વાગુદળ પાસે આવેલા આશ્રમના મહંતે કાલાવડ રોડ પર બે સ્થળે ડખો કર્યો
રામનાથદાદાના દર્શન કરીને પોતાના આશ્રમે પરત ફરતી વેળાએ હાથમાં ફરસી લઈ રીતસરનો આતંક મચાવ્યો જીએસટીના અપીલ કમિશનરની કારનો કાચ ધોકો મારીને તોડી નાખતા મહંત સહિત ચાર સામે ગુનો નોંધાયો.
વાગુદળ પાસે આવેલા આશ્રમના મહંત અને તેમના ત્રણ શિષ્યએ સોમવારની રાત્રે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે બે સ્થળે રસ્તો રોકી, જાહેરમાં ગાળાગાળી કરી, હાથમાં ખુલ્લી ફરસી રાખી રીતસરનો આતંક મચાવી દીધો હતો. જીએસટીના અપીલ કમિશનરની કારનો પાછળનો કાચ ધોકો મારીને તોડી નાખતા એ ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી મહંત સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા એક શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એ ડિવિઝન પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટથી 30 કિલોમીટર દૂર આવેલા વાગુદળ આશ્રમના મહંત યોગી ધર્મનાથજી તેમના ત્રણ શિષ્ય પ્રવિણ વાઘજી મેર, ચિરાગ પ્રવીણ કાલરિયા અને અભિષેકને સાથે લઈને રાજકોટમાં રામનાથપરામાં આવેલા રામનાથ મહાદેવના દર્શન કરીને સોમવારે રાત્રીના પરત વાગુદળ જઈ રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે મહંતની બ્રેઝા કાર નં.જીજે 3 એનપી 1980 પહોંચી હતી અને રોંગ સાઈડમાં બ્રિજની અંદરથી આગળ જવાની કોશિશ કરી હતી. જોકે આ સમયે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી જીજે 10 ડીજે 4786 નંબરની ઈનોવા કાર સામેથી આવી હતી ત્યારબાદ મહંત અને તેના શિષ્યો કારમાંથી નીચે ઉતર્યા હતા અને ઈનોવાના ચાલકને કાર રિવર્સમાં લેવા કહ્યું હતું. જોકે પાછળ ટ્રાફિક હોવાથી ઈનોવાનો ચાલક કાર પાછી લઈ શક્યો ન હતો અને મહંતની કાર રોંગ સાઈડમાં જવા માગતી હોવાથી આમ ન કરવા મહંત અને તેમના શિષ્યોને ઈનોવા કારના ચાલકે સમજાવ્યા હતા. જોકે મહંત હાથમાં ધોકો લઈને નીચે ઉતર્યા હતા અને ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી કારનો પાછળની સાઈડનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ મહંત અને તેમના શિષ્યો અન્ડરબ્રિજમાંથી પસાર થઈ સંકલ્પસિદ્ધ હનુમાન મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં પણ રસ્તા પર કાર ઊભી રાખીને બેફામ ગાળાગાળી કરી હતી અને રસ્તેથી પસાર થતા લોકો સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આ બાબતે કોઇએ પોલીસને ફોન કરતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ મથક લઈ જવાયા હતા. આ ઘટના અંગે ઈનોવા કારનો કાચ તોડી નખાયો હતો તેના ચાલક ભાવિન બેરડિયાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવિને પોલીસને જણાવ્યું હતું કે, તેની પાસે જે કાર હતી તે રાજકોટ જીએસટીના અપીલ કમિશનર એચ.પી. સિંઘની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.