મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી:પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા કહ્યું; બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે (16 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. મોદીએ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નેતન્યાહૂએ તેમને ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. બંને વડાપ્રધાનો વચ્ચે પશ્ચિમ એશિયામાં તણાવ અંગે પણ ચર્ચા થઈ હતી. મોદીએ ઇઝરાયલના વડાપ્રધાનને હમાસ સાથેના યુદ્ધને વાતચીત અને ડિપ્લોમેસી દ્વારા ખતમ કરવા જણાવ્યું હતું. તેમણે તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને યુદ્ધવિરામ અંગે પણ ભાર મુક્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાઝામાં માનવીય સંકટનો સામનો કરી રહેલા લોકોને મદદ પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર પણ ચર્ચા થઈ હતી. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 11 મહિનાથી યુદ્ધ ચાલુ છે
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લગભગ 11 મહિના વીતી ગયા છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ ઇઝરાયલના 1200 નાગરિકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ ગાઝામાં લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. ઇઝરાયલના જણાવ્યા અનુસાર હજુ પણ 111 લોકો હમાસની કેદમાં છે. જેમાં 39 મૃતદેહો પણ સામેલ છે. બંધકોમાં 15 મહિલાઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના 2 બાળકોનો સમાવેશ થાય છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 329 ઈઝરાયલના 329 સૈનિકો પણ માર્યા ગયા છે. ઇઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર તેઓ અત્યાર સુધીમાં 15 હજારથી વધુ હમાસના આતંકીઓને ઠાર કરી ચૂક્યા છે. યુદ્ધના કારણે ગાઝામાં લગભગ 18 લાખ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે. ઇઝરાયલ અને દક્ષિણ લેબનોનમાં પણ હજારો લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. 5 લાખ લોકો ભૂખમરાનું સંકટ
યુદ્ધે ગાઝામાં માનવીય સંકટ સર્જ્યું છે. ઇઝરાયલના હુમલાનો સામનો કરી રહેલા ગાઝાના નાગરિકો સામે ભૂખમરાનું સંકટ ઉભું થયું છે. એક અહેવાલ મુજબ ગાઝાના લગભગ 5 લાખ લોકોને આગામી મહિનામાં ખાદ્ય સંકટનો સામનો કરવો પડશે. આ આંકડો ગાઝાની કુલ વસ્તીના લગભગ ચોથા ભાગનો છે. અહેવાલો અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં ગાઝાની 59% ઇમારતો નાશ પામી છે. ઉત્તરી ગાઝામાં આ આંકડો 70%થી વધુ છે. ગાઝામાં યુદ્ધવિરામ માટે કતારમાં વાતચીત
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને બંધકોની આપ-લે માટે 15 ઓગસ્ટથી કતારમાં વાતચીત શરૂ થઈ છે. આ વાતચીત બે દિવસ સુધી ચાલશે. આ યુદ્ધવિરામ ડીલમાં ઈઝરાયલ ઉપરાંત કતાર, અમેરિકા અને ઈજીપ્તના નેતાઓએ ભાગ લીધો હતો. આ વાતચીતમાં હમાસના કોઈ પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો. આ ડીલ માટેના પ્રયાસો બે મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યા હતા. ડીલ હેઠળ ગાઝામાં 3 તબક્કામાં યુદ્ધવિરામ લાગુ કરવાની યોજના છે. આ યોજના અનુસાર હમાસ 7 ઓક્ટોબરે બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકોને મુક્ત કરશે. તેમજ ઇઝરાયલની સેના ગાઝા વિસ્તારમાંથી પાછળ હટશે. આ સિવાય ઇઝરાયલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલ પર ઈરાનના હુમલાનું જોખમ
ગયા મહિને 31 જુલાઈએ ઈરાનમાં હમાસ ચીફ હાનિયાનું મૃત્યુ થયું ત્યારથી ઈઝરાયલ પર ઈરાનના હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાને હાનિયાના મૃત્યુ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ઇઝરાયલ પાસેથી બદલો લેવાનો આદેશ આપ્યો હતો. ઇઝરાયલ પર ઈરાનના હુમલાના વધતા ડરને કારણે અમેરિકાએ મધ્ય પૂર્વમાં સબમરીન અને યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. અમેરિકા, બ્રિટન અને જર્મની સહિત પાંચ દેશોના નેતાઓ દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં ઈરાનને ઈઝરાયલ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.