ઘૂઘરાની રેંકડીએ ચટણી નાખવા મામલે બે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ - At This Time

ઘૂઘરાની રેંકડીએ ચટણી નાખવા મામલે બે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ


કોઠારીયા મેઈન રોડ પર ખુશી આંખની હોસ્પિટલ પાસે ઘૂઘરાની રેંકડીએ ચટણી નાંખવા મામલે મિત્ર સાથે થયેલ માથાકૂટમાં મધ્યસ્થી કરવાં ગયેલા ભગવતીપરામાં રહેતો અબ્દુલકાદીર સીદાદ અને યુસુફને પિતા-પુત્રોએ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં બંને યુવાનોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરા શેરી નં-10 રાધાકૃષ્ણ મંદીર પાછળ રહેતાં અબ્દુલકાદીર કાસમભાઈ સીદાદ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ ઠાકોર, ઉદય અલ્પેશ ઠાકર અને દેવ અલ્પેશ ઠાકરનું નામ આપતાં ભક્તિનગર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ભારમલ પેઢીમાં ફોર વ્હીલનું ડ્રાઇવિંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સમયે તે તેના મીત્ર યુસુફભાઈ ગૌગદા બંને જસદણથી જંગ્લેશ્વરમાં અન્ય મીત્ર નવાઝભાઈની દોસ્તી પાન નામની દુકાન પર ગયેલ હતા. જયાં તેમનો મીત્ર નિદાલ બ્લોચ પણ હાજર હતો અને વાતોચીતો કરતા હતા.
ત્યારે નીદાલના ફોનમાં કોઈનો ફોન આવેલ કે, મારા મીત્ર નદીમ લીંગડીયાનો ફોન હતો અને તેને કોઠારીયા રોડ ઉપર સંતોષ ધુધરા નામની રેકડીએ કોઈ સાથે માથાકુટ થયેલ છે. જેથી તેઓ ત્રણેય મિત્રો અને નદીમનો ભાઇ નવાઝ સાથે કોઠારીયા રોડ ઉપર ખુશી હોસ્પિટલની બાજુમાં આવેલ સંતોષ પુધરા નામની રેકડીએ ગયેલ ત્યાં નદીમ તથા તેમનો મીત્ર અરમાન હાજર હતાં.
બાદમાં નદીમને ઝઘડા બાબતે પુછતા ધુધરાવાળા ભાઈએ કહેલ કે, આ લોકોની સાથે માથાકુટ કરનાર છોકરાના નામ ઉદય અને દેવ છે અને તેના પિતા અલ્પેશભાઈ ઠાકર અહીં ઉભેલ છે તમે તેની સાથે વાતચીત કરી લો તેમ કહી અલ્પેશને મળાવતા ઝઘડા ભાબતે તેની સાથે વાતચીત કરવા જતા તેને કહેલ કે, મારા દિકરા ઉદય તથા દેવએ માથાકુટ કરેલ હતી અને તે થોડી વારમાં આવે છે.
બાદમાં અલ્પેશના પુત્ર ઉદય અને દેવ આવેલ અને તેની સાથે વાતચીત કરતા હતા ત્યારે બન્ને છોકરા ઉશ્કેરાઇ ગયેલ અને છરી કાઢી મારી નાખવાના ઇરાદે યુસુફને મારવા લાગેલ હતા.
જેથી તે ભાગવા જતા પડી ગયેલ ત્યારે અલ્પેશ હાથમાં છરી લઈ કાનના ભાગે છરી ઝીંકી દિધી હતી. તેમજ બંને છોકરા યુસુફને છરીથી મારતા હોય જેથી તેને છોડાવવા ગયેલ ત્યારે નદીમ અને અરમાનને લાગી ગયેલ હતું.
દરમિયાન લોકો એકઠાં થતાં ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં તેમને અને યુસુફને ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતાં. વધુમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેના મીત્ર નદીમ તથા તેનો મીત્ર અરમાન સાંજના સમયે કોઠારીયા રોડ ઉપર સંતોષ ધુધરા નામની રેકડી એ ધુધરા ખાવા માટે ગયેલ ત્યારે ચટણી નાખવા બાબતે ઉદય ઠાકર અને દેવ ઠાકર સાથે માથાકુટ થયેલ હતી જેથી તે બાબતે આરોપી સાથે વાતચીત કરતાં હતા ત્યારે છરીથી હત્યાનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.