથી તે પછીના ક્રમમાં આવેલા વિદ્વાન અને શિક્ષિત લોકોએ સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા, જીવનધોરણ ઊંચું લાવવા અને સામાજિક જવાબદારીઓ માટે સભાનતા કેળવીને સુંદર અને આદર્શ જીવન જીવવા માટે ‘શિક્ષણ’ ને અત્યંત મહત્વનું પાસું ગણાવ્યું અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકાયો. ભારતમાં પણ આ પદ્ધતિ રહી. ગામડાઓમાં શિક્ષણના અભાવે દ્વેષ, વૈરભાવ, રોગ અને સંકુચિતતા ફેલાયેલા હતા જે ક્રમશ: શિક્ષણના આવવાથી દૂર થયા અને એક સભ્ય સમાજનું નિર્માણ આપણે કરી શકયા.

આ જે અશિક્ષિત વર્ગમાંથી શિક્ષિત વર્ગ તરફનું રૂપાંતર થયું તેને ધ્યાનપૂર્વક જોવાની જરૂર છે. વર્ષો પૂર્વે અશિક્ષિત લોકોમાં જે સંકુચિતતા અને અસભ્યતા હતી એ તો ખરાબ જ હતી અને તેને દૂર કરવી જરૂરી હતી, પરંતુ તેને દૂર કરીને શિક્ષણની સાથે તે સમયે માનવમૂલ્યોને પ્રસ્થાપિત કરવાની જે પદ્ધતિ હતી તેના લીધે લોકોમાં શિક્ષણની ખૂબ સારી અને તંદુરસ્ત અસરો પડી. આજના સમયમાં આ વાત તદ્દન જૂદી છે. હવે એકલા શિક્ષણને જ મહત્વ અપાય છે, પછી ભલે ને એ માનવતાના મૂલ્યો ને ‘ઑવરટેક’ કરી જાય !! તેથી જ આજનું શિક્ષણ વ્યક્તિના વિકાસમાં મદદરૂપ થવાને બદલે સ્પર્ધારૂપ બની ગયું છે. આ વાતને એક સરળ ઉદાહરણ દ્વારા સમજી શકાય. કોઈ નાના ગામમાં રહેતા અશિક્ષિત વ્યક્તિને જ્યારે શિક્ષિત કરવામાં આવે તો એને અભ્યાસની સાથે સાથે તેની કુટુંબ અને સમાજ પ્રત્યેની ફરજો અને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કાર્ય કરવાની વાતો પર ભાર મૂકવામાં આવતો હતો. એનું ભણતર એના જીવનના આર્થિક ધોરણની સાથે સાથે માનસિક ધોરણને ઊંચુ લાવવામાં પણ મદદરૂપ થતું. આ ઘટનાની સરખામણીમાં આજનું ભણતર તો ક્યારેક ક્યારેક માનસિક તાણ વધારવામાં મદદરૂપ થાય છે!

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115

લેખન
ડો.સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.