ફ્લોર પર ઢસડી, હેંગરથી હુમલો કર્યો…:લંડનની હોટલમાં અજાણી વ્યક્તિ રૂમમાં ઘૂસી એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર ઘાતક હુમલો કર્યો
એર ઈન્ડિયાની એક કેબિન ક્રૂ મેમ્બર પર લંડનની એક હોટલના રૂમમાં કથિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. એરલાઈને આ ઘટનાની પુષ્ટિ કરી છે. લંડનના હીથ્રો એરપોર્ટ ખાતે આવેલી રેડિસન રેડ હોટેલમાં ગુરુવારે રાત્રે ઘૂસણખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેબિન ક્રૂ પર બળાત્કાર થયો હતો. જોકે આ મામલે લંડન પોલીસની તપાસ ચાલુ છે. આ ઘટના લંડનની જાણીતી રેડિસન રેડ હોટેલ ચેઈનના રૂમમાં બની હતી. એર ઈન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એવા અહેવાલ છે કે મહિલા કેબિન ક્રૂ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે નિવેદન બહાર પાડ્યું હતું. એરલાઈને કહ્યું કે એરલાઈન્સ માત્ર તાત્કાલિક સહાય જ નહીં પરંતુ પીડિત અને તેના સાથીદારોને આઘાતજનક ઘટનામાંથી બહાર આવવામાં મદદ કરવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિંગ પણ કરી રહી છે. જાણો શું છે સમગ્ર મામલો
રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા ક્રૂ મેમ્બર તેના રૂમમાં સૂઈ રહી હતી ત્યારે લગભગ 1.30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ તેના રૂમમાં ઘૂસ્યો હતો. જ્યારે મહિલાની આંખ ખૂલી તો તે ચીસો પાડવા લાગી હતી. આના પર હુમલાખોરે મહિલા પર કપડાના હેંગર વડે હુમલો કર્યો અને તેને ફ્લોર પર ઢસડી. તે રૂમની બહાર ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે તેને સતત મારતો હતો. આખરે નજીકના રૂમમાંથી લોકો મદદ માટે આવ્યા અને હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એરલાઈને શું કહ્યું
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “એર ઈન્ડિયા તેના ક્રૂ અને સ્ટાફના સભ્યોની સલામતી, સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. એક મોટી આંતરરાષ્ટ્રીય ચીએન દ્વારા સંચાલિત હોટલમાં ઘૂસણખોરીની ગેરકાનૂની ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેના કારણે અમારા ક્રૂના સભ્યોને નુકસાન પહોંચ્યું છે. અમે અમારા સહકર્મીઓ અને તેમની ટીમને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છીએ, અને આ બાબતને કાયદેસર રીતે આગળ ધપાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અમે ક્રૂની ગોપનીયતાનો આદર કરીએ છીએ.’ અહેવાલ મુજબ એરલાઇનના ક્રૂએ હોટેલમાં અપૂરતી સુરક્ષા, અંધારિયા કોરિડોર, ખાલી રિસેપ્શન અને હોટેલના દરવાજા ખટખટાવતા બદમાશો અંગે વારંવાર ફરિયાદ કરી હતી. એર ઈન્ડિયાએ કહ્યું કે લંડન પોલીસ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, એરલાઈને ક્રૂ મેમ્બર સાથે બળાત્કાર થયો હોવાના અહેવાલો પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. ભોગ બનનાર ક્રૂ મેમ્બર ભારત પરત પહોંચી
હાલમાં મહિલા ક્રૂ મેમ્બર ભારત પરત આવી ગઈ છે અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાએ સલામતીના મુદ્દાઓને અવગણીને ઈરાદાપૂર્વક કેબિન ક્રૂને જોખમમાં મૂક્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.