બળાત્કારની એક જ સજા, ફાંસી.. ફાંસી.. ફાંસી!:બળાત્કારીઓ સામે મમતા એક્શનમાં, નવો કાયદો લાવશે; ફાંસી આપવા મોદી પર દબાણ કરશે મમતા
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરનો રેપ-હત્યા બાદ પશ્ચિમ બંગાળ સરકાર આવા ગુનાઓ માટે નવો કાયદો લાવી રહી છે. બુધવારે (28 ઓગસ્ટ), પશ્ચિમ બંગાળ કેબિનેટે બળાત્કારને રોકવા અને કડક સજાની જોગવાઈ માટે નવું બિલ લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ બિલ આવતા સપ્તાહે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. કેબિનેટ સભ્ય અને રાજ્યના કૃષિ પ્રધાન શોભનદેવ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે તેઓ સ્પીકર બિમન બંદોપાધ્યાયને 2 સપ્ટેમ્બરથી વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરશે. ચટ્ટોપાધ્યાયે કહ્યું કે, નવું બિલ 3 સપ્ટેમ્બરે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મમતાએ કહ્યું- 31 ઓગસ્ટથી વિરોધ કરાશે, કેન્દ્ર પર દબાણ બનાવશે
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે તેઓ બળાત્કાર માટે મૃત્યુદંડ ફરજિયાત બનાવવા માટે રાજ્યમાં કાયદામાં ફેરફાર કરશે. આ સુધારો આવતા સપ્તાહે વિધાનસભામાં પસાર કરવામાં આવશે. બળાત્કારની એક જ સજા હોવી જોઈએ - ફાંસી, ફાંસી, ફાંસી. મમતા પોતાની પાર્ટીની વિદ્યાર્થી વિંગના સ્થાપના દિવસ પર કાર્યક્રમને સંબોધિત કરી રહી હતી. મમતાએ વધુમાં કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ બળાત્કારીઓને ફાંસીની સજા આપવા માટે કેન્દ્ર પર દબાણ લાવવા માટે 31 ઓગસ્ટથી આંદોલન શરૂ કરશે. PM પર મમતાનો આરોપ, બંગાળ સળગશે તો મોદીની ખુરશી પડી જશે
મમતાએ કોલકાતામાં એક રેલીમાં કહ્યું કે કેટલાક લોકોને લાગે છે કે આ બાંગ્લાદેશ છે. હું બાંગ્લાદેશને પ્રેમ કરું છું. તેઓ આપણી જેમ વાત કરે છે અને આપણી સંસ્કૃતિ પણ સમાન છે, પરંતુ યાદ રાખો કે બાંગ્લાદેશ અલગ દેશ છે અને ભારત અલગ દેશ છે. મમતાએ પીએમ નરેન્દ્ર મોદી પર ભાજપના બંગાળ બંધ દરમિયાન થયેલાં વિરોધ પ્રદર્શન અને આગચંપીને લઈને રાજ્યમાં આગ ચાંપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું- મોદીબાબુ કોલકાતાના રેપ-મર્ડર કેસમાં પોતાની પાર્ટીનો ઉપયોગ કરીને બંગાળને સળગાવી રહ્યા છે. બંગાળ, આસામ, ઉત્તર-પૂર્વ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ સળગશે. અમે તમારી ખુરશી પાડી દઈશું. આસામના સીએમ હિમંતાએ કહ્યું- તમે અમને ડરાવવાની હિંમત કેવી રીતે કરી? મમતાના આ નિવેદનને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમના પર નિશાન સાધતાં કહ્યું કે તમારી આસામને ડરાવવાની હિંમત કેવી રીતે થઈ? સરમાએ X પરની પોસ્ટમાં કહ્યું કે દીદી, તમારી આસામને ધમકી આપવાની હિંમત કેવી રીતે થઈ? અમને લાલ આંખ ન બતાવો. તમારી નિષ્ફળતાની રાજનીતિથી ભારતને બાળવાનો પ્રયાસ પણ ન કરો. વિભાજનકારી ભાષા બોલવી તે તમને શોભતું નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.