મલેશિયાની રાણી- સુપર મોડલ, જેની હત્યા કરી દેવાઈ:ઝાડ પરથી સડી ગયેલી લાશ મળી, મેલી વિદ્યાની શંકામાં મહેલમાં કાવતરું ઘડાયું - At This Time

મલેશિયાની રાણી- સુપર મોડલ, જેની હત્યા કરી દેવાઈ:ઝાડ પરથી સડી ગયેલી લાશ મળી, મેલી વિદ્યાની શંકામાં મહેલમાં કાવતરું ઘડાયું


જાન્યુઆરી 2002ની આ વાત છે... મલેશિયાના 62 વર્ષીય રાજા જફર મુદા મુસાએ 26 વર્ષીય મલેશિયાની પ્રખ્યાત સુપર મોડલ હસ્લેજા ઈશાક સાથે થાઈલેન્ડમાં બીજી વખત લગ્ન કર્યાં. રાજવી રિવાજો અનુસાર લગ્ન બાદ હસ્લેજાને મલેશિયાની રાણીનો દરજ્જો મળ્યો હતો. હસ્લેજાને રાજાની પહેલી પત્ની રાણી નોર મહાની સાથે શાહી મહેલમાં રાખવામાં આવી હતી. રાજા અને હસ્લેજાના લગ્નને હજુ માત્ર થોડાં અઠવાડિયાં જ વીત્યાં હતાં અને મહેલમાં કેટલીક વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. મોડી રાત થતાં જ મોટી રાણીને મહેલમાં બાળકના રડવાનો અવાજ સંભળાવા લાગતો હતો, જો કે મહેલમાં કોઈ બાળક ન હતું. મહેલમાં કપાયેલા માથાવાળાં પક્ષીઓ મળવાનું પણ સામાન્ય બની ગયું હતું. ક્યારેક મહેલની છત પર લોહીના ડાઘવાળાં સેનિટરી પેડ જોવા મળતાં, તો ક્યારેક વાંસ ટકરાવાના અવાજો મોટી રાણીને તંગ કરતા હતા. માત્ર થોડા મહિનાઓ જ વીત્યા હતા અને ઓક્ટોબર 2002માં, મલેશિયાની સુપરમોડલ ગણાતી નાની રાણીની સડી ગયેલી લાશ તાઈપિંગમાં એક ઝરણા પાસેના ઝાડ પર મળી આવી હતી. તેના હાથ-પગ બાંધેલા હતા અને ગળું કાપી નાખવામાં આવ્યું હતું. હસ્લેજાની હત્યા બાદ જે ખુલાસો થયો તેનાથી રાજવી પરિવારના કૌભાંડે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો. આજે, ‘વણકહી વાર્તા’નાં 3 પ્રકરણોમાં, પરીકથા જેવું જીવન જીવતી રાણી હસ્લેજા, મેલી વિદ્યા, રાજવી પરિવારનું કૌભાંડ અને દર્દનાક હત્યાની ભયાનક સત્યકથા વાંચો. હસ્લેજા ઈશાકનું આખું નામ ચે પુઆન હસ્લેજા ઈશાક હતું. તેનો જન્મ 1976માં મલેશિયામાં થયો હતો. ફિલ્મ કે મલેશિયાના ઈતિહાસમાં ક્યાંય હસ્લેજા ઈશાકના જન્મ સાથે જોડાયેલી વધુ માહિતી નથી. જો કે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તેણી એક સમૃદ્ધ પરિવારની હતી. પોતાની સુંદરતાના કારણે હસ્લેજાએ નાની ઉંમરમાં જ ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો અને મોડલિંગની દુનિયામાં નામ બનાવ્યું. મોટા મોડલિંગ પ્રોજેક્ટ્સની સાથે તેને ફિલ્મની ઑફર્સ પણ મળવા લાગી. 90ના દાયકાના અંત સુધીમાં, હસ્લેજાએ સમગ્ર મલેશિયામાં પ્રસિદ્ધિ મેળવી. દરમિયાન, તેણે મલેશિયાના કિંગ રાજા જફર રાજા મુદા મૂસા સાથે લગ્ન કર્યાં. રાજાને હસ્લેજા એટલી ગમી ગઈ કે તેણે હસ્લેજા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તેમ છતાં કે, રાજા મુદા પહેલાથી જ પરિણીત હતા અને હસ્લેજા કરતાં 36 વર્ષ મોટા હતા. આ બધું હોવા છતાં હસ્લેજાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. રાજા મુદા સાથે હસ્લેજાનાં લગ્ન થાઈલેન્ડમાં શાહી રિવાજો અનુસાર થયાં હતાં, ત્યારબાદ તેને મલેશિયાની રાણી જાહેર કરવામાં આવી હતી. રાજવી પરિવારમાં જોડાયા બાદ હસ્લેજાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. લગ્નને માત્ર 7 મહિના જ થયા હતા અને ઓક્ટોબરમાં એક દિવસ હસ્લેજા અચાનક ગુમ થઈ ગઈ. જ્યારે લાંબા સમય સુધી તેની કોઈ ભાળ ન મળી તો તેને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. તેવું સામે આવ્યું હતું કે, કેટલાક લોકોએ રાણીને છેલ્લે 6 ઓક્ટોબરે જોઈ હતી. પેરાનની રાજધાની ઇપોહમાં બે લોકો તેને બળજબરીથી ખેંચીને વાનમાં બેસાડી રહ્યા હતા. સ્થાનિક લોકોના નિવેદનથી પોલીસે અપહરણની દિશામાં તપાસ શરૂ કરી હતી. રાજવી પરિવારની સૌથી નાની રાણી હસ્લેજાના અપહરણથી સમગ્ર મલેશિયામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ પર તેને વહેલી તકે શોધવાનું દબાણ હતું. થોડા દિવસો પછી, રાણી હસ્લેજાની કાર મળી, જેમાં તેના કેટલાક વાળ, લોહીનાં નિશાન અને સિગારેટનાં 3 બટ્સ મળી આવ્યાં. લોહી મળ્યા બાદ પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે કદાચ તે હવે આ દુનિયામાં નથી. તપાસ ચાલુ હતી અને પાંચ દિવસ પછી, 11 ઓક્ટોબરના રોજ, મહેલથી થોડાક કિલોમીટર દૂર પ્રખ્યાત પર્યટન સ્થળ તાઈપિંગ વોટરફોલ પાસે એક ઝાડ પરથી એક મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તે સ્પષ્ટ હતું કે લાશ ઘણા દિવસોથી ઝાડ પર લટકતી હશે. જ્યારે મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો ત્યારે હાથ-પગ દોરડાથી બાંધેલા અને ગળાના ભાગે ચીરા મારવામાં આવ્યા હોવાનું જણાયું હતું. એ ડેડ બોડી બીજા કોઈ નહીં પણ મલેશિયાની રાણી અને સુપર મોડલ હસ્લેજા ઈશાકની હતી. રાની હસ્લેજાના શરીર સાથે કરવામાં આવેલી ક્રૂરતા જોઈને મલેશિયાના પોલીસ વડા નોરેન માયએ તેને 'ક્રાઇમ ઓફ પેશન' ગણાવ્યો હતો. હસ્લેજાનો મૃતદેહ મળ્યા બાદ શાહી પરિવાર ચર્ચામાં આવ્યો અને તપાસની ગતિ ઝડપી બની. પોલીસે મહેલમાં કામ કરતા 5 નોકરોની શંકાના આધારે ધરપકડ કરી હતી. નોકરોની ધરપકડ આ કેસમાં મહત્ત્વની કડી સાબિત થઈ હતી. ધરપકડ કરાયેલા 5 નોકરમાંથી 2 બોમોહજ હતા. બોમોહજ એ મલેશિયાના લોકો છે જેઓ ભૂત-પ્રેતને કાબૂમાં રાખવા માટે તંત્ર-મંત્રનો ઉપયોગ કરે છે. જ્યારે બાકીના 3 લોકો મહેલના નોકર હતા. જ્યારે તેમની કડક પૂછપરછ કરવામાં આવી તો તંત્ર મંત્ર કરનારા માત સાદ ઈસાએ હસ્લેજાની હત્યાની કબૂલાત કરી અને કહ્યું- અમે હસ્લેજાનું અપહરણ કર્યું અને તેની ગરદન કાપી નાખી. ગુનાની કબૂલાતમાં માત સાદ ઈસા દ્વારા કરવામાં આવેલા ખુલાસા સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું કે તેણે આ બધું મહેલની મોટી રાણી મુદા નોર મહાનીના કહેવાથી કર્યું હતું. આરોપીએ ગુનો કબૂલ્યા બાદ રાણી મુદા મહાનીની ધરપકડ કરવામાં આવી હતી. રાજવી પરિવારની રાણીની ધરપકડ કરવી પોલીસ માટે આસાન ન હતું. આ શાહી કૌભાંડની ચર્ચા દેશભરમાં તેજ થઈ ગઈ અને શાહી પરિવાર પર આંગળીઓ ઉઠાવવામાં આવી. મેલી વિદ્યા રોકવા હસ્લેજાની હત્યા કરવામાં આવી હતી
પોલીસ પૂછપરછ દરમિયાન તાંત્રિક માત સાદ ઈસાએ જણાવ્યું કે, 'જ્યારથી હસ્લેજા મહેલમાં આવી ત્યારથી મહેલમાં કેટલીક વિચિત્ર ભૂતિયા ઘટનાઓ બની રહી હતી. રાજા તેની બીજી પત્ની હસ્લેજા પર જ ધ્યાન આપતો હતો, જે વાત મોટી રાણી મુદા નોર મહાનીને ખૂંચતી હતી.' તેણે આગળ કહ્યું કે, 'મોટી રાણી પર કાળો જાદુ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ક્યારેક બાળકોના રડવાનો અવાજ સંભળાતો હતો તો ક્યારેક તેને રૂમમાં સાપ દેખાવા લાગતા હતા, જે થોડી જ સેકન્ડોમાં ગાયબ થઈ જતા હતા. મહેલના ભોંયતળિયા પર માથાં કપાયેલાં પક્ષીઓ દેખાવાનું પણ સામાન્ય બન્યું હતું. મોટી રાણીએ ઘણીવાર મધરાતે વાંસ ઠપકારાતા હોવાના અવાજો સાંભળ્યા હતા, જ્યારે ઘણી વખત મહેલની છત પર લોહીના ડાઘવાળાં સેનિટરી પેડ્સ જોવા મળ્યાં હતાં. ઘણી વખત રાણીને અચાનક ઊલટી થતી, જેમાંથી સ્ફટિક નીકળતા હતા.’ આ બાબતોથી પરેશાન, રાણીએ તેના ભત્રીજા રહીમ ઈસ્માઈલ પાસેથી મદદ માગી, જેઓ ગુપ્ત વિદ્યા જાણતા હતા. રહીમ તેના તાંત્રિક મિત્ર માત સાદ ઈસાને પણ મહેલમાં લઈ આવ્યો હતો. રાણીને શંકા હતી કે હસ્લેજાએ રાજાને મેળવવા માટે તેના પર કાળો જાદુ કર્યો છે. તેમને લાગ્યું કે હસ્લેજાના કાળા જાદુના કારણે જ રાજા તેમનાથી દૂર જઈ રહ્યા છે. મોટી રાણીએ રાજાની નજીક જવા માટે તાંત્રિકોનો સહારો લીધો હતો. તે તાંત્રિકોએ મોટી રાણીને ભેંસના નાકમાં પહેરવા માટે એક દોરી આપી હતી, જે તે પાણીમાં નાખીને પીતી હતી. મોટી રાણીએ પણ એ જ પાણી રાજાના ભોજન અને પાણીમાં ભેળવ્યું હતું. તંત્ર-મંત્ર પછી પણ કોઈ ફેરફાર ન થયો ત્યારે રાણીએ તાંત્રિકોને હસ્લેજાની મેલી વિદ્યા ખતમ કરવાનો આદેશ આપ્યો. તે તાંત્રિકોએ મેલી વિદ્યા રોકવા હસ્લેજાનું અપહરણ કર્યું અને પછી તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી, તેઓએ રાણી હસ્લેજાના હાથ-પગ બાંધી દીધાં અને તેને પુલ પરથી નીચે ફેંકી દીધી, જેના કારણે તેનો મૃતદેહ ધોધ પાસેના ઝાડ પર લટકી ગયો. જ્યારે મોટી રાણી મુદા નોર મહાનીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે, તેણે તાંત્રિકોને રાખ્યા હતા. જો કે, પોતાના બચાવમાં તેણે કહ્યું કે તાંત્રિકોને કાળો જાદુ નાબૂદ કરવા અને હસ્લેજાની હત્યા ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પુરાવાના અભાવે મોટી રાણીને માત્ર એક અઠવાડિયામાં જ મુક્ત કરવામાં આવી હતી. જ્યારે બંને તાંત્રિકોને નાની રાણી હસ્લેજાની હત્યા બદલ 14 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં રાજા મુદાનું નામ ક્યાંય નહોતું કે તેની પૂછપરછ કરવામાં આવી નથી. 3 ઓક્ટોબર, 2017 ના રોજ રાણી મુદા નોર મહાનીના મૃત્યુ પછી, 2019 માં, રાજા જફરે પેરાક શાહી પરિવારના નજહતુલ શિમા સાથે ત્રીજી વખત લગ્ન કર્યાં. (ડિસક્લેમર- ‘દિવ્ય ભાસ્કર’ ન તો અંધશ્રદ્ધા કે ભૂત-પ્રેત જેવી બાબતોને સમર્થન આપે છે, ન તો આવી વાર્તાઓને પ્રોત્સાહન આપે છે. આ સ્ટોરી ફક્ત તમારી માહિતી માટે બનાવવામાં આવી છે.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.