રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી
રાજકોટ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસરની ફરી ખાલી પડેલી વર્ગ-1ની જગ્યા પર અમદાવાદ કોર્પોરેશનના મિથુન મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાપાલિકામાં એડીશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મિથુન મિસ્ત્રીને સરકારે રાજકોટ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પર મોકલતો હુકમ કર્યાનું આજે કમિશ્નર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું.આજે આ હુકમ આવતા તેઓ સંભવત: રજા બાદ તુરંત ચાર્જ સંભાળશે. આ સાથે જ વર્ગ-1ના આ અધિકારી રાજકોટ મહાનગરની હદમાં ફાયર એનઓસી મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે તા.25-5ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિ કાંડ બાદ તપાસ કાર્યવાહી પરથી જે તે સમયના સીએફઓ ઇલેશ ખેરની ધરપકડ થતા તેમને સસ્પેન્ડ કરાયા છે. આ બાદ ભુજથી ઇન્ચાર્જ સીએફઓ તરીકે અનિલ મારૂની નિમણુંક કરવામાં આવી હતી.પરંતુ દોઢ મહિનામાં જ આ અધિકારી 1.80 લાખની લાંચ લેતા પકડાઇ જતા મનપામાં ખળભળાટ મચ્યો હતો અને ફરી પૂરા રાજકોટમાં એનઓસી જેવી મહત્વની કાર્યવાહી અટકી ગઇ હતી. બાદમાં ફરી સરકાર પાસે અધિકારીની માંગણી કરવામાં આવી હતી. તે બાદ આ હોટ સીટ પર ફરી ડેપ્યુટેશન પર અમદાવાદથી અધિકારી મોકલવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.