EDITOR'S VIEW: ગઠબંધનનું એલાન:જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પહેલાં ભાજપ માટે અપસેટ; રાહુલ કાશ્મીરમાં 'ખૂન કા રિશ્તા' નિભાવશે?, કલમ 370 રહેશે મુખ્ય મુદ્દો - At This Time

EDITOR’S VIEW: ગઠબંધનનું એલાન:જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પહેલાં ભાજપ માટે અપસેટ; રાહુલ કાશ્મીરમાં ‘ખૂન કા રિશ્તા’ નિભાવશે?, કલમ 370 રહેશે મુખ્ય મુદ્દો


જમ્મુ-કાશ્મીરની ચૂંટણીને એક મહિનો જ બાકી છે ત્યારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બે દિવસ કાશ્મીરની મુલાકાતે છે. રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા ફારૂક અબ્દુલ્લા વચ્ચે લાંબી મિટિંગ થયા પછી બંને પાર્ટીએ ગઠબંધનનું એલાન કર્યું છે. ચૂંટણીમાં આ ગઠબંધન કેવો રંગ લાવે છે એ જોવાનું રહેશે. રાહુલે કાશ્મીરમાં જઈને એવું કહ્યું કે, કાશ્મીર સાથે તો મારે 'ખૂન કા રિશ્તા' છે. આ 'ખૂન કા રિશ્તા' બંને સાથે ભેગા મળીને કેવી રીતે નિભાવે છે એ જોવું પડે. રાહુલ અને ફારૂક અબ્દુલ્લાનો એઈમ એક જ છે કે, કાશ્મીરને રાજયનો દરજ્જો પાછો અપાવવો. આના કારણે ખીણ વિસ્તારની વોટ બેન્ક સ્પ્લીટ નહીં થાય એટલે કોંગ્રેસને અને નેશનલ કોન્ફરન્સ, બંનેને ફાયદો થઈ શકે છે. આ ગઠબંધન પછી જમ્મુ-શ્રીનગરની ચૂંટણી વધારે રસપ્રદ બની રહેવાની છે. નમસ્કાર, કલમ 370 હટ્યા પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. 2014 પછી દાયકા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવી એ આર્મી, ઈન્ટેલિજન્સ, સરકાર અને ચૂંટણીપંચ માટે મોટો પડકાર છે. એમાં પણ નવા સીમાંકન પછી જમ્મુમાં 6 સીટ અને કાશ્મીરમાં એક સીટ વધી છે. તેનો ફાયદો ક્યા પક્ષને મળે છે તે 4 ઓક્ટોબરે પરિણામના દિવસે ખબર પડી જશે. જમ્મુ-કાશ્મીરની 90 સીટ પર મતદાન થવાનું છે. જમ્મુ કાશ્મીરની ચૂંટણી પહેલાં બે સવાલ સામે આવે છે. 1. જમ્મુની 6 અને કાશ્મીરની 1 સીટ વધવાથી ભાજપને ફાયદો થશે? 2. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે તો લદ્દાખમાં થશે કે નહીં? રાહુલ ગાંધીએ કાશ્મીરમાં કઈ મહત્વની વાતો કરી… જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 5 વર્ષથી ચૂંટણી કેમ ન થઈ?
ડિસેમ્બર 2014ના વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નહોતી અને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. માર્ચ 2015માં પીડીપી-ભાજપ ગઠબંધન થયું અને મહેબૂબા મુફ્તી સીએમ બન્યાં. પરંતુ, જૂન 2018માં ભાજપે પીડીપી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું અને રાજ્ય ફરીથી રાજ્યપાલ શાસન તરફ આગળ વધ્યું. આ પછી 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા પછી, જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું - એક ભાગમાં જમ્મુ અને કાશ્મીર અને બીજા ભાગમાં લદ્દાખ. એમાં લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની રચના થઈ, પરંતુ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે વિધાનસભાની રચના થઈ નહીં. સીમાંકન પછી કયા વિભાગમાં કેટલી બેઠકો વધી?
જમ્મુ અને કાશ્મીર સીમાંકન પંચે 5 મે 2022ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો અને 5 સંસદીય બેઠકો એટલે કે લોકસભાની બેઠકો હશે. જમ્મુ વિભાગમાં 6 બેઠકો વધારીને 43 વિધાનસભા બેઠકો કરવામાં આવી હતી અને કાશ્મીર ખીણમાં 1 બેઠક ઉમેરીને 47 બેઠકો કરવામાં આવી હતી. જમ્મુ વિભાગના સાંબા જિલ્લામાં રામગઢ, કઠુઆમાં જસરોતા, રાજૌરીમાં થન્નામંડી, કિશ્તવાડમાં પડ્ડેર-નાગસેની, ડોડામાં ડોડા પશ્ચિમ અને ઉધમપુરમાં રામનગર ઉમેરવામાં આવ્યા હતા. કાશ્મીર ખીણમાં કુપવાડા જિલ્લામાં ત્રેહગામ નવી બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં 5 લોકસભા સીટો બનાવવામાં આવી હતી, જે બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ-રાજૌરી, ઉધમપુર અને જમ્મુ છે. નવા સીમાંકન પછી સીટ અને મતદાનનું ગણિત કેવું રહેશે?
​​​​​​​કાશ્મીરના પક્ષોનો આરોપ છે કે નવા સીમાંકન દ્વારા ભાજપ હિન્દુ પ્રભાવિત જમ્મુને રાજકીય લાભ આપીને પોતાનું પોલિટિક્સ ચમકાવવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ પ્રભુત્વવાળા કાશ્મીરમાં 46 બેઠકો હતી અને બહુમતી માટે માત્ર 44 બેઠકોની જરૂર હતી. હિન્દુ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર જમ્મુમાં 37 બેઠકો હતી. આવી સ્થિતિમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ કાશ્મીરના છે. સીમાંકન પછી આ ગણિત બદલાઈ ગયું. નવા સીમાંકન મુજબ, જમ્મુ અને કાશ્મીરની કુલ 90 સીટોમાંથી હવે 43 જમ્મુમાં અને 47 કાશ્મીરમાં હશે. આ ફેરફારો પછી જમ્મુની 44% વસ્તી 48% બેઠકો પર મતદાન કરશે. કાશ્મીરમાં રહેતા 56% લોકો બાકીની 52% બેઠકો પર મતદાન કરશે. અત્યાર સુધી કાશ્મીરના 56% લોકોએ 55.4% બેઠકો પર અને જમ્મુના 43.8% લોકોએ 44.5% બેઠકો પર મતદાન કર્યું હતું. સીમાંકનમાં જમ્મુની બેઠકો વધવાથી ભાજપને કેટલો ફાયદો થશે?
વિપક્ષનો આરોપ છે કે નવા સીમાંકનમાં જમ્મુ માટે વધારવાની દરખાસ્ત કરાયેલી 6 બેઠકોમાંથી મોટાભાગની હિન્દુ પ્રભુત્વ ધરાવતા જિલ્લા છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, કઠુઆ, સાંબા અને ઉધમપુર હિન્દુ બહુમતી છે. કઠુઆની હિન્દુ વસ્તી 87%, સાંબા અને ઉધમપુર અનુક્રમે 86% અને 88% છે. કિશ્તવાડ, ડોડા અને રાજૌરી જિલ્લામાં પણ હિન્દુઓની વસ્તી 35 થી 45% છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સીમાંકનમાં જમ્મુમાં વધુ 6 બેઠકો ઉમેરવાથી ભાજપ વધુ મજબૂત બનશે. આના કારણે પીડીપી અને નેશનલ કોન્ફરન્સને નુકસાન થવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીરમાં આ વખતે કઈ પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે?
આ વખતે પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં મુખ્યત્વે 4 રાજકીય પક્ષો મેદાનમાં હશે. જેમાં ભાજપ, કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. આ સિવાય CPI, CPI(M), જમ્મુ રિપબ્લિક પાર્ટી, જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ સહિત એક ડઝન નાની-મોટી પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. જો કે હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન થતાં સમીકરણો બદલાઈ શકે છે. બીજી તરફ સીમાંકન પછી જમ્મુ ક્ષેત્રમાં 6 બેઠકો વધારવાનો ફાયદો ભાજપને ચોક્કસ મળી શકે છે. જો કે, 2024 લોકસભા પછી કોંગ્રેસ દેશભરમાં પહેલેથી જ મજબૂત બની છે અને આ વખતે પાર્ટી જમ્મુ અને કાશ્મીર બંને પ્રદેશોમાં મજબૂત રીતે મેદાનમાં ઉતરશે. જો કોંગ્રેસ પાર્ટી પીડીપી અને નેશનલ કોન્ફરન્સના મતોમાં ગાબડું પાડવામાં સફળ થાય છે, તો ચૂંટણી પછી કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવી શકે છે. આ વખતે લદ્દાખ જમ્મુ-કાશ્મીરનો ભાગ નથી, ત્યાં ચૂંટણી ક્યારે થશે?
​​​​​​​લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. ત્યાં કોઈ વિધાનસભા નથી, તેથી ત્યાં કોઈ વિધાનસભા ચૂંટણી થશે નહીં. જોકે, સ્થાનિક લોકો રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. રાજકીય નિષ્ણાત રાશિદ કિદવાઈનું કહેવું છે કે રાજકીય કારણોસર હાલમાં અહીં ચૂંટણી થઈ રહી નથી. જ્યારે લદ્દાખ અલગ થયું ત્યારે સંજોગો અલગ હતા. હવે લોકો ત્યાં સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ભાજપનો દબદબો જમ્મુમાં હોઈ શકે, કાશ્મીર કબજે કરવું મુશ્કેલ
​​​​​​​જમ્મુ-કાશ્મીરનું નેતૃત્વ અને મુદ્દા અલગ છે. આ વખતે પણ જમ્મુમાં કોંગ્રેસ અને ભાજપ બંનેનો દબદબો છે, જ્યારે કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સનો દબદબો છે. કાશ્મીરમાં મુસ્લિમોની વોટબેંક તોડવા માટે ભાજપ કોઈપણ સહયોગીની મદદ લે તે પહેલાં રાહુલ ગાંધીએ કાશ્મીર પહોંચીને નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી લઈ ભાજપને પડકાર ફેંક્યો છે. લોકસભાની ચૂંટણીમાં મતદાનનો 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો
​​​​​​​છેલ્લે 2024ની લોકસભાની ચૂંટણી થઈ તેમાં જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે મતદાન થયું હતું. 35 વર્ષમાં પહેલીવાર એવું બન્યું હતું કે વોટ આપવા માટે લાઈનો લાગી હતી. સામાન્ય ચૂંટણીમાં પાંચ બેઠક માટે જમ્મુ-કાશ્મીરમાં 58.46% મતદાન થયું હતું. જે 2019ની ચૂંટણી કરતાં 25% વધારે હતું. પરિણામોની વાત કરીએ તો, લોકસભાની 5 સીટમાં હિન્દુ બહુમતી વિસ્તાર જમ્મુ અને ઉધમપુરની સીટ પર ભાજપનો વિજય થયો હતો. તો મુસ્લિમ બહુમતી વિસ્તાર કાશ્મીરની ત્રણ સીટમાંથી અનંતનાગ અને શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના બે ઉમેદવારો જીત્યા હતા. તો કાશ્મીરની ત્રીજી બેઠક બારામુલ્લામાં અપક્ષ ઉમેદવાર અબ્દુલ શેખ વિજેતા થયા હતા. કાશ્મીર પ્રાંતની 3 સીટનું મતદાન જમ્મુ પ્રાંતની 2 સીટનું મતદાન અને લદ્દાખમાં 71.82% મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં 2014માં શું પરિણામ આવ્યું હતું? જમ્મુમાં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે
​​​​​​​કાશ્મીરને બદલે આતંકવાદીઓએ હવે જમ્મુ વિસ્તારમાં હુમલા વધારી દીધા છે અને એ જ આર્મી માટે પડકાર છે. આગામી ચૂંટણી આતંકવાદના ઓછાયા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન કરાવવું એ પણ પંચની આકરી કસોટી છે. જે તારીખોમાં, જ્યાં હુમલા થયા તેમાં... 9 જૂનઃ રિયાસી 11 જૂનઃ કઠુઆ 7 જુલાઈઃ રાજૌરી 8 જુલાઈઃ કઠુઆ 9 જુલાઈઃ ડોડા આ જમ્મુના એ વિસ્તારો છે, જ્યાં તાજેતરમાં ઉગ્રવાદી હુમલા થયા છે. સપ્ટેમ્બરના અંતમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તે પહેલાં આ વિસ્તારો પર આર્મી, ઈન્ટલિજન્ટ એજન્સીઓએ સતત વોચ રાખવી પડશે. PoKમાં શું સ્થિતિ છે? ત્યાં ચૂંટણી થાય છે?
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે ભારતમાં POK અને પાકિસ્તાનમાં આઝાદ જમ્મુ અને કાશ્મીર (AJK) તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સ્વાયત્ત સ્થાનિક સરકાર માટે ચૂંટણી યોજાય છે. પાકિસ્તાનના કબજા હેઠળના આ વિસ્તારમાં સ્થાનિક વહીવટીતંત્ર કે જેના માટે પાકિસ્તાન AJK વિધાનસભા માટે ચૂંટણી કરાવે છે તેના 53 સભ્યો છે. જેમાં 45 સામાન્ય બેઠકોનો સમાવેશ થાય છે, જે સીધી ચૂંટણી લડે છે. અહીં 8 અનામત બેઠકો છે (5 મહિલાઓ માટે અને 3 ટેકનોક્રેટ્સ અને વિદેશી કાશ્મીરીઓ માટે). અહીં ચૂંટણીમાં ભાગ લેવા માટે લગભગ 3 કરોડ મતદારો નોંધાયેલા છે. 700 થી વધુ લોકો ચૂંટણી લડે છે. આમાં પાકિસ્તાનના મુખ્ય પક્ષો પણ ચૂંટણી લડે છે. સામાન્ય રીતે જો તે પક્ષ અહીં ચૂંટણી જીતે છે, તો તે રાષ્ટ્રીય સ્તરે સત્તામાં હોય છે. POKની વિધાનસભા પાસે મર્યાદિત સત્તા છે, તેની મહત્વની સત્તાઓ પાકિસ્તાનના વડાપ્રધાન અને કાશ્મીર કાઉન્સિલ પાસે છે. હમણાં હમણાં આ વિસ્તારમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શનો થયા છે. POK વિસ્તાર કેવો છે?
​​​​​​​​​​​​​​પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર એટલે કે POK લગભગ 34,639 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. તે વહીવટી રીતે 10 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. તેમાં મુઝફ્ફરાબાદ, નીલમ, ઝેલમ વેલી, હવેલી, બાગ, રાવલકોટ, પૂંચ, કોટલી, મીરપુર અને ભુમર જિલ્લાનો સમાવેશ થાય છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશનું પોતાનું વહીવટી માળખું છે. છેલ્લે, કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પછી સરકારની રચના થાય અને વિધાનસભાનું સત્ર મળે ત્યારે પહેલું કામ એ કરાવામાં આવશે કે, કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી તેના વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરાશે. હજી ચૂંટણી થઈ નથી, પરિણામ તો દૂરની વાત છે ત્યાં જ કાશ્મીરી નેતાઓ કલમ 370નો મુદ્દો ઉઠાવવા લાગ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.