વિધાનસભામાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની સ્પષ્ટતા, ભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે તેવા કેસમાં સરકાર સહાય ચુકવશે - At This Time

વિધાનસભામાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની સ્પષ્ટતા, ભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે તેવા કેસમાં સરકાર સહાય ચુકવશે


*વિધાનસભામાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની સ્પષ્ટતા, ભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે તેવા કેસમાં સરકાર સહાય ચુકવશે*

*પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે નુકસાન સામે સહાય આપવાની આપી ખાતરી*

*ખેડૂતને ૩૩% થી વધારે નુકશાન થયેલ હશે તે કેસમાં એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા ૮,૫૦૦ ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે*

*ઘેડ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરની એન્જિનીયરીંગ કંપની અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરી રહી છે - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા*

*કંપનીના અહેવાલ બાદ ઘેડ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે સરકાર યોજનાઓ અમલમાં મુકશે - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા*

વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ જિલ્લાના ૧૬ તાલુકામાં અને તેમાંય ખાસ કરીને ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂનોના પાકને થયેલ નુકશાન સામે રાજ્ય સરકાર એસ.ડી.આર.એફ. ના ધોરણો મુજબ ખેડૂતોને સહાય કરવા માંગે છે કે કેમે તે અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયું છે ત્યાં તાત્કાલિક અસરથી સર્વે ચાલુ કર્યો છે, સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે, સર્વે બાદ જે કેસમાં ખેડૂતને ૩૩% થી વધારે નુકશાન થયેલ હશે તે કેસમાં એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા ૮,૫૦૦ ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે. આ ઉપરાંત માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે ખાતરી આપી હતી કે એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણોથી પણ વધારે સહાયની જરૂર જણાશે તો સરકાર તે મુજબ સહાય આપવા માટે તૈયાર છે.

માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે ખેડૂતોને ભારે વરસાદના કારણે નુકસાન થયેલ છે તે ખેડૂતોને રાજ્ય સરકારે ઉદાર હાથે સહાય આપવાની તૈયારી દર્શાવી છે. જે માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં જે કાયમી ધોરણે પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને ઝડપથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તેના કારણે દર વર્ષે ચોમાસામાં જે નુકસાન થાય છે તેને નિવારવા માટે ગત વર્ષે હું જ્યારે વિપક્ષનો સભ્ય હતો ત્યારે પણ રજુઆત કરી હતી અને તે વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ માનનીય જળસંપત્તી અને સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. તે પછી માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સેકોન પ્રા.લી. નામની રાષ્ટ્રીય સ્તરની એન્જિનીયરીંગ કંપનીને સ્થિતીનો અભ્યાસ કરીને તેના ઉકેલો સુચવા અંગેનો અહેવાલ તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. જે કામગીરી અંતિમ તબક્કામા છે. એકાદ બે મહિનામાં આ અહેવાલ સુપરત થઈ જાય તેના આધારે જે કંઈ નદીઓ, ઉંડી પહોળી કરવાની કામગીરી, કેનાલો બનાવવાની છે અને નદીઓના મુખ પહોંળા કરવાના છે અને એ ઉપરાંત જે પાણી સંગ્રહ સહિતની યોજનાઓ કાર્યરત થશે તો ઘેડ વિસ્તારની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. જે માટે પણ હું માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માનનીય જળસંપત્તી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતની સરકારનો આભાર માનું છું.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઘેડ બામણાસાથી શરૂ કરીને બાલાગામ સુધીનો ૧૨ કી.મી. નો વિસ્તાર છે કે જ્યાં ઓઝત નદી એકદમ સાંકડી થઈ ગઈ છે, ત્યાં તમામ ખેડુતોએ દબાણો દુર કરવાની ખાતરી આપેલી છે, તેમજ નદીની વહન ક્ષમતા ૧ લાખ ૩૬ હજાર ક્યુસેક હોવી જોઈએ તેની સામે આજે ૨૫-૨૬ હજાર ક્યુસેક જ રહી છે, ત્યારે નદીની પુરતી ક્ષમતા વધે તે માટે ખેડૂતો દબાણ દુર કરવા સહમત થયા છે અને રાજ્ય સરકારે પણ આ માટે યોજનાઓના અમલની તૈયારી દર્શાવેલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.