ટ્રક પરત આપી દીધો હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા બે શખ્સોના ત્રાસથી કંટાળી રૂખડીયાપરાના યુવાને આપઘાત કર્યો’તો - At This Time

ટ્રક પરત આપી દીધો હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા બે શખ્સોના ત્રાસથી કંટાળી રૂખડીયાપરાના યુવાને આપઘાત કર્યો’તો


રૂખડીયાપરામાં ડ્રાઈવીંગનું કામ કરતા યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં નવો વળાંક આવ્યો. સામે આવેલા બે વિડીયોમાં બે શખ્સોએ પઠાણી ઉઘરાણી કરતા આપઘાત કરી લેતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે રામદેવ ફાંગલીયા નામના શખ્સની ધરપકડ કરી હતી.
બનાવ અંગે રૂખડીયાપરા ફાટક પાસે રહેતા રંજનબેન રમેશભાઈ દાડુકીયા (ઉ.42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રામદેવ ફાંગલીયા અને અજય ઉર્ફે લાલીયો રઘુ ચૌહાણનું નામ આપતા પ્રનગર પોલીસે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણી ઘરકામ કરે છે અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમના પતિ ડ્રાઈવિંગ કામ કરતા હતા. પાંચેક મહિલા પહેલા તેમના પતિએ ટ્રક રામદેવ ફાંગલીયા પાસેથી રૂા.11 હજાર ટોકન પેટે આપી અને બીજા રૂા.80 હજાર બાકી પાછળથી આપી દેવાની શરતે ગાડી લીધેલ હતી.
તેનો એક મહિનાનો હપ્તો રૂા.23 હજાર હતો. માલવાહક ગાડી તેઓએ ત્રણેક મહિના રાખેલ હતી અને બે હપ્તા ગાડી માલીકને આપેલ હતા. બાદમાં રૂપિયા અને હપ્તાની સગવડ ન થતા બે મહિના પહેલા ગાડી માલીક રામદેવભાઈને ગાડી પરત કરી દીધેલ હતી અને બાકીના રૂપિયાની સગવડ થશે ત્યારે આપી દઈશ તેવી વાત કરેલ હતી.
તેમ છતાં રામદેવ ફાંગલીયા અવારનવાર ફોન કરી રૂપિયા માંગી હેરાન કરતો હતો. તેમજ અજય ઉર્ફે લાલીયા સાથે પણ તેણીના પતિને રૂપિયાની લેતીદેતી હોય પરંતુ તેમની પાસે સગવડ ન હોય જેથી સગવડ થાય ત્યારે રૂપિયા આપવાની વાત કરેલ હતી. બંને શખ્સો અવારનવાર ઘરે પણ આવી પહોંચતા હતા. જે કારણે તેણીના પતિ ટેન્શનમાં રહેતા હતા. ગઈ તા.11ના બપોરના સમયે તેણીના પતિએ વાત કરેલ કે બંને આરોપી પૈસાની ઉઘરાણી કરે છે જેથી તેને પૈસા આપવાના હોય જો રોહિત પાસે હોય તો હું થોડા રૂપિયા તેની પાસેથી લઈ આવુ તેમ કહી ત્યાં બાજુમાં રહેતા તેણીના દિયર રોહિતભાઈના ઘરે ગયેલ હતા.
સાંજના સમયે તેણીના દિયર રોહિતભાઈ ઘરે આવેલ ત્યારે રાડારાડી કરવા લાગેલ જેથી તેણી ત્યાં દોડી ગયેલ અને જોતા તેમના પતિ રમેશભાઈએ લાકડાની આડી સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો. બાદમાં 108ને બોલાવતા 108ની ટીમે તેઓ તપાસી મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેમના મોબાઈલમાં તપાસ કરતા મોબાઈલમાં બે વિડીયો જોવા મળેલ હતા.
જે વિડીયોમાં તેઓ બોલતા હોય કે રામદેવ ફાંગલીયા પાસેથી જે ગાડી લીધેલ હતી તેના બે હપ્તાના રૂપિયા અને ગાડી બંને આપી દીધેલ છે છતાં પણ તે ફોન કરી રૂપિયા માંગી માનસિક ત્રાસ આપતો હતો. તેમજ અજય ઉર્ફે લાલીયો પણ હેરાન કરતો હોય જેથી હું આપઘાત કરું છું. જેથી બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પ્રનગર પોલીસે ગુન્હો નોંધી આરોપી રામદેવ ફાંગલીયાની ધરપકડ કરી હતી જયારે અન્ય શખ્સ અજય ઉર્ફે લાલીયાની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.