રાજકોટમાં 22 વર્ષીય યુવતીએ ઝેર પી અને 18 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
આપઘાત કરવું એ સામાન્ય બાબત બની ગઈ હોય તેમ રોજબરોજ આપઘાતના બનાવ સામે આવતા હોય છે. આજે રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે જેમાં છેલ્લા 24 કલાકની અંદર 22 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી અને 18 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે, બંને ઘટનામાં પરિવારજનો કારણ જાણતા ન હોવાથી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના બેડી ચોક પાસે વેલનાથપરા શેરી નંબર-27માં રહેતાં દિવ્યા મનજીભાઈ વાણવા (ઉ.વ.22) કાલાવડ રોડ પર આવેલ મેટોડા સ્થિત મોન્જીનીસ કંપનીમાં નોકરી કરતી હોય. જેથી, ગઈકાલે સવારે ઘરેથી નોકરી પર કંપનીની બસમાં જતી હતી ત્યારે ઇન્દિરા સર્કલ પાસે પહોંચતા તેણીએ તેના બનેવીને ફોન કરી ઝેરી દવા પી લીધાની જાણ કરી હતી. ત્યારબાદ તેના બનેવીએ કટારીયા ચોકડી પાસે બસ રોકાવી દિવ્યાને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં રાજકોટ શહેરના વિદ્યાનગર સોસાયટીમાં આવેલ રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતાં શનિ રંગબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.18) નામનાં યુવકે ગઈકાલ રાત્રીના 8 વાગ્યાં આસપાસ પોતાનાં ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેને તેમના ભાભી લટકેલ હાલતમાં જોઈ જતાં દેકારો મચાવતાં પરિવારજનો એકઠા થયા હતા અને યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ યુવકે દમ તોડી દીધો હતો. યુવક સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો. ગઈકાલે સાંજે યુવક દશામાંના મંદિરે દિવાબતી કરી ઘરે પરત આવ્યો બાદ આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.