‘PM અને સિસ્ટમ એકમત નથીં’:પવારે કહ્યું- મોદી વન નેશન-વન ઈલેક્શનની વાત કરે છે, ચૂંટણી પંચ બીજા રસ્તે ચાલે છે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ જૂથ (NCP-SCP) ના પ્રમુખ શરદ પવારે સોમવારે, 19 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે વડાપ્રધાન અને ચૂંટણી પંચ બંને અલગ-અલગ વાત કરે છે. PMએ સ્વતંત્રતા દિવસ પર વન નેશન-વન ઈલેક્શનની વાત કરી હતી. બીજા જ દિવસે ચૂંટણી પંચે બે રાજ્યોમાં અલગ-અલગ તારીખે વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી. વડાપ્રધાન એક વાત કહે છે, જ્યારે સિસ્ટમ બીજા માર્ગે ચાલે છે. 78માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ બની રહી છે. વન નેશન, વન ઇલેક્શન માટે દેશે આગળ આવવું પડશે. આ પછી 16 ઓગસ્ટે ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. હરિયાણાની તમામ 90 સીટો પર એક જ તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. બંને રાજ્યોના પરિણામ 4 ઓક્ટોબરે આવશે. શું મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે, પવારે કહ્યું- ચૂંટણી પંચને પૂછો
શરદ પવાર 19 ઓગસ્ટે પુણેમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું રાજ્ય સરકારની લાડકી બહેન યોજનાને કારણે મહારાષ્ટ્રમાં ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે અને શું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સંભાવના છે. પવારે કહ્યું કે આ એક એવો પ્રશ્ન છે જે ચૂંટણી પંચને પૂછવો જોઈએ. એકનાથ શિંદે સરકારને લાડકી બેહન જેવી યોજનાઓ માટે ભંડોળ પૂરું પાડવા વિશે પૂછવામાં આવ્યું તો પવારે કહ્યું - ઘણી યોજનાઓ પેન્ડિંગ છે અને શિષ્યવૃત્તિ માટે પૈસા નથી, પરંતુ આ દરમિયાન નાણાકીય બોજ વધારતી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ વર્ષે યોજાશે વિધાનસભાની ચૂંટણી
મહારાષ્ટ્રમાં રાજકીય નિવેદનબાજીનું સાચું કારણ આગામી વિધાનસભા ચૂંટણી છે. ચૂંટણી પંચે કહ્યું કે દિવાળી પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. મહારાષ્ટ્રમાં ગયા મહિને વિધાન પરિષદ (MLC)ની ચૂંટણી યોજાઈ હતી. એનડીએને જંગી જીત મળી હતી. ગઠબંધનને 11માંથી 9 બેઠકો મળી હતી. INDIA બ્લોકમાંથી ત્રણ ઉમેદવારો ઊભા હતા, જેમાંથી માત્ર 2 જ જીતી શક્યા હતા. કોંગ્રેસના 7થી 8 ધારાસભ્યોના ક્રોસ વોટિંગના સમાચાર હતા. નવેમ્બર 2024માં ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારનો કાર્યકાળ સમાપ્ત થશે
હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના (શિંદે જૂથ)ની સરકાર છે. તેનો કાર્યકાળ 8 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થાય છે. ઓક્ટોબર 2024માં ચૂંટણી યોજાઈ શકે છે. 2019માં મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ભાજપ 106 ધારાસભ્યો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની. મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન ચાલી શક્યું નહીં. 56 ધારાસભ્યોવાળી શિવસેનાએ 44 ધારાસભ્યોવાળી કોંગ્રેસ અને 53 ધારાસભ્યોવાળી એનસીપી સાથે મહાવિકાસ અઘાડી બનાવીને સરકાર બનાવી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. મે 2022માં મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ 39 ધારાસભ્યો સાથે બળવો કર્યો. તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા. 30 જૂન, 2022ના રોજ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથ શિંદે જૂથનું અને બીજું ઉદ્ધવ જૂથનું બનેલું હતું. 17 ફેબ્રુઆરી 2023ના રોજ, ચૂંટણી પંચે આદેશ આપ્યો કે પાર્ટીનું નામ 'શિવસેના' અને પાર્ટીનું ચૂંટણી ચિન્હ 'ધનુષ અને તીર' એકનાથ શિંદે જૂથ પાસે રહેશે. લોકસભા ચૂંટણી 2024: ભાજપને મળી માત્ર 9 બેઠકો, ઈન્ડિયા બ્લોકે 30 બેઠકો જીતી
લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાં ભાજપે 48માંથી 9 બેઠકો જીતી હતી. ગઠબંધન સાથી NCP (અજિત પવાર જૂથ) એક બેઠક જીતી. શિવસેના (શિંદે જૂથ) 7 બેઠકો જીતી. ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ કોંગ્રેસે 13 બેઠકો અને શિવસેના (ઉદ્ધવ જૂથ) 9 બેઠકો જીતી હતી. એનસીપી શરદચંદ્ર પવારે 8 બેઠકો જીતી હતી. સાંગલી બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.