હળવદમાં વીરગતિ પામેલા નરબંકાઓના પાળિયાઓને સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી
હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે. ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ ઉજવણી કરી હતી.
ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે. જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી. તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે. ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ જુદીજુદી સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને લઇને ત્યા આવે છે અને પાળીયાઓને રાખડી બાંધીને નરબંકા અને સિંદૂરીયા વિરલાઓની યાદને તાજી કરે છે.
છેલ્લા 10 વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કૂલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દીકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિશેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળિયા શા માટે રાખવામાં આવતા હતા તે સમજાય તે માટે પાળિયાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે. ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10ની બાળાઓ પાળિયાઓને રાખડી બાંધે છે. તે ઉપરાંત હવે બીજી શાળાની વિદ્યાર્થીનીઓ પણ ત્યાં આવવા લાગી છે.
વર્તમાન સમયમાં બહેન દીકરીઓની સલામતીને લઇને ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે વર્ષો પહેલાં બહેનો દીકરીઓની રક્ષા કાજે વીરગતિ વહોરનારાના 250થી વધુ પાળિયાઓ હળવદની આસપાસમાં આવેલા છે. જે આજે પણ અડીખમ ઊભા છે. જેથી પાળિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. સમાજનો ઐતિહાસિક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વિરગતિનો વારસો વર્ષો સુધી લોકો યાદ રાખે તેના માટેનો પ્રયાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક કરી રહ્યા છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.