EDITOR'S VIEW: પ.બંગાળના CMમાં મમતાની ઉણપ!:કોલકાતા રેપ-મર્ડર કેસે 51 વર્ષ જૂના કેસની યાદ અપાવી, મુંબઈ હોય કે દિલ્હી મહિલાઓ માટે કંઈ નથી બદલાયું, પહેલી સુનાવણીમાં જ કોલકાતા હાઈકોર્ટની લાલ આંખ - At This Time

EDITOR’S VIEW: પ.બંગાળના CMમાં મમતાની ઉણપ!:કોલકાતા રેપ-મર્ડર કેસે 51 વર્ષ જૂના કેસની યાદ અપાવી, મુંબઈ હોય કે દિલ્હી મહિલાઓ માટે કંઈ નથી બદલાયું, પહેલી સુનાવણીમાં જ કોલકાતા હાઈકોર્ટની લાલ આંખ


1973માં એટલે કે આજથી 51 વર્ષ પહેલાં મુંબઈની કેઈએમ હોસ્પિટલની એક નર્સ પર રેપ થયો હતો અને એ નર્સ એ પછીના 42 વર્ષ સુધી કોમામાં રહી હતી. આ ભારતનો જ નહીં, દુનિયાનો અજીબ કિસ્સો હતો. એ નર્સ પર રેપ કરનાર ત્યાંનો સાથીદાર એક સ્વિપર હતો. 2012માં દિલ્હીમાં નિર્ભયાકાંડ બન્યો અને હવે 2024માં કોલકાતામાં ફરી એકવાર એક ડોક્ટર યુવતી પર રેપ થયો. માત્ર રેપ નથી થયો. આ બહુ ભયંકર હત્યા છે. મા, માટી, માનુસના રાજકીય નારાથી જાણીતાં મમતા બેનર્જી બંગાળનાં મુખ્યમંત્રી છે પણ મા નથી. કોલકતાની ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. દેશના 3 લાખથી વધારે રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર છે. આટલું બધું થયું છતાં મમતા બેનર્જી કોલેજના પ્રિન્સીપાલ, આરોપી સંજય અને તેની સાથેના સાગરિતોને બચાવવા હવાતિયાં મારી રહી છે. મમતાને લાગ્યું કે બાજી હાથમાંથી નીકળી ગઈ છે એટલે હવે પોતે પણ ઘટનાના વિરોધમાં રેલી કરવાનાં છે. નમસ્કાર, દિલ્હીની નિર્ભયા ઘટના 2012માં બની હતી. આજે પણ લોકો એ ઘટના ભૂલ્યા નથી. કારણ કે લોકો કોલકાતાની ટ્રેઈની ડોક્ટર સાથે રેપ વીથ મર્ડરની ઘટનાને નિર્ભયા કરતાં પણ ક્રૂર ઘટના બતાવી રહ્યાં છે. વાત ખોટી પણ નથી. આ ઘટના એટલી ખરાબ છે કે, લોકો ધારશે તો પણ મગજમાંથી કાઢી નહીં શકે. મમતા સરકારના ઢીલા વલણ સામે ઘણા સવાલો પેદા થયા છે. કોલકાતા હાઈકોર્ટે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને મમતા સરકારને બરાબરની ઝાટકી છે. કોર્ટે જ સીબીઆઈને તપાસ સોંપી દીધી છે. મા-બાપે દીકરી ગુમાવી, દેશે ભવિષ્યની ડોક્ટર ગુમાવી પણ ઘટનાથી દેશ આખાની આંખ ઉઘડી ગઈ છે. 10 પોઈન્ટમાં સમજો કોલકાતાનો ઘટનાક્રમ... હોસ્પિટલના સત્તાધિશોએ પરિવારને કહ્યું હતું કે, દીકરીએ આત્મહત્યા કરી છે
આ ઘટનામાં હોસ્પિટલ પ્રશાસન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. 9 ઓગસ્ટના રોજ સવારે તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યા બાદ વહિવટી તંત્ર પીડિતાના પરિવાર સાથે ખોટું બોલ્યું હતું. હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટે પહેલાં ટ્રેઇની ડોક્ટરના પરિવાર સાથે વાત કરી. તેણે કહ્યું હતું- તમારી દીકરીએ આત્મહત્યા કરી છે. ટ્રેઈની ડૉક્ટરના માતા-પિતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ 3 કલાક સુધી બેસાડી રખાયા. પરિવારે ખૂબ વિનંતી કરી પછી હોસ્પિટલના તંત્રે ડોક્ટરનો મૃતદેહ જોવાની મંજૂરી આપી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં 5 ખુલાસા થયા રેપ વીથ મર્ડરનો આરોપી સંજય રોય પોલીસનો ડ્રેસ પહેરીને રોફ જમાવતો
સંજય રોય એક પ્રકારે 'સાઈકો કિલર' જેવી વ્યક્તિ છે. આરોપી સંજય ચાર-ચાર લગ્ન કરી ચૂક્યો છે અને તેના ખરાબ વર્તનના કારણે ત્રણ પત્નીઓ તો છોડીને જતી રહી છે. ચોથી પત્નીનું ગયા વર્ષે કેન્સરથી મોત થઈ ગયું છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, સંજયના પાડોશીઓએ કહ્યું કે, તે રોજ રાત્રે ઘરે મોડેથી આવતો હતો. મોટાભાગે દારૂના નશામાં જ રહેતો હતો. નશો અને ખરાબ વર્તનના કારણે પત્નીઓ તેને છોડીને જતી રહી હતી. પહેલી પત્ની છોડીને જતી રહી પછી સંજયે બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીને ત્રણ મહિનાનો ગર્ભ હતો ત્યારે મિસકેરેજ થઈ ગયું હતું. એ વખતે સંજયે તેની પત્નીને ખૂબ માર માર્યો હતો. એ વખતે કાલીઘાટ પોલીસ સ્ટેશનમાં સંજય વિરૂદ્ધ ગુનો પણ દાખલ થયો હતો. સંજયના પાડોશીઓએ કહ્યું કે, સંજય રોય ઘણીવાર પોલીસનો ડ્રેસ પહેરીને રોફ જમાવતો. ક્યારેક આર્મી જેવો ડ્રેસ પહેરતો. તેની બે બહેનો પણ પોલીસમાં છે. સંજય સાથે પોલીસ ડ્રેસમાં તેના કોઈ સર હતા, તે અને સંજય સતત સાથે રહેતા હતા. બ્લૂ ટૂથ ઈયરફોનના આધારે પકડાયો આરોપી સંજય
સંજય પર શું રાક્ષસ સવાર થયો કે તે 8 ઓગસ્ટની રાત્રે મેડિકલ કોલેજમાં પ્રવેશ્યો ને ટ્રેઈની ડોક્ટર પર રેપ કરીને મર્ડર કરી નાખ્યું. તે જે રાત્રે પ્રવેશ્યો ત્યારના સીસીટીવી ફૂટેજ તપાસ કરતાં તે એન્ટ્રી કરતો જોવા મળે છે. તેના ગળામાં બ્લૂ ટૂથ ઈયરફોન પહેરેલું હતું. 40 મિનિટ પછી તો બિલ્ડીંગમાંથી બહાર નીકળે ત્યારે ઈયરફોન ગાયબ હતું. પોલીસને ટ્રેઈની ડોક્ટરના મૃતદેહ પાસે એ બ્લૂ ટૂથ ઈયરફોન પડ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે, બ્લૂ ટૂથ ડિવાઈઝ સંજયના મોબાઈલ સાથે કનેક્ટ હતું. કોલકાતા પોલીસે સંજયના મોબાઈલની તપાસ કરી તો ખબર પડી કે તેના ફોનમાં હિંસક અને અશ્લિલ વીડિયો ક્લિપની ભરમાર હતી. તેણે કોઈ પસ્તાવા વગર ગુનો કબૂલી લીધો ને પોલીસને કહ્યું, તમે ઈચ્છો તો મને ફાંસી આપી શકો છો. 14 ઓગસ્ટની રાત્રે એ જ હોસ્પિટલમાં તોડફોડ થઈ, ડોક્ટરો પર હુમલા થયા
કોલકાતાની આર.જી.કર હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે ટોળું ઘૂસી ગયું હતું ને વિરોધ કરતું હતું. એવામાં બીજું ટોળું પણ આવ્યું ને તેણે હોસ્પિટલમાં ઘૂસીને ઉત્પાત મચાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ આ હોસ્પિટલના દરવાજા, બારી, બેડ, મેડીકલ સાધનો તોડીફોડી નાંખ્યા હતા અને હાજર ડોક્ટરો સાથે પણ મારામારી કરી હતી. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે મીડિયાને કહ્યું કે, હોસ્પિટલમાં તહેનાત પોલીસ કર્મચારીઓની સંખ્યા ઓછી હતી. જેના કારણે અહીં ભીડ બેકાબૂ બની ગઈ. પોલીસે ભીડને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો ને ટીયર ગેસના સેલ પણ છોડ્યા. પોલીસ કમિશનર ગોયલે એવો આરોપ પણ લગાવ્યો કે, મીડિયાએ ફેલાવેલી અફવાના કારણે આવું થયું છે. આ પછી પણ ખોટી અફવાઓ ફેલાવાતી રહી. ઘટનામાં મમતા સરકાર કોને બચાવી રહી છે? લોકોને 5 સવાલના જવાબ મળતા નથી
1. ટીએમસીના મોટા નેતા કેમ સામે નથી આવતા? : દેશભરમાં લાખો રેસિડન્ટ ડોક્ટરો વિરોધ કરે છે તો આ ઘટના પર ટીએમસીના મોટા નેતા કેમ સામે નથી આવતા? ટીએમસીના મોટાં નેતામાંના એક કાકોલી ઘોષ અને તેના પતિ બંને આર.જી. કર મેડિકલ કોલેજના એલ્યુમિનિયાઈ છે, તો પછી આ ઘટના પર મૌન કેમ છે? લોકસભામાં જોરજોરથી સવાલ પૂછતાં ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાને ટ્વિટર પર કોઈ પત્રકાર સવાલ પૂછે છે તો તેને બ્લોક કરી દે છે. આવી હરકતોથી ટીએમસી નેતાઓ અને મમતા સરકાર પર કાંઈક છુપાવવાની શંકા દ્રઢ બને છે. 2. ઘટના સ્થળને સીલ ન કર્યું, બીજા રૂમમાં કન્સ્ટ્રક્શન કામ શરૂ કરી દીધું: કોલકત્તાની આર.જી.કર મેડિકલ કોલેજ- હોસ્પિટલના હડતાલ પર ઉતરેલા ડોક્ટરોએ મીડિયાને એવું કહ્યું હતું કે, હોસ્પિટલના જે સેમિનાર હોલમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે સેમિનાર હોલને પોલીસે સીલ કેમ ન કર્યો? પોલીસ પુરાવા ભૂંસવા માગતી હતી? એનાથી ય આગળ ચોંકાવનારી વાત એ છે કે, સેમિનાર હોલની બાજુના રૂમમાં રિપેરિંગ કામ થવાનું હતું તો તે રોક્યું કેમ નહીં? તરત સેમિનાર હોલની બાજુના રૂમમાં કન્સ્ટ્રક્શન કામ કેવી રીતે શરૂ કરી દીધું? સીધી વાત છે કે, પુરાવા સાથે છેડછાડ કરવાના ઈરાદે જ આવું થયું છે. 3. પ્રિન્સીપાલ પર આટલી દયા કેમ? રાજીનામું કેમ ન સ્વિકાર્યું?: મમતા બેનર્જી સરકાર પર આ કેસમાં માછલાં ધોવાઈ રહ્યાં છે ને એ ખોટાં પણ નથી. આર.જી. કર મેડિકલ કોલેજના પ્રિન્સીપાલ સંદીપ ઘોષ પર અગાઉ પણ ભ્રષ્ટાચારના ઘણા આરોપ લાગ્યા છે. છતાં ઘોષબાબુ કોલેજના પ્રિન્સીપાલ તરીકે મનમરજી ચલાવતા હતા. હદ તો ત્યારે થઈ કે, રેપ વીથ મર્ડરની ઘટના પછી જ્યારે સંદીપ ઘોષે રાજીનામું આપ્યું તો મમતા સરકારે મમત્વ બતાવી તેનું રાજીનામું સ્વિકાર્યું નહીં ને બીજી કોલેજના પ્રિન્સીપાલ બનાવી દીધા. ટીએમસીના એન્ટલી સીટના ધારાસભ્ય સ્વર્ણ કમલ સાહા આ મામલે ખુલીને સામે આવ્યા છે. તેણે મીડિયાને એવું કહ્યું કે, આ ડોક્ટર પ્રિન્સીપાલ સંદીપ ઘોષનું વર્તન ડોક્ટરો સાથે જરાપણ સારું નહોતું. ડોક્ટરો અને ટ્રેઈની ડોક્ટરોને તે રીતસર હડધૂત કરતા. કોઈપણ ડોક્ટર તેને એપોઈન્મેન્ટ વગર મળી શકતા નહોતા. જો કોઈ ડોક્ટર એપોઈન્મેન્ટ વગર ચેમ્બરમાં જાય તો તેને કલાકો સુધી બહાર ઊભા રખાતા હતા. 4. આત્મહત્યા કરી છે, તેવું કહીને ઢાંક પિછોડો કરવાની કોશિશ કેમ થઈ? : મીડિયા જ્યારે એ યુવતીના ઘર પાસે પહોંચ્યું ત્યારે પાડોશી મહિલાએ એ દિવસની આપવીતિ જણાવી. તેણે કહ્યું કે, સવારે સાડા દસ વાગ્યાની આસપાસ મૃતક યુવતીની માતા મારે ત્યાં રડતાં રડતાં આવી ને ભેટીને કહેવા લાગી કે, બધું ખતમ થઈ ગયું. મારી દીકરીએ આત્મહત્યા કરી દીધી. મને પણ નવાઈ લાગી. એ છોકરી આત્મહત્યા કરી લે એવું તો કાંઈ હતું નહીં. યુવતીના માતા-પિતા, અમારા એક પાડોશી ને હું પણ પાડોશી તરીકે હોસ્પિટલે ગઈ. અમને ત્રણ કલાક તો બેસાડી રાખ્યા. પછી એક પોલીસે સેમિનાર હોલમાં જઈને ફોટો પાડીને અમને બતાવ્યો. એ જોઈને મગજ સુન્ન થઈ ગયું. આંખમાંથી, મોઢાંમાંથી લોહી નીકળતું હતું. બેડ મોટો હતો તેના પર સૂતેલી અવસ્થામાં હતી. શરીર પર કપડાં નહોતાં. એક પગ બેડની આ તરફ અને બીજો પગ બેડની બીજી તરફ લટકતો હતો. આટલી ક્રૂરતાથી કૃત્ય કર્યું? પેલ્વિક ગર્ડલ ન તૂટે ત્યાં સુધી આ દશા ન આવે. 5. સીબીઆઈને તપાસ સોંપવામાં મોડું કેમ થયું? : ઘટના જેટલી વિકૃત અને ગંભીર હતી તે જોતાં એક મહિલા મુખ્યમંત્રી પાસેથી આશા હોય કે, તેના રાજ્યમાં બનેલી આ ઘટના માટે તાત્કાલિક જે થાય તે પગલાં લેવા જોઈએ. પણ એવું થયું નહીં. તરત જ તપાસ સીબીઆઈને સોંપવાના બદલે એમ કહ્યું કે, અઠવાડિયામાં પોલીસ કાંઈ ન કરી શકે તો સીબીઆઈને તપાસ સોંપવામાં આવશે. કોલકાતા હાઈકોર્ટે લાલ આંખ કરી- પહેલી સુનાવણી
કોલકાતાની ટ્રેઈની ડોક્ટર પર રેપ અને પછી મર્ડરનો કેસ 13 ઓગસ્ટે જ કોલકાતા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસે રાજ્ય સરકારને બરાબર આડે હાથ લીધી હતી. ચીફ જજ : આર.જી.કેર કોલેજના પ્રિન્સીપાલ સંદીપ ઘોષનું નિવેદન લીધું છે? રાજ્ય સરકાર : ના. અમે તેમને જાણ કરી છે. હવે નિવેદન લેશું. ચીફ જજ : તમે પ્રિન્સીપાલ સામે કોઈ પગલાં કેમ ન લીધાં? રાજ્ય સરકાર : એમણે રાજીનામું આપ્યું છે પણ અમે તેની બદલી બીજી કોલેજમાં કરી નાંખી છે. ચીફ જજ : બદલી શું કામ? પ્રિન્સીપાલ સંદીપ ઘોષે લાંબી રજા લેવાની જરૂર છે. તો તમે એ નથી કરી શકતા તો અમે આદેશ આપીને તેને રજા પર ઉતારી દઈએ. રાજ્ય સરકાર : જી જસ્ટીસ શિવગમન : પ્રાથમિક રીતે તો આમાં હજી તપાસ કાંઈ થઈ જ નથી. તમે કરો છો શું? સીબીઆઈને તપાસ સોંપી? રાજ્ય સરકાર : અઠવાડિયામાં પોલીસ તપાસ નહીં કરી શકે તો સીબીઆઈને તપાસ આપીશું. જસ્ટીસ શિવગમન : સીબીઆઈને તપાસ સોંપવાની રાહ કેમ જુઓ છો? કોર્ટ જ ઓર્ડર કરે છે કે, આ કેસની તપાસ સીબીઆઈ કરશે. કોલકાતા હાઈકોર્ટે લાલ આંખ કરી- બીજી સુનાવણી
​​​​​​​કોલકાતાની હોસ્પિટલમાં હજારોનું ટોળું ધસી ગયું ને તોડફોડ કરી. આ મામલે પણ કોર્ટમાં સુનાવણી થઈ. ત્યારે પણ કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. સરકારી વકીલ રંજન ભટ્ટાચાર્ય : ટોળાંએ હુમલો કર્યો ત્યારે હોસ્પિટલમાં પોલીસ હાજર હતી. કોર્ટ : પોલીસ પોતાના જ લોકોની રક્ષા ન કરી શકી, એ કમનસીબી છે. આવી ઘટના પછી ડોક્ટર્સ નીડર બનીને કેવી રીતે કામ કરશે? સરકારી વકીલ : લોકો બહુ મોટી સંખ્યામાં અચાનક આવી ગયા હતા. કોર્ટ : આમ તો તમે ગમે ત્યારે 144મી કલમ લાગૂ કરી દો છો. આવી ઘટના બની તો તમને લોકોના રોષનો અંદાજ હોવો જોઈએ. તમારે પહેલેથી જ ઘેરાબંધી કરવાની જરૂર હતી. 12-15 લોકો ઘૂસી જાય તો સમજી શકાય. 7 હજાર લોકો પગપાળા આવી જાય ને પોલીસને ખબર ન હોય એ વાતમાં દમ નથી. તમારાથી સુરક્ષામાં ચૂક થઈ છે. સરકારી વકીલ : હવે સ્થિતિ કાબૂમાં છે. તોડફોડ કરનારાની ઓળખ થઈ ગઈ છે ને ધરપકડ પણ થઈ છે. કોર્ટ : ચાલો, દરેક દર્દીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી દઈએ. હોસ્પિટલ બંધ કરી દો. આ જ સૌથી સારો રસ્તો છે. દેશભરમાં હડતાલના સાત દિવસ
​​​​​​​કોલકાતાની ઘટનાને લઈને ન માત્ર કોલકાતામાં જ નહીં, પણ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. 11 ઓગસ્ટે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FRODA) અને રેસિડેન્ટ ડોક્ટરોની સંસ્થાઓએ 12 ઓગસ્ટથી દેશભરમાં હડતાળ શરૂ કરી છે. કોલકત્તા, મહારાષ્ટ્ર, દિલ્હી, લખનૌ, ચંદીગઢથી શરૂ થયેલી હડતાલ વિસ્તરતી જાય છે. ગુજરાતમાં પણ હડતાલ, ખાનગી ડોક્ટરોની પણ પહેલ
​​​​​​​કોલકતાની ઘટનાના નિર્ણયના પગલે ગુજરાતમાં પણ શુક્રવારે રેસિડન્ટ ડોક્ટરોએ હડતાલ શરૂ કરી છે. દેશભરના અને ગુજરાતના ડોકટરોની એક જ માગણી છે કે, આરોપીને ફાંસી મળે. બીજું, દેશની તમામ હોસ્પિટલોમાં ટ્રેઈની અને લેડી ડોક્ટરોની સુરક્ષાનું શું? દિવ્ય ભાસ્કરે જ્યારે ગુજરાતના ચાર શહેરોની લેડી રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે વાત કરી ત્યારે એ બધાનો એક જ સૂર હતો કે, જેણે MBBS-MD કરવા માટે જિંદગીનાં 10 વર્ષ આપ્યાં છે, એ વ્યક્તિ સાથે આવું થાય તો કાલે બીજી દીકરીઓ પણ આમાં જતાં અચકાશે. સરકારી હોસ્પિટલમાં વોશરૂમનો થોડો ઇસ્યુ છે. જોકે મને કોઈ એવો અનુભવ થયો નથી, પરંતુ ઘણીવાર નાના બનાવ બનતા હોય છે, એ અમે સ્ટુડન્ટ લેવલ પર જ સોલ્વ કરી લઈએ છીએ, પણ જ્યારે 1500 લોકો આવી જાય ત્યારે અમને શું સુરક્ષા મળશે? દરેક કોલેજ, હોસ્પિટલોમાં ખૂણે ખૂણે સીસીટીવી હોવા જોઈએ. ઉત્તરાખંડમાં પણ નર્સની હત્યા, કંકાલ યુપીમાં મળ્યું
​​​​​​​ઉત્તરાખંડમાં પણ એક નર્સની રેપ પછી હત્યા કરી દેવામાં આવી છે. 8 દિવસ પછી તેના મૃતદેહનું કંકાલ યુપીના બિલાસપુરના જંગલમાંથી મળી આવ્યું. આરોપીને ઝડપી લેવા માટે પોલીસે લગભગ 500 સીસીટીવી ચેક કર્યા. જેમાં બે સીસીટીવીમાં એક વ્યક્તિ નર્સનો પીછો કરતો જોવા મળે છે. પોલીસે રાજસ્થાનના આરોપી ધર્મેન્દ્રને ઝડપી લીધો છે. પણ આ ઘટના કોલકાતાની ઘટના પહેલાંની છે. 30 જુલાઈએ ઉત્તરાખંડની નર્સ ગાયબ થઈ ગઈ હતી. હવે તારીખનો દુ:ખદ યોગ જુઓ. 8 ઓગસ્ટે નર્સનું કંકાલ મળ્યું ને 8 ઓગસ્ટની રાતે જ કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરનો રેપ અને હત્યા થઈ. તમિલનાડુમાં પણ ટ્રેઈની ડોક્ટરની છેડતી
14 ઓગસ્ટની રાત્રે કોઈમ્બતુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ ટ્રેઈની ડોક્ટર સાથે છેડતીની ઘટના બની હતી. બુધવારે રાત્રે લગભગ 9 વાગ્યે, ટ્રેઈની ડૉક્ટર ડીનની ઓફિસ પાસે પાર્ક કરેલું પોતાનું સ્કૂટર લેવા ગઈ હતી. ત્યાં એક 25 વર્ષનો યુવક ઊભો હતો. તેણે ટ્રેઈની ડોક્ટરની સામે તેનું પેન્ટ ઉતાર્યું અને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. ટ્રેઈની ડોક્ટર તેને ધક્કો મારીને હોસ્પિટલ કેમ્પસમાં તેની હોસ્ટેલ તરફ ભાગી. આ દરમિયાન આરોપી પણ ત્યાંથી ભાગી ગયો હતો. છેલ્લે, શરૂઆતમાં વાત કરી તેમ, અરૂણા શાનબાગ નામની નર્સ પર જ્યારે રેપ થયો હતો. તેના પરથી ગુજરાતીમાં જે નવલકથા લખાઈ હતી. એનું નામ હતું- જડ ચેતન. એનો એક વાચક લેખકને સતત ફોન કરતો હતો ને પૂછતો હતો કે આનું શું થવાનું છે? એ વાચક જીવલેણ બીમારીથી પીડાતો હતો અને હોસ્પિટલના બિછાનેથી ફોન કરતો હતો. કારણ કે એને પોતાને પણ ખબર નહોતી કે એ કેટલું લાંબું જીવવાનો છે. એક સ્ત્રી પરના અત્યાચાર પછી એ વાચકની કરુણતા કેટલી એની સાથે જોડાયેલી હતી, આ એનું ઉદાહરણ હતું. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.