EDITOR’S VIEW: મહાપુરૂષ, મહારાષ્ટ્ર ને મત:શિવાજીની મૂર્તિ તૂટતાં મોદીએ કેમ માફી માગી? વિપક્ષોની ‘જૂતા મારો રેલી’ સામે ભાજપનો માસ્ટર સ્ટ્રોક
મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવતો જાય છે. પહેલાં આ સમાચાર વાંચો... નમસ્કાર, મહારાષ્ટ્રમાં શિવાજીની મૂર્તિ તૂટી, હવે તેના પર રાજકારણ શરૂ થયું છે. વિપક્ષના હાથમાં આ મૂર્તિ જ હથિયાર બનીને હાથમાં આવી ગઈ છે. બીજી તરફ ભાજપ આ વાતે માફામાફી પર ઉતરી આવ્યો છે. પહેલાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માફી માગી ને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના લોકોની માફી માગી લીધી છે. પણ મહાવિકાસ અઘાડી એટલે કે, ઉદ્ધવની શિવસેના અને શરદ પવારની NCPને આનાથી સંતોષ નથી. એ તો લડી લેવાના જ મૂડમાં છે. કારણ કે, બધા જાણે છે કે, મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવી હોય તો શિવાજીનો સાથ જરૂરી જ છે. છત્રપત્રિ શિવાજીની મૂર્તિ તૂટી તે આખી ઘટના શું છે?
મહારાષ્ટ્રના કોલ્હાપુરના સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા છ દિવસ પહેલાં સોમવારે બપોરે એકાએક પડી ને તૂટી ગઈ હતી. 4 ડિસેમ્બર, 2023ના દિવસે નૌસેના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારે PWDને વચ્ચે રાખીને નૌસેનાને આ મૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું હતું. જ્યારે મૂર્તિનું મોડલ પાસ થયું ત્યારે એટલી ચોખવટ થઈ હતી કે મૂર્તિ 6 ફૂટ ઊંચી હશે. પણ કેવી રીતે 35 ફૂટ ઊંચી કરી દેવાઈ, તેની કોઈને ખબર નથી. PWDના અધિકારીએ કહ્યું કે, તેણે 20 ઓગસ્ટે જ નૌસેનાને પત્ર લખીને જાણ કરી હતી કે, મૂર્તિ 45 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનને કારણે ધ્રુજે છે. તે ગમે ત્યારે પડી શકે છે. દરિયાઈ હવાના કારણે તેના નટમાં કાટ લાગી ગયો છે અને સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવવાનું હતું તે પણ નથી બનાવાયું. નૌસેનાને આ પત્ર મળ્યો ને 26 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે મૂર્તિ તૂટી પડી હતી. મૂર્તિ તૂટ્યા પછી વિવાદ શું થયો?
છત્રપતિ શિવાજી મહારાજ એ મહારાષ્ટ્રીયનોના આરાધ્ય દેવ છે. મરાઠાની આન-બાન ને શાન છે. તેની પ્રતિમાનું પડી જવું એટલે મહારાષ્ટ્રના લોકોની લાગણી દુભાઈ ગણાય. લોકોની ભાવના સાથે આ મૂર્તિ જોડાયેલી છે. તે પડી એટલે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું. ભાજપ જાણતો હતો કે, વિપક્ષો આ તકનો લાભ લેશે એટલે બીજા જ દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સિંધુદુર્ગ પહોંચી ગયા અને મૂર્તિ પાસે નિરીક્ષણ કર્યું. તેમણે મીડિયાને નિવેદન આપેલું કે, છત્રપતિ શિવાજી મહારાજ અમારા આરાધ્ય દેવ છે અને દરેકને તેમના ઇતિહાસ પર ગર્વ છે. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો યોજી છે. સ્મારક ફરીથી બનાવવામાં આવશે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. તે જ્યાં પણ ભાગીને જશે ત્યાંથી શોધી કઢાશે. સીએમ શિંદેએ કહ્યું- આની તપાસ બે કમિટિ તપાસ કરશે
શિવાજીની પ્રતિમા તૂટવાનો વિરોધ વધ્યો અને વિપક્ષોએ ભાજપ પર માછલાં ધોવાનું શરૂ કર્યું એટલે મહારાષ્ટ્ર સરકારની પણ ઊંઘ ઊડી ગઈ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 29 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે રાજ્ય સરકાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પુનઃનિર્માણ માટે યુદ્ધના ધોરણે નિર્ણય લઈ રહી છે. ઘટનાની તપાસ માટે બે કમિટિની રચના કરવામાં આવી છે. આ માટે નૌકાદળના અધિકારીઓ, આઈઆઈટીયન, આર્કિટેક્ટ, એન્જિનિયર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિલ્પકારોને બોલાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ આ મામલે રાજનીતિ ન કરવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજને સન્માન આપવું એ દરેકની ફરજ છે. મૂર્તિ તૂટવાના વિરોધમાં વિપક્ષોની 'જૂતા મારો રેલી'
મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધનના નેતાઓએ સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવાના વિરોધમાં 1 સપ્ટેમ્બરે વિરોધ રેલી કાઢવાની જાહેરાત કરી છે. ઠાકરે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-શરદ પવાર)ના વડા શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે સહિતના નેતાઓ હુતાત્મા ચોકથી ગેટવે ઑફ ઈન્ડિયા સુધી સવારે 11 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સુધી કૂચ કરશે. આ રેલીને જૂતા મારો રેલી નામ આપવામાં આવ્યું છે અને આ રેલીની રૂપરેખા પણ માતોશ્રીમાં મળેલી મિટિંગમાં નક્કી થઈ છે. 1 સપ્ટેમ્બરે મુંબઈ પોલીસ પણ એલર્ટ રહેશે. વડાપ્રધાન મોદીએ શિવાજીની માફી માગીને શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘરના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. PM મોદીએ અહીં 76,000 કરોડ રૂપિયાના વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, મહારાષ્ટ્રનો વિકાસ મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. આજે ભારતની પ્રગતિમાં મહારાષ્ટ્ર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્ર વિરોધી પક્ષોએ હંમેશા વિકાસ પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો. મોદીએ છત્રપતિ શિવાજીની પ્રતીમા પડી જવા અંગે દુખ વ્યક્ત કરીને કહ્યું હતું કે, સિંધુદુર્ગમાં થોડા દિવસો પહેલાં જે બન્યું તે અત્યંત ખેદજનક છે. છત્રપતિ શિવાજી મહારાજ આપણા માટે માત્ર એક નામ નથી. આપણા માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર મહારાજા નથી; તેઓ આપણા માટે પૂજનીય છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજ સમક્ષ નતમસ્તક છું. હું આપણા આરાધ્ય શિવાજીના ચરણોમાં શિશ ઝૂકાવીને તેમની માફી માંગું છું." મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં લોકોએ અસલી શિવસેના અને અસલી NCPને પસંદ કર્યા હતા
મહારાષ્ટ્રમાં ભાજપ માટે લોકસભાના પરિણામો આંચકાજનક સાબિત થયાં હતાં. પરિણામો સામે આવ્યા બાદ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે, મહારાષ્ટ્રના લોકો અસલી શિવસેના અને શરદ પવારની અસલી NCPને જ વધારે પસંદ કરે છે. એટલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ અને શિંદે જૂથ માટે અગ્નિ પરીક્ષા સમાન બની રહેશે. લોકસભાનાં પરિણામોની વાત કરીએ તો લોકસભાની 48 સીટ છે. તેમાંથી એનડીએને માત્ર 17 સીટ મળી હતી અને ઈન્ડિયા ગઠબંધનને 30 સીટ મળી હતી. એક જ સીટ અન્ય પક્ષને ફાળે ગઈ છે. શરદ પવારે Z પ્લસ સિક્યોરિટી લેવાની ના પાડીને શું કહ્યું?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને કેન્દ્ર સરકારે Z પ્લસ સિક્ટોરિટી આપવાનું નક્કી કર્યું હતું અને એવું જણાવ્યું હતું કે, અમને મળેલા ઈનપુટના આધારે આ સિક્યોરિટી આપવામાં આવી રહી છે. શરદ પવારને 58 કમાન્ડો ફાળવવાના હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્ણય પર શરદ પવારે કહ્યું છે કે, પહેલાં હું મારી રીતે તપાસ કરીશ કે ખરેખર મને કોઈનાથી ભય છે કે કેમ, અને એ પછી સિક્યોરિટી લેવાનું વિચારીશ. હાલમાં મારે સિક્યોરિટી જોઈતી નથી. શરદ પવારે ગૃહમંત્રાલય પાસેથી ઈનપુટની ડિટેઈલ માગી છે. જો કે, શરદ પવારે ત્રણેક દિવસ પહેલાં મીડિયાને એવું કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એ માટે હું શું શું કરી રહ્યો છું તેની વોચ રાખવા માટે કમાન્ડો મોકલી રહ્યા છે. મહાયુતિમાં બધું બરાબર નથી
મહારાષ્ટ્રના રાજકારણ પર નજર રાખનારા વિશ્લેષકો દાવો કરી રહ્યા છે કે, ભાજપ, શિંદે અને પવારની મહાયુતિમાં બધું બરાબર નથી. તેમનું કહેવું છે કે અજિત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ જે રીતે મુખ્યમંત્રી લાડલી બહેન યોજનાનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે, શિંદે જૂથ અને ભાજપ આનાથી નારાજ છે. અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નાણા વિભાગ સંભાળે છે છતાં આ યોજના મુખ્યમંત્રીના નામે છે. વિશ્લેષકોનું કહેવું છે કે બદલાપુર ઘટના પર NCPએ થાણેમાં જે રીતે પ્રદર્શન કર્યું હતું. આટલું જ નહીં સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તોડ્યા બાદ અજિત પવારે મહાયુતિ વતી મહારાષ્ટ્રની 13 કરોડ જનતાની માફી માંગી હતી. અજિત પવારે પોતે સિંધુદુર્ગ સ્થિત રાજકોટ કિલ્લાની મુલાકાત લીધી તેનાથી મહાયુતિમાં બેચેની વધી છે. છેલ્લે, મોદીએ મહારાષ્ટ્રમાં શિવાજીની પ્રતિમા તૂટવા મુદ્દે માફી માગી ને ઉપરથી વિપક્ષોને ય સંભળાવી દીધું. મોદીએ કહ્યું, હું શિવાજી મહારાજની માફી માંગું છું. અમારા મૂલ્યો અલગ છે, અમે એવા લોકો નથી જે ગાળો આપતા રહીએ. પરંતુ મહારાષ્ટ્રમાં કેટલાક લોકો ભારત માતાના મહાન સપૂત, આ ભૂમિના પનોતા પુત્ર વીર સાવરકરનું અપમાન કરી રહ્યા છે. તે આ માટે માફી માંગવા તૈયાર નથી, એના માટે તો તે કોર્ટમાં લડવા તૈયાર થઈ જાય છે. મહારાષ્ટ્રની જનતા એ લોકોના સંસ્કારને જાણી લે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.