ઉદયપુરમાં 2 વિદ્યાર્થીના ઝઘડા બાદ બબાલ:બંને સ્ટુડન્ટની ઉંમર લગભગ 15 વર્ષ, પ્રદર્શનકારીઓએ વાહનોમાં આગ લગાડી, મોલમાં તોડફોડ અને પથ્થરમારો; કલમ 144 લાગુ - At This Time

ઉદયપુરમાં 2 વિદ્યાર્થીના ઝઘડા બાદ બબાલ:બંને સ્ટુડન્ટની ઉંમર લગભગ 15 વર્ષ, પ્રદર્શનકારીઓએ વાહનોમાં આગ લગાડી, મોલમાં તોડફોડ અને પથ્થરમારો; કલમ 144 લાગુ


ઉદયપુરમાં શુક્રવારે (16 ઓગસ્ટ) એક સરકારી શાળાના બે વિદ્યાર્થી વચ્ચેની લડાઈને કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ. લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાડ્યા. કલેક્ટર અરવિંદ પોસવાલે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. બંને વિદ્યાર્થી અલગ-અલગ ધર્મના છે. આ ઘટના સવારે 10:30 વાગ્યે સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ભટ્ટિયાની ચોહટ્ટામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. શિક્ષક ઘાયલ વિદ્યાર્થીને મહારાણા ભૂપાલ (એમબી) હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલાં હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોળ, અશ્વિની બજાર, બાપુ બજાર અને ઘંટાઘર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી. ધીરે ધીરે આ ઘટના હિંસક બની ગઈ. અગમચેતીના ભાગરૂપે પોલીસકર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું- હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. બંને વિદ્યાર્થી એક જ વર્ગમાં અભ્યાસ કરે છે
જિલ્લા શિક્ષણાધિકારી લોકેશ ભારતીએ જણાવ્યું- બંને સગીરોની ઉંમર 15 વર્ષની આસપાસ છે. બંને એક જ વર્ગમાં ભણે છે. બંને વચ્ચે અગાઉ કયો વિવાદ થયો એની કોઈ માહિતી નથી. બપોરે લંચ દરમિયાન સ્કૂલની બહાર બંને વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજાને બે-ત્રણ વાર છરીના ઘા મારીને ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ ચીસો પાડવાનું શરૂ કરતાં શિક્ષકો બહાર દોડી આવ્યા હતા. બાળકનાં પરિવારજનોને ઘટનાની માહિતી મળતાં તેઓ એમબી હોસ્પિટલ પહોંચ્યાં હતાં. આટલું જ નહીં, હિન્દુ સંગઠનોના લોકો હોસ્પિટલ પહોંચ્યા ને સૂત્રોચ્ચાર કર્યા તેમ જ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. બંને અભ્યાસમાં સારા છે, ક્યારેય લડતા જોયા નથી
પ્રિન્સિપાલ ઈશા ધર્માવતે જણાવ્યું - લંચની લગભગ 5થી 7 મિનિટ પછી અચાનક કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલની બહારથી બૂમો પાડતા અંદર દોડી આવ્યા. મેં તરત જ બહાર જઈને જોયું અને આશ્ચર્યચકિત થઈ ગઈ. વિદ્યાર્થી ઘાયલ હાલતમાં હતો. સ્ટાફ તેને તાત્કાલિક મારા સ્કૂટર પર બેસાડીને હોસ્પિટલ લઈ ગયો. બંને વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા છે. આ પહેલાં બંનેને ક્યારેય સ્કૂલમાં ઝઘડતા જોયા કે સાંભળ્યા નથી. આ પ્રકારની ઘટનાથી અમને પણ આશ્ચર્ય થયું. ઘટના બાદની સ્થિતિ...જુઓ તસવીરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.