રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 400 જેટલા રેસિડેન્ટ ડોકટરોની હડતાળ - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 400 જેટલા રેસિડેન્ટ ડોકટરોની હડતાળ


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આશરે 400 જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતરી ગયા છે. ઇમરજન્સી સિવાયની સેવાથી જુનિયર ડોક્ટરો અલિપ્ત રહેશે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ હોવાના ક્રૂર બનાવને લઈ તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે.
આ અંગે વિસ્તૃત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના કોલકાતાની સરકારી આર.જી. કર હોસ્પિટલના સેમિનાર હોલમાં ગયા શુક્રવારે સવારે પોસ્ટ-ગ્રેજ્યુએટ કરતી ટ્રેની ડોક્ટરની લાશ મળી હતી. જેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ઇજાના નિશાન હતા. તપાસમાં દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું. કોલકાતા પોલીસે આ કેસના મુખ્ય આરોપી સંજય રોયની ગત શનિવારે તેના ઘરેથી જ ધરપકડ કરી લીધી હતી.
કડક કલમો સાથે ગુનો દાખલ કરાયો હતો. જોકે, કડક પોલીસ કાર્યવાહી બાદ દેશભરમાં ડોક્ટરો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 400 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે.
આજે સવારે 9.30 વાગ્યાથી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ તમામ ડોકટર પીડિયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. કોલેજ બહાર પ્રદર્શન કર્યું છે. સાંજે માર્ચ કાઢવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટરો આજે આખો દિવસ ઈમરજન્સી સિવાયની સેવાથી અલિપ્ત રહેશે.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડીંનેટર અને ફોરેન્સિક વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું કે, ઇમરજન્સી વિભાગમાં રેસિડેન્ટ ડોકટર સેવા પર છે. જેથી ત્યાંની સ્થિતિ રાબેતા મુજબ જ રહેશે. જ્યારે ઓપીડી સહિતના બીજા વિભાગોમાં દર્દીઓ માટેની સેવા ખોરવાઈ નહીં તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરોને દર્દીની સેવામાં ફરજ સોંપાઈ છે.
ઉપરાંત વહીવટી પ્રક્રિયામાં રોકાયેલા મેડિકલ ઓફિસરોને પણ દર્દીઓની સારવારમાં લગાવાયા છે. જ્યારે વહીવટી કાર્યો માટે ફોરેન્સિક વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. એકંદરે આરોગ્ય સેવામાં કોઈ ખામી ન રહે તેવી વ્યવસ્થા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.