શ્રીકૃષ્ણનાં બાળસ્વરૂપની એ ખાસ વાત:વલ્લભાચાર્ય કેવી રીતે લાલાને લાડ લડાવતાં? સેવામાં શું ધ્યાન રાખવું? પહેલીવાર જાણો વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી પાસેથી - At This Time

શ્રીકૃષ્ણનાં બાળસ્વરૂપની એ ખાસ વાત:વલ્લભાચાર્ય કેવી રીતે લાલાને લાડ લડાવતાં? સેવામાં શું ધ્યાન રાખવું? પહેલીવાર જાણો વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી પાસેથી


બાળકૃષ્ણની વાત આવે એટલે કૃષ્ણનું કંઈક આવું સ્વરૂપ ઉપસેઃ માખણથી લિપ્ત મનોહર શ્યામ મુખડું, લાંબાં વાળ સાથે બાંધેલું મોરપીંછ, હાથમાં વાંસળી લઈને પીંતાબરધારી નટખટ તોફાનો કરતા નટવર આપણી નજર સામે આવી ચડે! ભાગવત પુરાણ અને વિષ્ણુપુરાણ કૃષ્ણ ચરિત્રના સૌથી વિશ્વસનીય અને પ્રાચીન ગ્રંથો છે. એ બંનેમાં શ્રીકૃષ્ણની બાળલીલાનો મહિમા થયો છે. કૃષ્ણએ બાળપણમાં જ એટ-એટલા પરાક્રમો કર્યા હતા કે લોકમાનસમાં બાળસ્વરૂપ બેહદ લાડકવાયું બની ગયું. કૃષ્ણએ બાળપણમાં જ એટલી લીલાઓ કરી હતી કે તેમના તરફના આકર્ષણથી કોઈ મુક્ત રહી શકે તેમ ન હતું. કૃષ્ણ માત્ર 11 વર્ષ ગોકુળમાં રહ્યા, પણ એટલા વર્ષમાં તેમણે એવી એવી લીલાઓ કરી, એવા એવા પરાક્રમો કર્યા કે આજે 5500 વર્ષ પછી પણ કૃષ્ણની લીલાઓ લોક હૃદયમાં લીલીછમ છે. કદાચ એ જ કારણ હશે કે સેંકડો વર્ષોથી કૃષ્ણનું બાળસ્વરૂપ સૌ ભક્તો માટે, સંપ્રદાયો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જે પુષ્ટિમાર્ગમાં બાળકૃષ્ણનું મહત્વ સૌથી વિશેષ છે. એ સંપ્રદાયના ગોવર્ધન લીલા પાછળનો મહાત્મ્ય શું ? એ બાળલીલાઓ અને લડ્ડુ ગોપાલની થતી અષ્ટયામની સેવાઓ પાછળના આધ્યાત્મિક કારણો જાણવા માટે અમે વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ સાથે વાત કરી. પરિવારના સભ્યની જેમ પ્રભુને સ્વીકારો દ્નારકેશલાલજીએ બાળકૃષ્ણની આધાત્મિક સેવા પાછળનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું : ભગવાન વિષ્ણુ સારશ્વત કલ્પમાં જન્મ લઇ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રીકૃષ્ણ તરીકે પ્રગટ થયા. એ જ પરમાત્મા શ્રીકૃષ્ણની બાળભાવની સેવા જગતગુરુ મહાપ્રભુ આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજીએ આપણને દર્શાવી છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય આજ્ઞા કરે છે કે પ્રભુની પ્રાપ્તી માટે કૃષ્ણભક્ત તરીકે, પુષ્ટિભક્ત તરીકે, વૈષ્ણવ તરીકે પરમ કર્તવ્ય છે કૃષ્ણની સેવા. એ કૃષ્ણને પામવા માટે સત્સંગ, કિર્તન, સ્મરણ, ચિંતન અને સેવા દ્વારા પાત્રતાનું નિર્માણ કરવાનું. એમાં બાળ ભાવ એટલા માટે રાખ્યો છે કારણ કે સતત જશોદાની જેમ કૃષ્ણના બાળ સ્વરૂપને લાડ લડાવવા. "યથા દેહે તથા દેવે" સુક્ષ્મ ભાવથી બાળ સ્વરૂપની સેવા કરવી. પ્રભુને શું પ્રિય છે અને શેનાથી પ્રસન્ન થશે એની જાણ ભક્તને ન થાય ત્યાં સુધી બાળભાવથી સેવા કરવી જોઇએ. આપણને જેમ ઠંડી લાગી તેમ ભગવાનને પણ રૂના વસ્ત્રો પહેરાવો, આપણને ગરમી લાગી તો ઠાકોરજી માટે પણ શિતોપચાર કર્યો. એમ દરેક ઋતુમાં ઠાકોરજીને બાળભાવથી સેવા કરી શકાય. પરિવારના સભ્યોમાં પ્રભુનો પણ સમાવેશ થઇ જાય છે એ ભાવથી ભગવત ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. ગોપી એટલે માત્ર સ્ત્રી નહીં, ગોપી એક ભાવ છે શ્રીકૃષ્ણની રાસલીલાના ગૂઢ રહસ્ય અંગે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ કહે છે : ગોપી કોણ છે પહેલા એ સમજી લઇએ. ગોપી એ આપણી અવસ્થાનું નામ છે. ગોપી સ્ત્રીલિંગવાચક શબ્દ જરૂરથી છે પરંતુ, વ્રજમાં જે રાસમાં જોડાયા છે એ સ્ત્રી-પુરુષો સૌ ગોપીભાવ ધરાવતા મનુષ્યો છે. ભગવાન કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં રહ્યા હતા. 8થી 9 વર્ષે ભગવાને રાસ મહારાસની લીલા કરી. 8-9 વર્ષનો બાળક જે રીતે નિષ્કામ હોય છે એ રીતે ભગવાન પરમ યોગેશ્વર બનીને ગોપીજનો સાથે, વ્રજભક્તો સાથે રાસ રચે છે. ભગવાને રાસલીલા રચીને ગોપીભાવ ધરાવતા સૌને નિજાનંદનું દાન આપ્યું. બધી ઈન્દ્રોથી પર જઈને ભગવાને વ્રજવાસીઓના ચિત્ત અને મનનું હરણ કરીને તેમને પોતાના માધુર્ય સ્વરૂપનો અનુભવ કરાવ્યો. માખણચોરીના માધ્યમથી ભગવાન વ્રજવાસીઓના ઘરે પધાર્યા માખણચોરી ભગવાન શ્રીકૃષ્ણની સૌથી પ્રચલિત લીલા છે. એમાં ભક્તજનોને કૃષ્ણના નટખટ સ્વરૂપના દર્શન થાય છે, પરંતુ એ માખણ ચોરી પાછળ પણ ભગવાનનો ઉદેશ્ય જુદો હતો, ભક્તોના કલ્યાણનો હેતુ હતો. તે અંગે શ્રીદ્વારકેશલાલજી કહે છે - દરેક વ્રજવાસીની ઇચ્છા હતી કે પ્રભુ અમારા ઘરે પધારે. દરેકના ઘરે શ્રીકૃષ્ણની પધરામણી શક્ય નથી, એટલે ભગવાને માખણ ચોર બનવાનું પસંદ કર્યું. નંદભવનમાં માખણની કમી ન હતી. નંદબાબા ગોકુળના મુખિયા હતા. એમના ઘરમાં સમૃદ્ધિ હતી, માતા જશોદાજી ભગવાન કૃષ્ણને પ્રેમથી માખણ ખવડાવતા હતા. વળી, રસરાસ ભગવાન કૃષ્ણ માટે સ્વાદ કે ભોજન આરોગવાનું મહત્ત્વ ન હતું. પરંતુ ગોરસ એવું નિમિત્ત બન્યું કે જેના દ્વારા બાળકૃષ્ણ વ્રજવાસીઓના ઘરે પધાર્યા. ભગવાને વિચાર્યું કે મારે ભલે ચોર બનીને જવું પડે પણ પધરામણી વ્રજવાસીના ઘરે ઘરે કરવી છે. ગ્વાલોની મંડળી સાથે જ્યારે બાળકૃષ્ણ વ્રજવાસીના ઘરે જઇને મટકી ફોડે છે ત્યારે ત્યાંના જીવોનો ઉદ્ધાર કર્યો. ગ્વાલ મંડળીને માખણ ખવડાવીને તેમણે અગાઉના કેટલાય જન્મોથી તેમના ભકત રહેલા સૌનો ઉદ્ધાર કર્યો. માખણચોરી માટે કૃષ્ણએ બાળવયે કંસના અત્યાચાર સામે લડત આપી હતી. કૃષ્ણ મટકી ફોડી નાખતા હતા. માખણ ઢોળી નાખતા હતા એ પાછળના કારણો હતા. ભાગવત પુરાણમાં લખ્યું છે એમ ગોકુળમાં સૌ ગૌ પાલો ગાયોને ચરાવીને પશુપાલનથી જીવન નિર્વાહ કરતા હતા. કંસે એ સૌને ટેક્સ આપવાનો આદેશ કર્યો હતો. નંદબાબા એ આખા ગામના મુખિયા હતા એટલે તેઓ વારંવાર ટેક્સ આપવા મથુરાના કાંઠે જતા. કંસના આદેશથી દૂધ, દહીં, માખણ જેવી દૂધની બધી જ પ્રોડક્ટ મથુરામાં મોકલવી પડતી. ગોકુળવાસીઓ એ રાખી શકતા નહીં. વલ્લભાચાર્યજી બાળસ્વરૂપને આ રીતે લાડ લડાવતા ભક્તિયુગમાં જેમનો સૌથી વધુ પ્રભાવ પડ્યો, બાળકૃષ્ણની સેવાને જેમણે એક નવી ઓળખ આપી એવા મહાપ્રભુ વલ્લભાચાર્યજી સ્વયં લાલાને કેવી રીતે લાડ લડાવતા તેની વાત કરતા વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી કહે છે કે જેમ નંદભવનમાં નંદબાબા ને જશોદાજી કનૈયાનું લાલન-પાલન કરતા હતા એ જ ભાવથી વલ્લભાચાર્યજી ઠાકોરજીની પ્રેમપૂર્વક વાત્સલ્ય ભાવથી સેવા કરતા. જે રીતે ગોકુળમાં નંદરાય અને જશોદાજીએ કૃષ્ણના બાળસ્વરૂપનું લાલન પાલન કર્યું, વસ્ત્રો ધારણ કરાવ્યા, શ્રૃંગાર કરાવ્યો એ જ રીતે વલ્લાભાચાર્યજીએ પણ લાલાને લાડ લડાવ્યા. જ્યારે લાલો તૈયાર થઇ જાય ત્યારે ગુંજાની માળા, તુલસીની માળા ધરાવીને તેમને સ્નેહભાવથી નીરખ્યા. ઘોડિયામાં બાલ સ્વરૂપ પોઢે અને તેને નીરખવું એ લાલન છે. સમય સમયે કાન્હાને મંગલ ભોગ ધરવા, શ્રૃંગારભોગ, ગ્વાલભોગ, રાજભોગ ધરવા, લીલા મેવા, સુકા મેવા ધરવા, અને સંધ્યા સમયે તેની આરતી કરી શયન ભોગ પધરાવવો - જશોદાજીના ઘરે આ પ્રકારની બાળકૃષ્ણની દિનચર્યા હતી. એ જ પ્રકારે અષ્ટયામ સેવાના ક્રમથી મહાપ્રભુ વલ્લભાચાર્યએ સ્વયં લાલાની સેવા કરી અને પુષ્ટિમાર્ગના વૈષ્ણવોને આજ્ઞા કરી. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર હાજર હોય ત્યાં સુધી એટલે કે દિવસ રાત પ્રભુના સુખનો વિચાર કરીને ભાવથી સેવાનો આ ભક્તિમાર્ગ મહાપ્રભુ વલ્લભાચાર્યએ આપ્યો છે. કાલિયા નાગને વશમાં લીધો કાલિયા નાગને નાથ્યો તે કૃષ્ણની બાળલીલામાં બહુ જ પ્રચલિત લીલા છે. યમુનાના તળિયે કાલિયા નામનો મહાવિકરાળ, ઝેરી સાપ હાહાકાર મચાવતો હતો. કશ્યપ ઋષિ અને કદ્રુથી ઉત્પન્ન થયેલા આ સાપને તેના ભાઈ પક્ષીરાજ ગરૂડથી શત્રુતા હતી. ગરૂડના ડરથી એ તેના મૂળ સ્થાન સમુદ્રમાં રહેતો ન હતો અને ત્યાંથી ભાગીને યમુનામાં સંતાયો હતો. શેષનાગ, વાસુકી, તક્ષક જેવા સાપોનો એ ભાઈ થતો હતો. શ્રીકૃષ્ણનો જન્મ થયો તે પહેલાંથી યમુનામાં કાલી નાગનો હાહાકાર હતો. શ્રીમદ્ ભાગવતમાં આ ભયાનક નાગનું વર્ણન મળે છે. પાંચ ફણ ધરાવતા આ મહાકાય સાપે યમુનાનું પાણી ઝેરી બનાવી દીધું હતું. યમુનામાં એટલું પાણી હતું કે સૌ વ્રજવાસીઓ માટે પૂરતું હતું, પરંતુ આટલું પાણી છતાં વ્રજમાં પાણીની અછત હતી. કાલિયા નાગે યમુનાનું પાણી ઝેરી બનાવી દીધું હોવાથી વ્રજ-ગોકુળવાસીઓ તેનો ઉપયોગ કરી શકતા ન હતા. કૃષ્ણએ તેને વશમાં કરવા લીલા કરી. રમતા રમતા બોલ યમુનામાં પડ્યો અને જ્યાં કાલિયા નાગ હતો ત્યાં પહોંચી ગયો. કૃષ્ણએ એ બોલ લેવા જવાનું નક્કી કર્યું અને યમુનાના તળિયે પહોંચી ગયા. કાલિયા નાગની પત્નીઓ કૃષ્ણને પાછા ફરી જવા વિનવવા લાગી, પરંતુ બાળકૃષ્ણએ કાલી નાગને છંછેડ્યો. તેની સામે યુદ્ધ કર્યું. યુદ્ધમાં કાલી નાગ પરાજિત થયો. ભગવાને તેના પાંચ ફણ પર બેસીને વશ કર્યો અને એ ભગવાનની માફી માગીને ખુદ ફણ પર બેસાડીને બાળકૃષ્ણને પાણીમાંથી બહાર લઈ આવ્યો. કાલી નાગને ભગવાને મહાસાગરમાં જવાનો આદેશ આપ્યો. એ યમુના છોડીને ગયો પછી યમુનાનું પાણી વિષમુક્ત બન્યું. કાલિયા નાગને નાથ્યો તેથી ગોકુળવાસીઓમાં કૃષ્ણ ચમત્કારિક બાળક છે એવી માન્યતા વધુ દૃઢ બની. બાળકૃષ્ણની દિનચર્યા કેવી હોય છે? અષ્ટયામ સેવા વિશે દ્વારકેશલાલજી કહે છે : નંદરાયજી અને જશોદા મૈયાના ઘરે ભગવાન શ્રીકૃષ્ણની જે દિનચર્યા હતી એ જ દિનચર્યાનું સાંગોપાંગ દર્શન અને પાલન મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યએ કર્યું. એ જ પાલન ગોપીનાથજીએ, વિઠ્ઠલનાથજીએ પણ કર્યું. તેને અષ્ટયામ સેવા કહેવાય છે. આજે એ જ અષ્ટયામ સેવા એટલે કે ચાર ક્રમ સવારે, ચાર ક્રમ સાંજે એમ આઠ સમાની સેવા પુષ્ટિમાર્ગની દરેક હવેલીમાં થાય છે. ગોવર્ધન પર્વત લીલાના 3 કારણો 7 વર્ષની ઉંમરે શ્રીકૃષ્ણએ ગોવર્ધન લીલા કરી તેના કારણો સમજાવતા દ્રારકેશલાલજી કહે છે કે ત્રણ કારણોથી ગોવર્ધન લીલા થઇ. 1) વ્રજવાસીઓમાં ભગવાનના સ્વજનો હતા તેમને પોતાના સ્વરૂપનું દાન કરવા માટે. 2) ઇન્દ્રના યજ્ઞની આવશ્યક્તા ન હતી. ઇન્દ્રદેવનું અભિમાન ઓગાળવું હતું. 3) પોતાનું સામર્થ્ય દર્શાવવું હતું. ઇન્દ્ર જે ફળ આપે છે એનાથી ઘણું વિશેષ ફળ આપણને ગોવર્ધન પર્વત પર બિરાજતા ગિરિરાજ આપશે, તેની પૂજા કરીશું, અન્નકૂટ ધરાવીને યજ્ઞ કરીશું તો ગિરિરાજ પ્રસન્ન થશે એવો બોધ આપીને ભગવાને ગોવર્ધન પર્વતનું મહત્વ સ્થાપિત કર્યું. વ્રજવાસીઓને શ્રીકૃષ્ણના ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હતું. એવા જીવોને પોતાનું સ્વરૂપ દેખાડવા આ લીલા કરી. ગાયો ચરાવનાર ગોપાલ બાળકૃષ્ણ શ્રીનાથજી કેવી રીતે બને છે એ વિશે ઊંડાણપૂર્વક વૈષ્ણવાચાર્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ સમજાવે છે, છળથી મારવા આવેલી પૂતનાના પ્રાણ બાળકૃષ્ણએ એક પળમાં હરી લીધા. બકાસુર, અઘાસુર જેવા કેટલાય અસુરોને હણ્યા. એ જ શ્રીકૃષ્ણ માત્ર ગૌચારણ નથી કરતાં. વ્રજનું રક્ષણ પણ કરે છે એ જ બાળકૃષ્ણએ નિકુંજ લીલા કરી. નિકુંજ લીલા એટલે વ્રજવાસીઓ, યમુનાજી સહિત ગિરિરાજ કુંજમાં સ્વયં બિરાજે છે. ત્યાં પોતાનું પરબ્રહ્મ તરીકે વ્રજમંડળમાં પધારીને ગિરિકંદરામાં બિરાજે છે. સંપૂર્ણ ગૌલોક સર્જે છે. 12 માર્ગો દ્વારા જે ગૌલોકની પ્રતિકૃતિ છે ત્યાં કનૈયાએ પોતાની નિકુંજ લીલા કરી છે. એ નિકુંજ લીલાના દ્વાર પર ઉભેલા શ્રીકૃષ્ણનું એ સ્વરૂપ શ્રીનાથજીનું સ્વરૂપ છે. એટલે એક નામ તેમનું નિકુંજ નાયક પડ્યું. જ્યાં નિકુંજના દ્વારે ઉભા રહીને વૈષ્ણવો છે તેના મનનું હરણ કરી પોતાની મુઠ્ઠીમાં મનને સ્થિર કરી કટી પર રાખે છે. ને બીજા હાથ વડે નિકુંજના દ્વારે ઉભા રહીને આવો રે આવો કહી લીલાનું દર્શન કરાવું તેવી આજ્ઞા કરે છે. અને ભક્તો બાળલીલાઓના દર્શન માટે દોડી દોડી પહોંચે છે. આ રીતે વૈષ્ણવો માટે શ્રીકૃષ્ણ શ્રીનાથજી બન્યા છે. આમ એક શ્લોકમાં આખી કૃષ્ણ લીલા આ રીતે સમાઈ જાય आदौ देवकी देव गर्भजननं, गोपी गृहे वद्र्धनम्। माया पूज निकासु ताप हरणं गौवद्र्धनोधरणम्।। कंसच्छेदनं कौरवादिहननं, कुंतीसुपाजालनम्। एतद् श्रीमद्भागवतम् पुराण कथितं श्रीकृष्ण लीलामृतम्। અર્થાત્: દેવકીને ત્યાં જન્મ લીધો. ગોપ અને ગોપીઓ સાથે મોટા થયા. પૂતનાનો સંહાર કર્યો. ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. કંસનો વધ કર્યો. પાંડવોની રક્ષા કરી. કૌરવોનો નાશ કર્યો. ભાગવદ પુરાણ કહે છે કે કૃષ્ણની બાળલીલાઓ અમૃત જેવી છે. ને આમ કૃષ્ણ લીલાનો પાર પામવાનું કંઈક આ રીતે અશક્ય છે .. सात समंद की मसि करौं, लेखनि सब बनराइ। धरती सब कागद करौं, तऊ हरि गुण लिख्या न जाइ॥ સાત સમુદ્રની શાહી કરો, બધા વૃક્ષોમાંથી કલમ બનાવો, આખી ધરતીને કાગળ બનાવીને લખો તોય કૃષ્ણના ગુણ લખી શકાતા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.