કોલકાતા રેપ-હત્યા કેસઃ BJPના બંગાળ બંધ દરમિયાન હિંસા:ઉત્તર 24 પરગના જિલ્લામાં BJP નેતાની કાર પર ફાયરિંગ, બોમ્બમારો - At This Time

કોલકાતા રેપ-હત્યા કેસઃ BJPના બંગાળ બંધ દરમિયાન હિંસા:ઉત્તર 24 પરગના જિલ્લામાં BJP નેતાની કાર પર ફાયરિંગ, બોમ્બમારો


કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોની રેલી બાદ ભાજપે આજે સવારે 6 ​​​​​​​થી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાક બંધનું એલાન આપ્યું છે. પાર્ટીએ તેને 'બાંગ્લા બંધ' નામ આપ્યું છે. 27 ઓગસ્ટના રોજ નબન્ના રેલીમાં ભાગ લેનાર વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની અટકાયત સામે ભાજપ વિરોધ કરી રહ્યું છે. ઉત્તર 24 પરગના જિલ્લાના ભાટાપારામાં બંધ દરમિયાન બીજેપી નેતાની કાર પર ફાયરિંગ થયું હતું. બીજેપી નેતા પ્રિયંગુ પાંડેએ જણાવ્યું - TMCના લગભગ 50-60 લોકોએ રસ્તો રોકીને કારને અટકાવી હતી. આ દરમિયાન ભીડમાંથી 6-7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને 7-8 બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. ડ્રાઇવર સહિત બે લોકોને ગોળી વાગી હતી. એક ગંભીર છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. TMC ભાજપના બંધનો વિરોધ કરી રહી છે. નાદિયા અને મંગલવાડી ચૌરંગીમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ભાજપે તેમના શાંતિપૂર્ણ વિરોધ પર હુમલો કરવાનો ટીએમસી પર આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસે અલીપુરદ્વારમાં ભાજપના કાર્યકરોની અટકાયત કરી છે. ભાજપના ધારાસભ્ય અશોક કીર્તનિયાના નેતૃત્વમાં કાર્યકરોએ ઉત્તર 24 પરગણાના બનગાંવ સ્ટેશન પર ટ્રેન રોકી હતી. કૂચ બિહારમાં સરકારી બસના ડ્રાઈવરો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. બિધાનનગરમાં દુકાનો બંધ રહી છે. ભાજપના બંધના વિરોધમાં TMCના કાર્યકર્તાઓએ પણ બનગાંવ-સિયાલદહ વચ્ચે ટ્રેન રોકી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે આવીને સૂત્રોચ્ચાર કરી રહેલા કાર્યકરોને હટાવ્યા હતા. પછી ટ્રેન આગળ વધી હતી. બંગાળ સરકારે ભાજપના બંધનો વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બંદોપાધ્યાયે કહ્યું કે સરકાર બુધવાર (28 ઓગસ્ટ)ના રોજ કોઈ બંધને મંજૂરી આપશે નહીં. લોકોને તેમાં ભાગ ન લેવા અપીલ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.