હડતાલ-સારવાર વચ્ચે દર્દીઓ પરેશાન:વિરોધ કરનારા ડોક્ટરો આ રીતે કરે છે OPD-ICUનું સંચાલન, જુઓ દેશભરના દર્દનાક PHOTO’S
કોલકાતા રેપ-મર્ડર કેસને લઈ દિવસે ને દિવસે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. એને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. પ્રશ્ન એ છે કે અડધી વસતિ સામે આ જઘન્ય અપરાધ ક્યાં સુધી ચાલશે? ડોક્ટરો પણ હડતાલ પર છે અને ઈમર્જન્સી સારવાર પણ ચાલી રહી છે. હડતાલની સૌથી વધુ અસર દર્દીઓને પડી રહી છે. લોકોનાં ટોળાં હોસ્પિટલમાં રાહ જોતાં જોવા મળે છે. કોલકાતા રેપ-મર્ડર કેસના વિરોધની કેટલીક તસવીરો... આવશ્યક સેવાઓ સિવાયનાં તમામ કામ બંધ
દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરો હડતાલ પર છે, પરંતુ એની સાથે કેટલીક જગ્યાએ OPD-ICU જેવી સુવિધાઓ પણ ચાલી રહી છે. ડોક્ટરોએ આવશ્યક સેવાઓ સિવાયનાં તમામ કામ બંધ કરી દીધાં છે અને ઘણી જગ્યાએ હડતાલ ચાલી રહી છે. કોલકાતામાં વિરોધ કરી રહેલા ડોક્ટરોએ આજે 21 ઓગસ્ટે સવારે 11 વાગ્યે CBI ઓફિસથી બિધાનનગરમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસ સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. સૌરભ ગાંગુલી પણ પત્ની સાથે રેપ કેસના વિરોધમાં રસ્તા પર ઊતરશે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરભ ગાંગુલી પણ આજે પોતાની પત્ની સાથે મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તા પર ઊતરશે. બીજી તરફ CBI આ મામલે પૂર્વ પ્રિન્સિપાલની સતત છઠ્ઠા દિવસે પૂછપરછ કરવા જઈ રહી છે. હડતાલનો આજે 12મો દિવસ
સુપ્રીમ કોર્ટની અપીલ બાદ દિલ્હીની RML સહિત ઘણી હોસ્પિટલોમાં હડતાલ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ FAIMAએ ડોક્ટરોની સુરક્ષાને લઈને હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. વિરોધપ્રદર્શનનું કેન્દ્ર પશ્ચિમ બંગાળમાં, સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓને ભારે ફટકો પડ્યો હતો, કારણ કે જુનિયર ડોક્ટરોની હડતાલ મંગળવારે 12મા દિવસે પણ ચાલુ રહી હતી. રાજ્યની ઘણી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં વરિષ્ઠ ડોક્ટરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરો OPDમાં તેમની સારવાર કરી રહ્યા હતા. 'જ્યાં સુધી બહેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે'
સરકારી હોસ્પિટલના આંદોલનકારી ડોક્ટર કહે છે કે જ્યાં સુધી અમારી બહેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અમે કાર્યસ્થળો પર પણ સલામતી ઇચ્છીએ છીએ. અમારી પ્રાથમિક માગ ગુનેગારોને સજા કરવાની છે. 'અમે એકજૂથ છીએ'
રાષ્ટ્રીય રાજધાનીમાં હડતાલ બંધ કર્યાના કલાકોમાં કેન્દ્ર સરકાર સંચાલિત RML હોસ્પિટલે કહ્યું હતું કે તે અન્ય રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશન (RDAs) સાથે એકતામાં તેની હડતાલ ચાલુ રાખશે. કેટલીક ગેરસમજ હતી અને અમે એના માટે માફી માગીએ છીએ. અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમે અમારા સાથીદારો અને અન્ય RDAs સાથે ઊભા છીએ. અમે એકજૂથ છીએ, હોસ્પિટલના RDAs એ એક નિવેદનમાં જણાવ્યું હતું. ક્લિનિકલ પ્રેક્ટિસ એલાઉન્સ (CPA)ના મુદ્દાને ઉકેલો
રાષ્ટ્રવ્યાપી હડતાલના નવમા દિવસે ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિયેશન (FORDA) અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશન્સ (FAIMA) બંનેએ જાહેરાત કરી કે જ્યાં સુધી આરોગ્ય મંત્રાલય ક્લિનિકલ પ્રેક્ટિસ એલાઉન્સ (CPA)ના મુદ્દાને ઉકેલે નહીં ત્યાં સુધી તેઓ તેમની હડતાલ ચાલુ રાખશે. નક્કર પગલાં લેતાં નથી. 'હવે નહિ તો ક્યારેય નહીં'
FAIMAએ જણાવ્યું હતું કે એસોસિયેશને હિતધારકો સાથે સઘન ચર્ચા કર્યા પછી જ્યાં સુધી આરોગ્ય મંત્રાલય ક્લિનિકલ પ્રેક્ટિસ એલાઉન્સ (CPA)ના મુદ્દે નક્કર પગલાં ન લે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હડતાલ ચાલુ રહેશે, OPD અને વૈકલ્પિક ઓપરેટિંગ થિયેટરો બંધ રહેશે. એસોસિયેશને ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે નહિ તો ક્યારેય નહીં અને સુપ્રીમ કોર્ટમાં કાનૂની ચેનલો દ્વારા ન્યાય મેળવવાની યોજનાઓની જાહેરાત કરી હતી. ગોવામાં ડોક્ટરોએ પાંચ દિવસનું આંદોલન પાછું ખેંચ્યું
ઉત્તરપ્રદેશમાં રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ હરદીપ જોગીએ જણાવ્યું હતું કે તેમની હડતાલ મંગળવારે પણ ચાલુ રહી હતી. હડતાલને કારણે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં OPD, શિક્ષણ અને ઓપરેશનને લગતી કામગીરીને અસર થઈ હતી. જોકે કોલકાતા બળાત્કાર-હત્યાના વિરોધમાં ગોવામાં વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોએ રાજ્ય સરકારની ખાતરી બાદ તેમનું પાંચ દિવસનું આંદોલન પાછું ખેંચ્યું હતું. દિલ્હી યુનિવર્સિટીનાં વિવિધ વિદ્યાર્થી સંગઠનોના સભ્યોએ કેમ્પસમાં પ્રદર્શન કર્યું
રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વજિત રાણેએ ખાતરી આપી કે તેમની માગણીઓ પર વિચાર કરવામાં આવશે. એ પછી નિવાસી ડોક્ટરોના સંગઠન (GARD)એ વિરોધ પાછો ખેંચી લીધો. દરમિયાન કોલકાતાની ઘટનાને લઈને કેટલાંક વિદ્યાર્થી સંગઠનો પણ આંદોલનમાં જોડાયાં હતાં. દિલ્હીમાં, દિલ્હી યુનિવર્સિટીનાં વિવિધ વિદ્યાર્થી સંગઠનોના સભ્યોએ કેમ્પસમાં પ્રદર્શન કર્યું. શું હતો મામલો?
તમને જણાવી દઈએ કે 9 ઓગસ્ટના રોજ કોલકાતામાં સરકારી RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. બીજા દિવસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મામલો વધતાં કોલકાતા હાઈકોર્ટે આ કેસ CBIને સોંપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.