ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ* - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ*


*ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ*

--------

*લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ*

-------

ગીર સોમનાથ તા.૨૬ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ લોકોને નદી-નાળા પાસે ન જવા અને ઢોર-ઢાખરને વ્યવસ્થિત જગ્યાએ બાંધવા અંગેનો સંદેશો આપવામાં આવ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને લઈને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સૂચનાને લઈને જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર ખડેપગે છે.

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોય જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત લોકોને પણ સાવચેત રહેવા અને નદી-નાળા નજીક ન જવા તેમજ પોતાના ઢોર-ઢાખરને નદી કાંઠા ઉપર ચરાવવા ન લઈ જાય અને ઢોરને વ્યવસ્થિત જગ્યાએ બાંધે તે અંગેનો સંદેશો પણ આપવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદમાં બચાવની કામગીરી માટે એન.ડી.આર.એફ અને ફાયરની ટીમ સાથે પોલીસના જવાનો પણ ખડેપગે રહેશે. તે ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને હેડકટર ન છોડવાનો સંદેશો આપવામાં આવ્યો છે. જિલ્લામાં કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આથી કોઈપણ લોકોને મુશ્કેલી જણાય તો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૭૬-૨૮૫૦૬૩ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.