ગણેશ મહોત્સવ ૨૦૨૪ને લઈને પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું - At This Time

ગણેશ મહોત્સવ ૨૦૨૪ને લઈને પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું


• મૂર્તિઓની ઊંચાઈ બેઠક સહિત ૦૯(નવ)ફુટ કરતા વધે નહિ તથા ઝેરી રસાયણિક પદાર્થોના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ

સમગ્ર પંચમહાલ જિલ્લામાં દર વર્ષની જેમ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન ગણેશ મહોત્સવ-૨૦૨૪ની ઉજવણી થનાર છે. જેમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના તા.૦૭/૦૯/૨૦૨૪ના રોજ થનાર છે અને જુદી-જુદી તારીખોએ જુદા જુદા નક્કી કરેલ સ્થળોએ વિસર્જન કરવામાં આવનાર છે. જે દરમ્યાન સ્થાપના સ્થળેથી પ્રસ્થાન થઈ વિસર્જન કરવામાં આવનાર છે. ગણપતિજીની મૂર્તિઓની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.) તથા કેમીકલયુક્ત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવી મૂર્તિઓનું વિસર્જન કર્યેથી પાણીમાં આ કેમીકલ યુક્ત રંગો ભળવાના કારણે પાણી તથા પર્યાવરણને નુકસાન થાય છે તેમજ મૂર્તિઓ પાણીમાં ન ઓગળવાથી ધાર્મિક લાગણી પણ દુભાય છે.

ગણપતિ તહેવારની ઉજવણીને ધ્યાને લઈ પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવાના હેતુ માટે મૂર્તિઓની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.) તથા ઝેરી રસાયણિક પદાર્થોના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ અંગેનું તેમજ મૂર્તિની બનાવટમાં માટીનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવા/ઉપયોગ કરવા અંગે તેમજ ગતવર્ષોનું ઉદાહરણ ધ્યાને લેતાં ગણેશજીની પ્રતિમાઓની ઉચાઈ વધુ હોવાથી ગણેશ વિસર્જન સમયે રૂટ ઉપર અડચણ થાય છે. મુખ્ય માર્ગો ઉપર ૧૮ ફુટની ઉચાઈમાં સી.સી.ટી.વી.કેમેરા લગાડવામાં આવેલ છે. વિસર્જન સમયે ગણેશજીની મૂર્તિઓ ટ્રેકટર/ટ્રક/ઉટગાડી જેવા વાહનોમાં લાવવામાં આવતી હોવાથી વધુ ઉચાઈવાળી મૂર્તિઓ સી.સી.ટી.વી. કેમેરાના પોલને કારણે પસાર થવામાં અગવડ પડતી હોવાની રજુઆત એમજીવીસીએલ તરફથી પણ મળેલ હોઈ સદર મૂર્તિઓની ઊંચાઈ બેઠક સહિત ૦૯(નવ)ફુટ કરતા વધે નહિ તે માટેનું પણ પ્રતિબંધ જાહેર કરવા દરખાસ્ત કરેલ છે.

સબબ ઉપર મુજબની વિગતે પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા તેમજ કાયદો–વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના હેતુસર પંચમહાલ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં ગણેશોત્સવની મૂર્તિઓના સંદર્ભમાં નીચે જણાવ્યા મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા શ્રી ડી.એમ.દેસાઈ, (જી.એ.એસ) ઈ.ચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ– ગોધરા, પંચમહાલ જિલ્લાના સમગ્ર મહેસુલી હદવિસ્તારમાં નીચે જણાવેલ કૃત્યો ઉપર ભારતીય નાગરિક સુરક્ષા સહિતા – ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

*પ્રતિબંધિત કૃત્યો*
________

(૧) મૂર્તિઓની બનાવટમાં ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.) કે પ્લાસ્ટિક, થર્મોકોલ વિગેરેનો ઉપયોગ કરવો નહિં. કુદરતી સરળતાથી વિઘટીત થઈ જાય તેવા અને પ્રકૃતિ સાથે સુસંગત પદાર્થો જેમ કે ઘાસ, લાકડા,બાંબુ, ચીકણી માટીનો ઉપયોગ કરવો.

(૨) મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ ઉપર ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલ યુક્ત રંગોથી કલર કરવો નહિં. આ માટે ફુલોના કુદરતી રંગો,સળીયો, કુદરતી ગુંદર વિગેરેનો કે જે સરળતાથી પાણીમાં ઓગળી જાય તેવા પદાર્થોનો ઉપયોગ કરવો.

(૩) મૂર્તિ વિર્સજન કરતી વખતે મૂર્તિ પર પહેરાવેલ વસ્ત્રો, શણગાર વિગેરે દૂર કર્યા બાદ મૂર્તિ વિસર્જીત કરવાની રહેશે.

(૪) સાર્વજનિક મહોત્સવમાં મૂર્તિઓની ઉચાઈ બેઠક સહિત મહત્તમ ૦૯(નવ)ફુટ કરતાં વધારે હોવી જોઈશે નહિં.

(૫) મૂર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવીને વેચે છે તે જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહિં.

(૬) મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જશે નહિં.

(૭) મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ વાળી મૂર્તિઓ બનાવી, ખરીદી તથા વેચાણ કરી શકાશે નહિ.

(૮) પંચમહાલ જિલ્લા બહારથી આ પ્રકારની બનાવટ વાળી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકાર/ વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે.

આ જાહેરનામું આગામી તારીખ ૨૦/૧૦/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ઈસમ વ્યકિત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.