જાપાનને નવા વડાપ્રધાન મળશે:PM કિશિદાએ આવતા મહિને પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી; પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડશે નહીં
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ આવતા મહિને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ સપ્ટેમ્બરમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતા પદેથી રાજીનામું આપશે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે બુધવારે (14 ઓગસ્ટ) કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં યોજાનારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષની ચૂંટણી લડશે નહીં. જાપાનમાં સત્તાધારી પાર્ટીના અધ્યક્ષને વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવે છે. કિશિદાની આ જાહેરાત બાદ હવે નક્કી થઈ ગયું છે કે દેશને નવા વડાપ્રધાન મળશે. જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ કહ્યું, "એકવાર નવા અધ્યક્ષ નક્કી થઈ જાય, તો હું આશા રાખું છું કે દરેક લોકો એકજુથ થશે અને વધુ સારી ટીમ બનાવશે, જેથી એવી રાજનીતિ કરી શકાય, જેને લોકો સમજી શકે" લોકપ્રિયતામાં મોટો ઘટાડો, પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપો
કિશિદા 2021માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂરો થાય છે. જાપાનમાં પીએમ કિશિદાની લોકપ્રિયતામાં મોટો ઘટાડો થયો છે. તેનું કારણ તેમની પાર્ટી પર લાગેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. નિક્કી એશિયાના જણાવ્યા અનુસાર, જુલાઈમાં કિશિદાનું એપ્રુવલ રેટિંગ 20%થી નીચે હતું. આ સતત આઠમો મહિનો છે જ્યારે કિશિદાનું રેટિંગ આટલું ઓછું રહ્યું છે. 2021માં પીએમ કિશિદાનું રેટિંગ 65%ની નજીક હતું. શિન્ઝો આબેના મૃત્યુ પછી તેમના રેટિંગમાં ઘટાડો થવા લાગ્યો. ખરેખરમાં, આબેના મૃત્યુ પછી, યુનિફિકેશન ચર્ચ સાથે LDPના સંબંધો જાહેર થયા હતા. આ ચર્ચે પાર્ટીને આર્થિક મદદ કરી હતી. બાદમાં આ અંગે અનેક કૌભાંડો પ્રકાશમાં આવ્યા. આ વર્ષે એપ્રિલમાં સ્થાનિક ચૂંટણીઓમાં LDPને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી જુલાઇમાં ટોક્યો મેટ્રોપોલિટન એસેમ્બલી પેટાચૂંટણીમાં પણ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ હતું કે LDPના મોટાભાગના સાંસદો આગામી સામાન્ય ચૂંટણી પહેલા નવા ચહેરાની જરૂરિયાત પર ભાર આપી રહ્યા હતા. શું હતા ભ્રષ્ટાચારના આરોપ?
કિશિદાના પાર્ટીના સાંસદો પર પક્ષને મળેલા રાજકીય દાનમાંથી નાણાંની ઉચાપત કરવાનો આરોપ હતો. તેમણે એકાઉન્ટમાં ગોલમાલ કરીને પાર્ટીના રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ પીએમ કિશિદાએ ઘણા કેબિનેટ મંત્રીઓ અને અન્યોને તેમના પદ પરથી હટાવી દીધા હતા. કિશિદા પછી કોણ બનશે આગામી PM?
જાપાનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ની સંસદના બંને ગૃહોમાં બહુમતી છે. પીએમ કિશિદાની ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ હવે LDPના અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીતનાર જ જાપાનના આગામી વડાપ્રધાન બનશે. LDPના ઘણા મોટા નેતાઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડવાની રેસમાં છે. જેમાં પાર્ટીના મહાસચિવ તોશિમિત્સુ મોટેગી, ડિજિટલ મંત્રી તારો કોનો, આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચી અને વિદેશ મંત્રી યોકો કામિકાવાનું નામ સામેલ છે. અહેવાલો અનુસાર, અધ્યક્ષની ચૂંટણી જીતનાર વિજેતા કિશિદાના સ્થાને પાર્ટી અધ્યક્ષ બનશે અને ટૂંક સમયમાં સંસદીય મતદાનમાં નવા વડાપ્રધાન તરીકે ચૂંટાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.