પૈસાની ઉઘરાણીમાં પોલીસ પુત્રો વચ્ચે ડખ્ખો: જમાદારના પુત્ર પર બે પોલીસમેન પુત્ર સહિત ત્રણનો હુમલો - At This Time

પૈસાની ઉઘરાણીમાં પોલીસ પુત્રો વચ્ચે ડખ્ખો: જમાદારના પુત્ર પર બે પોલીસમેન પુત્ર સહિત ત્રણનો હુમલો


રાજકોટમાં વિષ્ણુવિહાર સોસાયટી મોડી રાત્રે પૈસાની ઉઘરાણીમાં પોલીસ પુત્રો વચ્ચે ડખ્ખો થતાં છરીઓ ઉડી હતી. ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવતાં જયપાલસિંહ ઝાલાના પુત્રએ પોલીસમેન પુત્રને આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં મામલો બીચકયો હતો અને કોલેજીયન યુવક પર છરીથી હુમલો કરી દેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે પોલીસ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ બિલ્ડીંગમાં રહેતાં જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અયાન આરીફ લંજા, યશુ પ્રવિણ દવેરા અને શાહરૂખનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે બીએનએસ એક્ટ 117(2), 115(2), 352, 351 (2), 54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ.માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજના સાતેક વાગ્યે તે તેમના મિત્ર હર્ષિતસિંહ ચુડાસમા સાથે બાઇકમાં ઘરેથી વિષ્ણુવિહાર સોસાયટી સામે આવેલ સેવક પાન-ફાકીની દુકાને બેસવા ગયેલ હતા. જ્યાં અન્ય મિત્ર રોહિતભાઇ ડાભી સાથે ત્રણેય મિત્રો બેસેલ હતાં.
તે વખતે તેમના ઓળખીતા મિત્રો અયાન લંજા, પ્રવીણ દવેરા અને શાહરૂખ ત્યાં દશેક વાગ્યાની આસપાસ ઘસી આવેલ હતાં. પંદર દિવસ પહેલા મિત્ર અયાન લંજાને રૂ.1.15 લાખ આપેલ હતા. જેમાંથી રૂ.40 હજાર પરત આપી દિધેલ અને રૂ.75 હજાર લેવાના બાકી હોય જેથી તેને પૈસા આપી દેવાનું કહેતાં તે ઉશ્કેરાઇ જઈ ગાળો દેવા લાગેલ અને તેની સાથે આવેલ યશુ દવેરા ઢિકાપાટુનો માર મારવા લાગેલ હતો.
દરમિયાન અયાને પોતાની પાસે રહેલ છરી વડે ઘા ઝીંકી મને કહેલ કે, આજ તો તને જાનથી મારી નાખવો છે. તેમજ શાહરૂખએ પણ ગાળો આપી ઢિકાપાટુનો મારમારવા લાગતાં લોકો દોડી આવ્યા હતાં અને ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદી યુવકના પિતા શહેર પોલીસમાં ડોગ સ્ક્વોડ વિભાગમાં ફરજ બજાવે છે. તેમજ આરોપી આયાનના પિતા આરીફભાઈ લંજા હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ અને યશુના પિતા પ્રવીણભાઈ દવેરા પણ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.