300 સામે FIR, 72ની ધરપકડ:બદલાપુરમાં પ્રદર્શનકારીઓ પર એક્શન; દેખાવકારોએ ગઈકાલે ટ્રેનો રોકી, પથ્થરમારામાં 17 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા - At This Time

300 સામે FIR, 72ની ધરપકડ:બદલાપુરમાં પ્રદર્શનકારીઓ પર એક્શન; દેખાવકારોએ ગઈકાલે ટ્રેનો રોકી, પથ્થરમારામાં 17 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા


મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરની એક ખાનગી શાળામાં 3 અને 4 વર્ષની બે KG બાળકીઓના જાતીય શોષણની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મંગળવારે વિરોધ થયો હતો. અહીં લોકલ ટ્રેનના રેલવે ટ્રેક પર હજારોની ભીડ ઉતરી આવી હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લગભગ 17 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે લગભગ 300 પ્રદર્શનકારીઓ વિરુદ્ધ FIR નોંધી છે. 72 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બદલાપુરમાં આજે પણ ઈન્ટરનેટ અને શાળાઓ બંધ છે. આ કેસની તપાસ માટે આઈજી આરતી સિંહના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે અને સરકારી વકીલ ઉજ્જવલ નિકમ હશે. બીજી તરફ બદલાપુર બાદ હવે અકોલામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કાઝીખેડની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક પ્રમોદ મનોહર પર શાળાની વિદ્યાર્થિનીઓની છેડતીનો આરોપ છે. આરોપી શિક્ષકે આઠમા ધોરણમાં ભણતી છ વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરી હતી. શિક્ષક તેમને અશ્લીલ વીડિયો બતાવતો હતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. વિદ્યાર્થીનીઓની ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. બદલાપુરમાં ટોળાએ મંગળવારે, 20 ઓગસ્ટે પહેલા શાળામાં તોડફોડ કરી અને પછી બદલાપુર સ્ટેશન પર સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી પ્રદર્શન કર્યું. લોકલ ટ્રેનોની અવરજવર 10 કલાકથી વધુ સમય સુધી ઠપ રહી હતી. સાંજે પોલીસે લાઠીચાર્જ કરીને રેલવે ટ્રેક ખાલી કરાવ્યો હતો. કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા બદલાપુર સ્ટેશન પહોંચ્યા, પરંતુ તેમને પાછા ફરવું પડ્યું. આ પછી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે SITની રચનાની જાહેરાત કરી. આ સિવાય સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાત કરી હતી. દરમિયાન, રાજ્ય સરકારે બદલાપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, જેમણે 12 કલાક સુધી યૌનશોષણનો કેસ નોંધવાનું ટાળ્યું હતું. આ ઘટના 12 અને 13 ઓગસ્ટે બની હતી, પોલીસે એફઆઈઆર નોંધી ન હતી
આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી. આદર્શ સ્કૂલના 23 વર્ષીય સફાઈ કામદાર અક્ષય શિંદેએ બંને છોકરીઓનું યૌનશોષણ કર્યું હતું. આ પછી બંને છોકરીઓ શાળાએ જતાં ડરી ગઈ હતી. માતાપિતાને શંકા ગઈ. તેમણે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી તો મામલો સામે આવ્યો. એક માતા-પિતાએ એ જ વર્ગની બીજી છોકરીનાં માતા-પિતાનો સંપર્ક કર્યો. ડોક્ટરે તપાસ કરી તો સાચી ઘટના સામે આવી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલેએ POCSO કેસ હોવા છતાં FIR નોંધવામાં વિલંબ કર્યો. બાળકીનાં માતા-પિતાએ સામાજિક કાર્યકરોની મદદથી બદલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ બાદ એટલે કે શુક્રવારે 16 ઓગસ્ટે મોડી રાત્રે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અક્ષયને 1 ઓગસ્ટે જ સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. બદલાપુરમાં વિરોધ પ્રદર્શનની તસવીરો... બદલાપુર બંધનું એલાન, શાળામાં પણ પ્રદર્શન
મંગળવારે સવારે 8 વાગે ગુસ્સે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઊભા રહીને પ્રદર્શન શરૂ કર્યું હતું. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ લોકોએ શાળાની અંદર ઘૂસીને પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા લોકોના વિરોધને કારણે કલ્યાણ-બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે. તેના વિરોધમાં અનેક સંગઠનોએ બદલાપુર બંધનું એલાન આપ્યું હતું. આ ઘટના સાથે સંબંધિત 4 મોટા અપડેટ્સ
1. પોલીસે આરોપી અક્ષયને 21 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર લીધો હતો.
2. સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ, એક ક્લાસ ટીચર અને એક લેડી એટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધાં છે.
3. બદલાપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાત્રે 8 વાગ્યે બદલાપુર સ્ટેશનથી લોકલ ટ્રેનોની અવરજવર શરૂ થઈ.
4. સરકારે ઉજ્જ્વલ નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી છે. પીડિત યુવતીઓ વતી કેસ લડશે. વિપક્ષે કહ્યું- મહારાષ્ટ્રને શરમાવે તેવી ઘટના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.