કોલકાતા કાંડ:પૂર્વ પ્રિન્સિપાલ ઘોષે એક સપ્તાહ પહેલાં કોલ ડીટેલ ડિલીટ કરી હતી, સીબીઆઈ તેને રિકવર કરી રહી છે
આરજી કર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરની હત્યા કેસમાં ભલે આરોપી સિવિક વોલેન્ટિયર સંજય રાય પોલીસ કસ્ટડીમાં હોય પરંતુ કેસના કેન્દ્રમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ હોવાનું જણાય છે. સીબીઆઈ 4 દિવસથી પૂછપરછ કરી રહી છે પરંતુ, લગભગ 7 સવાલ એવા છે કે જેના સ્પષ્ટ જવાબો ઘોષ આપી શક્યા નથી. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘોષ તે નથી જણાવી રહ્યો કે તેણે લાશની સૂચના મળ્યા બાદ અન્ય ડોક્ટરો અને કર્મચારીઓને સેમિનાર હોલમાં જવાની પરવાનગી કેમ આપી? સીબીઆઈની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પુરાવાનો જાણી જોઈને નાશ કરાયો હતો. જે લોકો સૌથી પહેલાં સેમિનાર હોલમાં પહોંચ્યા હતા તેમણે મૃતદેહને સ્પર્શ કર્યો હતો. જોકે સીબીઆઈની પૂછપરછમાં આ અંગે ઘોષ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, તેણે અધિકારીઓ સામે ચુપ્પી સાધી લીધી છે. ઘોષને જ્યારે રૂમમાં જતાં લોકો અંગે સવાલ કર્યો તો કહ્યું મને કંઈ ખબર નથી. પોલીસને 2 કલાક પછી કેમ સૂચના આપી તે અંગે પણ જવાબ આપ્યો નથી. બીજી તરફ, સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાના એક સપ્તાહ પહેલાં સંદીપે તેના ફોનના કોલ રેકોર્ડ, મેસેજ ડિલીટ કરી દીધા હતા. ઘણા નંબરો પણ ફોનમાંથી હટાવી દીધા હતા. સીબીઆઈ આ ડેટાને ફોનમાંથી રિકવર કરી રહી છે. પૂર્વ પ્રિન્સિપાલે મૌન ધારણ કર્યુ
સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની 4 દિવસ સુધી પૂછપરછ કરી છે, પરંતુ તેણે હજુ સુધી આ સવાલોના સ્પષ્ટ જવાબ આપ્યા નથી. 1. ટ્રેની ડોક્ટરની હત્યાને સ્યુસાઈડ ઘોષિત કરવાની ઉતાવળ કેમ કરી ?
2. તમે પોતે ડોક્ટર છો તો શું તમને નથી લાગતું કે ક્રાઈમ સીનને સુરક્ષિત રાખવો જરૂરી હતું ?
3. પીડિતાના પરિવારને ખોટી માહિતી આપવાની સલાહ કોણે આપી?
4. ગુનાના સ્થળે પુરાવા સાથે ચેડાં કરવા એ ગુનો છે, છતાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સ્થળને કેમ સુરક્ષિત રખાયું નહીં ?
5. પીડિતાના પરિવારને ઘણા કલાકો પછી કેમ જાણ કરાઈ ?
6. પીડિતાના પરિવારને મૃતદેહ બતાવવામાં કેમ વિલંબ થયો?
7. ઘટના પછી તરત જ રાજીનામું કેમ આપ્યું? ઘોષની સૂચના બાદ લાવારિસ લાશ લેબામાં આવતી : ટ્રેની ડોક્ટર
આ જ હોસ્પિટલના એક ટ્રેની ડોક્ટરે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં આવી રહેલા લાવારિસ મૃતદેહોને ઘોષની સૂચના પર પ્રેક્ટિકલ માટે લેબમાં મોકલવામાં આવતા હતા. તેમની સામે માનવઅંગોની તસ્કરીનો પણ આરોપ લાગ્યો છે. રોફ: 6થી 8 ગાર્ડ ડો. ઘોષની આસપાસ રહેતા
ઘોષ પણ પોતાની લાઈફસ્ટાઈલના કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. એવું જાણવા મળ્યું છે કે ગૃહ વિભાગની સૂચના પર હોસ્પિટલમાં 20 સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરાયા હતા, જેમાંથી 6થી 8 ગાર્ડ હંમેશા ઘોષની સુરક્ષામાં રહેતા હતા. ઘોષ જ્યારે પણ રૂમમાંથી બહાર આવતો ત્યારે તેની સાથે 6થી 8 સુરક્ષાકર્મી હતા. હોસ્પિટલના બે કર્મચારીઓ સીટી વગાડતા આગળ ચાલતા હતા, જેથી રસ્તો સાફ થઈ જાય. સીબીઆઈ તપાસી રહી છે કે આખરે સંદીપને હોસ્પિટલમાં કઈ વાતનો ડર હતો? ઓર્થોપેડિક વિભાગના સંદીપે 2019થી 2024 દરમિયાન કોલકાતાની બે મેડિકલ કોલેજોમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા હતા. પ્રથમ 3 વર્ષ નેશનલ મેડિકલ કોલેજમાં રહ્યો અને અત્યાર સુધી આરજી કરમાં હતો. હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત, એન્ટ્રી પર પ્રતિબંધ
બંગાળ સરકારે હોસ્પિટલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. એકસાથે 5થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જરૂરિયાત અને પુરાવા વગર બહારના કોઈ પણ વ્યક્તિને અંદર જવાની પરવાનગી નથી. સીબીઆઈની ઘણી ટીમો આ કેસની તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલાં મૃતક પીડિતાનાં માતા-પિતાએ એક ટીમને જણાવ્યું હતું કે તેમની પુત્રીની હત્યા કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.