'તારક મહેતા...'નો સોઢી હવે શું કરે છે?:'માથે દેવું છે, રેલવે- બસ સ્ટેન્ડમાં સૂતો, તે ભાઈ ઓળખી ના ગયા હોત તો આજે હિમાલયમાં હોત કે મરી ગયો હોત' - At This Time

‘તારક મહેતા…’નો સોઢી હવે શું કરે છે?:’માથે દેવું છે, રેલવે- બસ સ્ટેન્ડમાં સૂતો, તે ભાઈ ઓળખી ના ગયા હોત તો આજે હિમાલયમાં હોત કે મરી ગયો હોત’


લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીનું પાત્ર ભજવીને લોકપ્રિય થનારો એક્ટર ગુરુચરણ સિંહ સોઢી 22 એપ્રિલના રોજ અચાનક જ ઘરેથી ગુમ થયો હતો. પિતાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી અને આ દરમિયાન પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી કે આખરે ગુરુચરણ સિંહ ક્યાં ગયો? અલબત્ત, 25 દિવસ બાદ એટલે કે 18 મેના રોજ ગુરુચરણ જાતે જ ઘરે પરત આવી ગયો હતો. ગુરુચરણ સાથે હાલમાં જ ‘દિવ્ય ભાસ્કર’ એપે ખાસ વાતચીત કરી હતી. વાતચીતમાં ગુરુચરણે પરિવાર અંગે ક્યારેય ના કહેલી વાતો શૅર કરી હતી. આટલું જ નહીં, ગુરુચરણે સિરિયલ 'તારક મહેતા..'ના માહોલ અંગે તથા જેઠાલાલ બનતા દિલીપ જોશી, ઐયર, ભીડે, સ્વ. ‘હંસરાજ હાથી’ કવિ કુમાર આઝાદ અંગે પણ અઢળક વાતો કરી હતી. 'મુંબઈમાં શરૂઆતમાં બહેનના ઘરે રહેતો'
મુંબઈમાં કરેલા સંઘર્ષના દિવસોને યાદ કરતાં ગુરુચરણ જણાવે છે, 'દિલ્હીથી મુંબઈ આવીને શરૂઆતમાં હું બહેનના ઘરે રોકાયો. થોડા મહિના બાદ મુંબઈમાં જ દિલ્હીના કેટલાક યુવકો ઘર ભાડે રાખીને રહેતા હતા તો તેમની સાથે રહેવા લાગ્યો. આજે તો મને યાદ નથી કે હું કેટલા રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. બસ એટલું યાદ છે કે થોડુંઘણું ગુજરાન ચાલી જાય એટલા પૈસા મારી પાસે હતા.' 'મુંબઈમાં નાના-નાના રોલ પ્લે કરતો'
'મુંબઈમાં હું નાનાં-નાનાં કામ કરતો. આ દરમિયાન એક શૂટિંગમાં મારી પત્નીનો રોલ કરતી એક્ટ્રેસે કહ્યું, 'મારા એક ફ્રેન્ડને સિરિયલમાં સરદારજીનો રોલ કરી શકે તેવા કલાકારની જરૂર છે. તું ઑડિશન આપવા જઈશ?' હું તરત જ તૈયાર થયો. સરદારજીનો રોલ હતો તો મુંબઈમાં મારા બે-ચાર મિત્રો પણ સરદારજી હતા તો તેમને પણ ઑડિશન માટે સાથે આવવાનું કહ્યું. જોકે ઑડિશન કાંદિવલીમાં હોવાથી તેમણે એમ કહીને ના પાડી કે ત્યાં તો ફ્રોડ ટાઇપના લોકો હશે. મેં તો એવું જ વિચાર્યું કે જે હશે તે થઈ પડશે. એકવાર ઑડિશન તો આપી આવીએ.' 'બે ઑડિશન આપ્યા બાદ તારક મહેતા સિરિયલ મળી'
સિરિયલના એ ઑડિશનના દિવસને યાદ કરતાં એક્ટર જણાવે છે, 'કાંદિવલીમાં એ સિરિયલ માટે પહેલીવાર ઑડિશન આપ્યું. મારું ઑડિશન ગમી જતાં મને બીજીવાર બોલાવ્યો. બીજીવાર ગયો ત્યારે જેનિફર મિસ્ત્રી (સિરિયલમાં મિસિસ સોઢીનો રોલ પ્લે કર્યો હતો) પણ હતી તો તેની સાથે ઑડિશન આપ્યું. એ જ દિવસે અમને બંનેને સિરિયલ માટે સિલેક્ટ કર્યાં હોવાની જાણ કરવામાં આવી. અસિત મોદી ('તારક મહેતા...' સિરિયલના પ્રોડ્યુસર)એ મને મિસ્ટર સોઢીનો ને જેનિફરને મિસિસ સોઢીનો રોલ આપ્યો.' 'તારક મહેતા...'માં કામ કરવાનો માહોલ'
ગુરુચરણ સિરિયલમાં કામ કરવાની કેવી મજા આવી એ અંગે વાત કરતાં કહે છે, '2012માં મેં સામેથી સિરિયલ છોડી નહોતી, તેમણે જ મને સિરિયલમાંથી હાંકી કાઢ્યો હતો. 2020માં મારા પપ્પાની સર્જરી હતી ને મને આદ્યાત્મિકતામાં વધારે રસ પડતાં મેં જ સામેથી સિરિયલ છોડી દીધી. પછી તો હું આ સિરિયલમાં પરત ફર્યો જ નથી. માહોલની વાત કરું તો શરૂઆતનાં વર્ષોમાં સિરિયલના સેટનો માહોલ ઘણો જ સારો રહેતો. હું એ સમયને 'ગોલ્ડન એરા' જ કહીશ. એ સમયે કામ કરવાની બહુ જ મજા આવતી હતી. બધા કલાકારો હળીમળીને કામ કરતા. સિરિયલના ફર્સ્ટ ડિરેક્ટર ધર્મેશ મહેતા કમાલના હતા. અસિત મોદી પણ સીન સારો બને એ માટે ઘણાં સૂચનો આપતા. શરૂઆતનાં પાંચેક વર્ષ સિરિયલના તમામ લોકો ઘણા જ એટલે ઘણા જ ખુશ હતા.' વાત ઉમેરતાં સોઢી જણાવે છે, '2013માં હું પાછો સિરિયલમાં આવ્યો, ત્યારે પણ માહોલ સારો હતો. એ સમયને હું એ રીતે કહીશ કે તે ગોલ્ડન ને સિલ્વર એરાની વચ્ચેનો હતો. બીજી રીતે કહું તો આપણે પાંચને હાઇએસ્ટ ગણીએ તો એ સમયે હું સેટના માહોલને ચાર નંબર આપી શકું. જોકે તોપણ મને કામ કરવાની મજા આવતી. બાકી તો દરેક ઘરમાં બે વાસણ હોય તો ખખડે એમાં શું નવાઈ છે. પરિવાર હોય તોપણ ઝઘડા થતા જ હોય છે. 2020માં કોરોનાકાળ આવ્યો. એ સમયની પરિસ્થિતિ તો બધાને ખબર જ છે. પિતાની સર્જરી પણ થઈ ને મેં સિરિયલ છોડી દીધી.' 'તારક મહેતા..'ના કિસ્સા...
ગુરુચરણ સિરિયલની વાત કરતાં કહે છે, 'તારક મહેતા..' સાથે અગણિત યાદો જોડાયેલી છે. ધર્મેશ મહેતા જ્યાં સુધી સિરિયલના ડિરેક્ટર હતા ત્યાં સુધી તે હંમેશાં કંઈક ને કંઈક નવું કરાવતા. મારી પાસે રોજ આવે ને કહે કે સોઢી આ સીન આમ નહીં, એ રીતે કરીએ તો મજા આવશે. તેમણે એકવાર મને ફર્સ્ટ ફ્લોર પરથી સેફ્ટી વગર કૂદકો મારવાનું કહ્યું હતું. એ સીન એવો હતો કે 'એકવાર સિરિયલમાં સોઢીનો છોકરો 'ગોગી' ગુમ થઈ જાય છે અને આખી સોસાયટી ગોગીને શોધતી હોય છે તો ઘરમાં સોઢી સૂતો હોય છે અને ગોકુલધામના લોકો સોઢીને બૂમો પાડીને ઉઠાડે છે, સોઢી પત્ની રોશન સાથે ફર્સ્ટ ફ્લોરની બાલ્કનીમાં બહાર આવે છે. તેને બધા કહે છે કે ગોગી ગુમ થયો છે, તે બોલે છે, 'ક્યા બાત કર રહે હો?' અને નીચે આવે છે. શોટ પણ ઓકે થઈ ગયો હતો, પરંતુ પછી ડિરેક્ટરના મનમાં વિચાર આવ્યો કે સરદારજી ઘણા ઉત્સાહી હોય છે.' 'પછી ડિરેક્ટરે મને કહ્યું, 'વન મોર શોટ.' ને ડિરેક્ટરે એમ કહ્યું, 'તું એક વસ્તુ કરી આપીશ?' તો મેં એમ કહ્યું, 'હા, બોલ ને.' ડિરેક્ટરે એવું કહ્યું, 'બહુ મુશ્કેલ અને ચેલેન્જિંગ છે.' તો સામે હું બોલ્યો કે 'બોલો ના, સર.' પછી ડિરેક્ટરે કહ્યું કે આ સીનમાં પત્ની બાલ્કનીમાંથી ઘરની અંદર જઈને સીડી ઊતરીને નીચે આવે અને તું ફર્સ્ટ ફ્લોરથી નીચે કૂદકો મારીશ. નીચે કોઈ ગાદલું હશે નહીં. મારે એક શોટમાં આ સીન પૂરો કરવો છે. મેં માત્ર એટલું જ કહ્યું, 'ઓકે સર, ડન.' ડિરેક્ટરે મને ચેતવણી આપી કે પગમાં વાગે કરે નહીં એનું ધ્યાન રાખજે. મેં એવું કહ્યું 'ડોન્ટ વરી, સર. થઈ જશે. તમે કહ્યું એટલે પૂરું.’ સીન શરૂ થયો અને તે બોલે છે કે 'ઓય્યે, મૈં અભી આતા હૂં' અને મેં પહેલે માળેથી કૂદકો માર્યો હતો. આ સીન ઘણો જ હિલેરિયસ હતો. આવા સ્ટંટ ઘણા જ ઓછા એપિસોડમાં થતા હોય છે, પણ ડિરેક્ટરનો સપોર્ટ હોય ત્યારે મજા આવતી હોય છે.' 'જ્યારે ડૉ. હાથીએ શરૂઆતમાં એ સીન કરવાની ના પાડી'
'અન્ય એક કિસ્સાની વાત કરું તો એક સીનમાં ડૉ. હાથી (સ્વ. કવિકુમાર આઝાદ) ટેમ્પોમાં બેસીને ગોકુલધામ આવે છે. જોકે ટેમ્પોમાંથી નીચે કેવી રીતે ઊતરવું? તો હું નીચો નમું છું ને તે મારી પીઠ પર પગ મૂકીને નીચે ઊતરે છે. ધર્મેશભાઈ આ સીનને શૂટ કરવાના હતા તો તેઓ મારી પાસે આવ્યા ને તેમણે મને આ આખો સીન સમજાવ્યો ને પૂછ્યું કે તું આ સીન કરીશ? મેં તરત જ હાથીભાઈની સામે જોયું ને અમારા ગુરુ એટલે કે ગુરુ ગોવિંદસિંહને અરદાસ કરીને કહ્યું કે તમે જોઈ લેજો. હવે હું પાછળ હટીશ નહીં ને તરત જ ધર્મેશભાઈને કહ્યું કે હા સર, કરીશું આ સીન. જોકે પછી તો ડૉ. હાથીએ આ સીન ભજવવાની એમ કહીને ના પાડી કે સોઢી તને કંઈક થઈ જશે. હું આ સીન નહીં કરું. મેં તેમને સમજાવ્યા કે હાથીભાઈ તમે બધું છોડી દો ને ચિંતા ના કરો. આપણે તે સીન કરીશું. ડૉ. હાથીને અમે મનાવ્યા ને પછી એ સીન ઘણી જ સહજતાથી ને આરામથી શૂટ થઈ ગયો. મને ખ્યાલ જ ના આવ્યો કે ક્યારે હાથીભાઈએ મારી પીઠ પર પગ મૂક્યો ને તેઓ નીચે ઊતરી ગયા. હાથીભાઈ ને મને એમ અમને બંનેને સીન પૂરો થયા બાદ ઘણી નવાઈ પણ લાગી.' 'હંસરાજ મારો ખાસ મિત્ર'
ડૉ. હંસરાજ કવિને યાદ કરતાં સોઢી કહે છે, 'સેટ પર કવિ કુમાર આઝાદ મારો ખાસ મિત્ર હતો. હાથીભાઈ સવારે આવે ત્યારે પરાઠા લઈને આવતા ને મને બોલાવે. હું સ્પોટદાદાને કહેતો કે હાથીભાઈના રૂમમાં ચા મોકલો ને અમે બંને ત્યાં પરાઠાની લિજ્જત માણતા. ક્યારેક હું પણ નાસ્તો લઈને આવતો તો અમે બંને સાથે નાસ્તો કરતા. તેનો, મારો ને નટુકાકાનો બર્થડે એક જ દિવસે એટલે કે 12 મેના રોજ આવતો. અમારા ત્રણેયનો જન્મદિવસ સેટ પર સાથે જ સેલિબ્રેટ થતો.' વાત પૂરી થતાં જ ગુરુચરણ હસતાં હસતાં જણાવે, 'હવે તો હું એમ જ કહું છું કે મારા બંને બર્થડે સાથી આ દુનિયા છોડીને જતા રહ્યા. મારો નંબર ખબર નહીં ક્યારે આવી જશે?' 'તનુજ તો ચેન્નઇનો શેર છે'
સોઢીને જ્યારે પૂછવામાં આવ્યું કે સિરિયલના સેટ પર તે કોની સાથે રૂમ શૅર કર્યો તો તરત જ તે ઉમેરે છે, 'તનુજ મહાશબ્દે (સિરિયલમાં ‘ઐયર’નો રોલ પ્લે કરે છે) સાથે શરૂઆતમાં રૂમ શૅર કરતો. સાચું કહું તો સિરિયલના સેટ પર મારે તમામ કલાકારો સાથે ઘણું જ સારું બનતું. શરૂઆતમાં એટલે કે 2012 સુધી મેં સિરિયલમાં કામ કર્યું ત્યાં સુધી હું ચંપકચાચા (અમિત ભટ્ટ)ને ભીડે (મંદાર ચાંદવડકર) સાથે રૂમ શૅર કરતો ને ઐયર ને પોપટલાલ (શ્યામ પાઠક) સાથે હતા. મારા ગયા પછી પોપટલાલ, ભીડે ને ચંપકની સાથે રૂમ શૅર કરવા લાગ્યો. 2013માં જ્યારે હું પાછો આવ્યો ત્યારે તનુજ સાથે રૂમ શૅર કરવા લાગ્યો. મને કોઈની સાથે પણ રૂમ શૅર કરવામાં કોઈ વાંધો જ નહોતો. હું તનુજને એમ કહેતો કે 'યે મેરા ચેન્નઇ કા શેર હૈ...' 'જેઠાલાલને સેલ્યૂટ'
જેઠાલાલનો રોલ પ્લે કરતા દિલીપ જોશી અંગે ગુરુચરણ જણાવે છે, 'સેટ પર એક અસિતભાઈ ને બીજા નંબરે જેઠાલાલે ડિસિપ્લિનનો માહોલ બનાવીને રાખ્યો હતો. તેઓ થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેઓ જ્યારે પણ શૂટિંગ હોય ત્યારે કંઈક નવું કરવા પર હંમેશાં ભાર આપતા. તેઓ એમ વિચારતા કે એવું તો શું કરીએ કે દર્શકોને મજા આવે. તેમને આ વાતે સેલ્યૂટ મારું છું. સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી ને રાઇટર્સ-ક્રૂનું યોગદાન તો છે જ, પરંતુ આ સિરિયલ ચાલી છે એ પાછળ જેઠાલાલનું પણ ઘણું મોટું યોગદાન છે. જેઠાલાલ સાથે કામ કરવાની ઘણી જ મજા આવતી. તેમની દીકરી ને દીકરાનાં લગ્નમાં હું આવ્યો હતો. ત્યાર બાદ પણ એકવાર હું જેઠાલાલ ને તેમના પૂરા પરિવારને મળ્યો હતો.' 'મુંબઈ છોડી દીધું'
'2020માં સિરિયલ છોડવાની સાથે જ મેં મુંબઈ પણ છોડી દીધું ને પંજાબ શિફ્ટ થયો. ત્યાં મારા મામાજી રહે છે. પંજાબમાં એકદમ શાંતિ હતી. મુંબઈમાં શોરબકોર ને ટ્રાફિક રહેતો, જ્યારે પંજાબનો માહોલ સુકૂનભર્યો ને ચારેબાજુ ખુલ્લાં મેદાનો જોવા મળતાં. મને ત્યાં ગમવા લાગ્યું એટલે હું ત્યાંથી ચંદીગઢ શિફ્ટ થવાનું વિચારતો, પરંતુ પેરેન્ટ્સને કારણે હું પાછો દિલ્હી આવી ગયો.' 'સિરિયલની સારી વાતો જ યાદ રાખી છે'
'તારક મહેતા...' સિરિયલ છોડી ચૂકેલા ઘણા કલાકારાઓએ પ્રોડ્યુસર પર ઘણા આક્ષેપો કર્યા હતા. આ અંગે જ્યારે એક્ટરને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'એ બધી તો જૂની વાતો છે. એવું બન્યું હતું એ સાચું, પરંતુ આવું માત્ર 'તારક મહેતા...' સિરિયલમાં જ બન્યું એવું નથી, બીજે પણ થાય છે. ફૂલ છે તો કાંટા છે, દિવસ છે તો રાત છે, સુખ છે તો દુઃખ છે. તમે દર વખતે કોઈ સિરિયલના સતત વખાણ ના કરી શકો, ફરિયાદ પણ રહેવાની. હું તો આ સિરિયલને નેગેટિવને બદલે પોઝિટિવ રીતે જ યાદ કરું છું. હું તો આ સિરિયલને દિલથી થેન્ક યુ કહું છું કે મને આમાં કામ કરવાની તક મળી. આમ પણ મારો તો 'તારક મહેતા...' સાથેનો સંબંધ પૂરેપૂરો તૂટી ગયો છે. દર્શકો ઈચ્છે છે કે હું ફરીથી આવું, પરંતુ આવું કંઈ થાય તેમ લાગતું નથી. મને અસિત મોદીએ ફ્યુચર માટે શુભકામના પાઠવી હતી. હું પણ 'તારક મહેતા...' સિરિયલને શુભકામના પાઠવું છું.' ગાયબ કેમ થયા?
22 એપ્રિલે ગુરુચરણ દિલ્હીથી મુંબઈ ફ્લાઇટમાં આવવાનો હતો. જોકે તે મુંબઈ આવવાને બદલે ક્યાંક ગાયબ થઈ ગયો. આ અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો એક્ટરે સૌ પહેલા પેરેન્ટ્સ, મીડિયા તથા ચાહકોની માફી માગતા કહ્યું, 'મારા આ વર્તનને કારણે માત્ર મારા પેરેન્ટ્સ જ નહીં, ચાહકોને પણ ઘણી જ તકલીફ ને દુઃખ પહોંચ્યું. મને અંદાજો નહોતો કે આટલું બધું થઈ જશે. મમ્મી-પપ્પામાં એવું હતું કે મારા બીજા બે ભાઈઓ તથા બહેન છે તો તેઓ સંભાળી લેશે.' 'જીવનમાં સારું થતું નહોતું, ભગવાન તરફ ઢળતો ગયો'
'કોરોના પછી ખબર નહીં કેમ હું ભગવાન તરફ વધુ ઢળતો ગયો. આ ઉપરાંત મારા જીવનમાં કંઈ સારું થતું નહોતું, બધું નેગેટિવ જ થતું હતું. મારા પર આજની તારીખમાં પણ માથે દેવું છે. દાદાજીએ જે કમર્શિયલ પ્લોટ લીધો હતો એની વેલ્યુ આજે 55 કરોડની આસપાસ છે. એ પ્લોટ પર બીજાઓએ કબજો જમાવ્યો છે. એ પ્લોટ પર દુકાનો બનાવવામાં આવી છે, એમાંથી એક દુકાન ખાલી થઈ ગઈ છે, બે દુકાન ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે. અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. તેમનું પણ નુકસાન ના થાય ને અમારો પણ ફાયદો થાય છે. આ પ્રોપર્ટી વેચાશે એટલે તેના છ ભાગ પડશે (મમ્મી-પપ્પા, ત્રણ ભાઈ ને એક બહેન) મારા ભાગમાં જે પૈસા આવે એમાંથી મારા પર દેવું છે તેમાં કોને કેટલા પૈસા આપવાના છે એ તમામ વિગતો એક કાગળ પર લખીને હું ઘર છોડીને ગયો હતો. હું ઈચ્છતો હતો કે મારા હિસ્સાના પૈસામાંથી મારું દેવું ચૂકતે કરવામાં આવે.' 'કોને કેટલા રૂપિયા ચૂકવવાના છે એ કાગળ મારી પાસે જ રહી ગયો'
‘ગુમ થયા બાદ હું ગોલ્ડન ટેમ્પલમાં રોકાયો ને પછી હું ક્યાંક હતો. આ સમયે મેં મારો આખો સામાન ચેક કર્યો. એ વાત અલગ છે કે આ પહેલાં મેં ક્યારેય મારો સામાન ચેક કર્યો નહોતો. સામાન ચેક કરતાં જાણ થઈ કે એ કાગળ (કોને કેટલા પૈસા ચૂકવવા તે) તો મારી પાસે જ છે. મને ભગવાન અંદરથી સતત કહેતા કે તું પાછો ઘરે જા... અને આ કાગળને કારણે પણ હું ઘરે પરત ફર્યો. કાગળ મારી પાસે હતો એટલે પરિવારને ખ્યાલ જ ના આવે કે કોને કેટલા રૂપિયા આપવાના છે. મથુરાના મહાન સંતે એક વાત કહી હતી ને તે મને દિલથી સ્પર્શી ગઈ હતી. એ વાત એ હતી, 'જ્યારે તમે આ ધરતી પરથી જાઓ ત્યારે તમારા માથે રહેલું તમામ દેવું ઉતારીને જાઓ, નહીંતર આ દેવું ઉતારવા માટે તમારે ફરીથી ધરતી પર આવવું પડે છે.' આ જ કારણે મારે તમામ લોકોના પૈસા પાછા આપવા હતા. અત્યારે પણ મને કામ મળે એ માટે ઘણી જ મહેનત કરી રહ્યો છું.’ 'હું મારાં મમ્મી-પપ્પાની સેવા કરું, મારા લગ્નની વાતો ચાલે છે તો હું લગ્ન કરીશ. બેંક ને ક્રેડિટ કાર્ડના અત્યારસુધીના હપતા મેં રેગ્યુલર ભર્યા છે ને એક પણ હપતો મિસ કર્યો નથી. ભગવાનની એટલી મહેરબાની કે મને સારા મિત્રો મળ્યા અને તેમણે ઘણી જ મદદ કરી છે. આ બધાનો દિલથી આભાર માનું છું. જેમણે પણ મને પૈસા આપ્યા હતા તે તમામને હું જલદીથી પૈસા કમાઈને તેમનો એક-એક રૂપિયો ચૂકતે કરી દઈશ. ચાહકોને અપીલ કે તેઓ મારા માટે પ્રાર્થના કરે કે મને જલદીથી કામ મળે.' 'એક પેન્ટ 17-17 દિવસ સુધી પહેર્યું'
25 દિવસ કેવી પરિસ્થિતિમાં પસાર કર્યા એ અંગે ગુરુચરણ કહે છે, 'મારી પાસે એવા કંઈ ખાસ કપડાં નહોતાં. મેં 17 દિવસ સુધી એકનું એક પેન્ટ પહેર્યું હતું. મેં આ પહેલાં ક્યારેય મારા જીવનમાં આ રીતે એકનાં એક કપડાં પહેર્યાં નહોતાં. મને જ્યારે પણ નાહવાની તક મળે ત્યારે નહાઇને જે ટી શર્ટ પહેરી હોય એ જ ધોઈને સૂકવી દેતો. ઘણીવાર તો ટી શર્ટ સુકાઈ ના હોય એવું પણ બને ને હું ભીની ટી શર્ટ જ પહેરી લેતો.' 'બર્થડેના દિવસે ગોલ્ડન ટેમ્પલમાં હતો'
એક્ટર કહે છે, '12 મેએ મારો બર્થડે હતો ને એ દિવસે હું ગોલ્ડન ટેમ્પલમાં આયોજિત સત્સંગમાં ડૂબેલો હતો. એ દિવસે ખબર નહીં મને એવું વાઇબ્રેશન થયું કે મારે હવે પરત ફરવું જોઈએ. મારે જે આદ્યાત્મિકતામાં જોઈતી હતી એ મને ત્યાં મળી ગઈ. ઘણું જ પોઝિટિવ ફીલ થયું અને અંદરથી બહુ સારી લાગણી થઈ. આ જ કારણે હું પાંચ દિવસ પછી ઘરે આવી ગયો.' 'રેલવે-બસ સ્ટેશને સૂતો હતો'
'દિલ્હીથી ગાયબ થયા બાદ હું અનેક જગ્યાએ ગયો. અમૃતસર, લુધિયાણા, ચંદીગઢ, સિમલા જેવાં સ્થળોએ ગયો હતો. લુધિયાણા રેલવે સ્ટેશનમાં અનેકવાર રાતો સૂતો હતો. ચંદીગઢ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર પણ રાતો પસાર કરી. સિમલાના બસ સ્ટેન્ડ પર હું સૂતો હતો. ઘણીવાર તો એવું પણ બન્યું છે કે હું ટિકિટ લઈને ટ્રેનના જનરલ કમ્પાર્ટમેન્ટ ખાલી હોય તો ત્યાં સૂઈ જતો. માસ્ક પહેરીને રાખતો અને કદાચ મારો ચહેરો એવો નહીં હોય કે લોકો મને ઓળખી જાય.' 'સિમલામાં એક ભાઈ મને ઓળખી ગયા...'
એક્ટર જણાવે છે, 'સિમલામાં મને એક ભાઈ ઓળખી ગયા. તે ભાઈએ મને 'સાહેબ' કહીને બોલાવ્યો હતો ને પૂછ્યું હતું કે 'સાહેબ, તમે સોઢી છો ને?' તેમણે મને રાતના ઓળખી લીધો. વાસ્તવમાં એ દિવસે હું રાતના સિમલામાં પસાર કરીને સવારના ચાર વાગ્યાની હિમાલયની બસમાં બેસીને જતો રહેવાનો હતો. જોકે તે ભાઈએ મને ઓળખી લીધો ને પછી હું જ્યારે સવારે બહાર નીકળ્યો ત્યારે ચંદીગઢની બસ હતી તો એમાં બેસી ગયો. મને લાગે છે કે ભગવાને જ મને આગળ જવા જ ન દીધો. જો એ રાત્રે પેલા ભાઈ મને ઓળખી ના ગયા હોત તો હું ક્યારેય પાછો ફરત નહીં એ નક્કી હતું. હું હિમાલયમાં જીવતો હોત કે પ્રભુ પાસે પહોંચી ગયો હોત એ પણ મને ખ્યાલ નથી.' 'અમે ત્રણેય એકબીજાને ભેટીને રડતાં રહ્યાં'
25 દિવસ બાદ ઘરે આવ્યા બાદ પેરેન્ટ્સનું રિએક્શન શું હતું એ અંગે ગુરુચરણે કહ્યું, 'ઓહ માય ગોડ... હું જ્યારે ઘરે આવ્યો ત્યારે પેરેન્ટ્સે કોઈ રિએક્શન આપ્યું નહોતું. અમે ત્રણેય એકબીજાને ગળે મળીને બસ રડતાં જ હતાં. અમે ખાસ્સો સમય એકબીજાને ભેટીને રડ્યાં જ હતાં. અમારી વચ્ચે એક ઇમોશનલ બૉન્ડિંગ હતું. ખાસ્સી વાર પછી અમે થોડી ઘણી વાતો કરી હતી. પેરેન્ટ્સે વાતચીતમાં એ જ પૂછ્યું કે હું ઠીક હતો કે નહીં? મને કંઈ વાંધો નહોતો આવ્યો. તેમને બસ મારી ચિંતા જ હતી. તેમણે મને બિલકુલ ઠપકો આપ્યો નહોતો. તેમને એ વાતનો આનંદ હતો કે તેમનો દીકરો હેમખેમ પાછો આવી ગયો. મને પણ આનંદ થયો કે ભગવાનને કારણે હું પાછો આવી શક્યો. બાકી સાચું કહું તો હું હિમાલય તરફ જ જવાનું વિચારતો હતો. જોકે ભગવાને મને જવા ના દીધો અને તે કોઈને કોઈ રીતે મને ત્યાં રોકી લેતા. ભગવાનની એટલી કૃપા કે હું પાછો આવી ગયો. મને પેરેન્ટ્સને જોઈને ઘણો જ આનંદ થયો ને મારા આવી જવાથી તેમની ચિંતા દૂર થઈ. હું ભગવાન, પેરેન્ટ્સ, ચાહકોનો આભાર માનું છું કે તેમણે મારી આટલી બધી ચિંતા કરી. મને ખ્યાલ જ નહોતો કે તેઓ મને આટલો બધો પ્રેમ કરે છે.' 'જેનિફર મિસ્ત્રીને બેવાર મળ્યો'
જેનિફર સાથેની મુલાકાતને યાદ કરતાં એક્ટરે જણાવ્યું, 'પહેલીવાર કોઈ કામસર મુલાકાત થઈ હતી ને ત્યારે અમે કોઈ ફોટો-વીડિયો લીધા નહોતા. પછી બીજી મુલાકાત મૉલમાં થઈ. ત્યાં અમને બંનેને સાથે જોતાં અનેક લોકોએ અમારી સાથે સેલ્ફી ને ફોટો પડાવ્યા. અમને એવું લાગ્યું કે આપણે ચાહકોને આ મુલાકાતની જાણ કરવી જોઈએ, કારણ કે આપણે બધા સાથે ફોટો-વીડિયો ક્લિક કરી શક્યા નથી. અમે બંનેએ સાથે રીલ બનાવી ને આ રીલ ઘણી જ વાઇરલ થઈ. ચાહકો અમને બંનેને ઘણો જ પ્રેમ કરે છે.' 'તારક મહેતા...' અન્ય કોઈ કલાકારને હાલ મળ્યો નથી'
'તારક મહેતા...'ના બીજા કોઈ કલાકાર સાથે વાત થઈ નથી. અસિત મોદીને પણ એટલા માટે મળ્યો, કારણ કે જ્યારે હું પરત આવ્યો ત્યારે મેં ફોન ચાલુ કર્યો તો તેમનો મેસેજ હતો કે કોલ મી. એટલે હું જેટલા દિવસ ગાયબ રહ્યો એ દિવસોમાં જેના પણ ફોન કે મેસેજ આવ્યા એ બધાને મેં ફોન કર્યા છે અને મળ્યો પણ છું. 'તારક મહેતા...'માંથી મને ખ્યાલ નથી કે કોઈએ ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં. હા પણ 'તારક...'માંથી કોઈએ મને મેસેજ કર્યો નહોતો. મુંબઈ આવ્યા બાદ મને એવો કોઈ ટાઇમ મળ્યો નથી કે હું બધાને મળી શકું. જોતે હું માનું છું કે તે બધા મને ઘણો જ પ્રેમ કરે છે તો જ્યારે પણ મળીશું ત્યારે પ્રેમથી જ મળીશું. અમે જ્યારે જેઠાલાલના દીકરાના લગ્નમાં એકબીજાને મળ્યા ત્યારે સારી રીતે મળ્યા હતા. એકવાર ઓબેરોય મૉલમાં માધવીનો પૂરો પરિવાર મળ્યો હતો. 'તારક...'માં બધા સાથે મારે તો સારું જ બને છે. હવે આ લોકો સાથે ક્યારે મુલાકાત થાય એ ખબર નહીં.' લગ્ન અંગે શું કહ્યું?
લગ્નની વાત પર સોઢીએ કહ્યું, 'આ અંગે પછી ક્યારેક વાત કરીશું. અત્યારે મારું ફોકસ એ જ છે કે મને કામ મળી જાય ને હું મારું તમામ દેવું ઉતારી દઉં.' સોઢીએ અન્ય એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની પર 1.12 કરોડ જેટલું દેવું છે. 'કામ મળે એવી પ્રાર્થના'
'હવે મને કામ મળે એ માટે હું અલગ-અલગ પ્રોડ્યુસર ને લોકોને મળી રહ્યો છું. ભગવાનની મહેરબાની હશે તો ટૂંક સમયમાં જ મને કામ મળશે. મારે હવે કામ કરવું છે. સો.મીડિયામાં સારા ફોલોઅર્સ છે તો બ્રાન્ડ્સ સાથે કોલેબ્રેશન કરવાનો પ્રયાસ કરું છું. હજી સુધી મને સફળતા મળી નથી. આમ તો સફળતા મળી જવી જોઈતી હતી, પરંતુ ખબર નહીં કેમ મળી નહીં. ભગવાનની કૃપા છે તો ક્યારેક તો મળશે જ. મુંબઈમાં હું 1BHKના ફ્લેટમાં રહું છું. મારા બંને ભાઈઓ દિલ્હીમાં અને બહેન લગ્ન બાદ મુંબઈમાં છે.' 'કામ મળે તો પેન્ડિંગ કામો પૂરાં થઈ શકે'
વાતને આગળ વધારતાં સોઢી કહે છે, 'મારે એવું નથી કે મરી જવું છે. હા, એ વાત અલગ છે કે દુનિયામાં આવનારી દરેક વ્યક્તિએ એક દિવસ મરવાનું જ છે. અત્યારે મને કામ મળી જાય એ માટે ઘણી જ મહેનત કરું છું. કામ મળે તો પૈસા આવે ને પેરેન્ટ્સ માટે કંઈક કરી શકું. પેરેન્ટ્સને દાંતનું ચોકઠું, તેમને ઓછું સંભળાય છે એટલે હિયરિંગ મશીન લાવીને આપવું છે. દેવું ચૂકતે કરવું છે. ભગવાનની દયાથી મને કોઈએ પૈસા માટે હજી સુધી હેરાન કર્યો નથી. મને એવું છે કે ભગવાન જલદીથી પૈસા કમાવવાનું શરૂ કરાવે અને હું મારા પેન્ડિંગ કામો બધાં પૂરાં કરું.' 'અમદાવાદ આવવાનું થશે'
ગુરુચરણ કહે છે, 'ગુજરાતી ફિલ્મ અંગે પણ વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત ઇવેન્ટ્સ અંગે પણ વાટાઘાટો થઈ રહી છે. જોકે હજી સુધી અમદાવાદ આવવાની ડેટ્સ ફાઇનલ થઈ નથી. બધું ભગવાનના હાથમાં છે. હું જે પણ કામ કરું છું એ દિલથી કામ કરું છું. 'દિલ્હીમાં જન્મ, પિતા એરફોર્સમાં સિલેક્ટ થયા હતા'
દિલ્હીમાં જન્મેલા ગુરુચરણે પોતાને દિલ્હીવાસી ગણાવીને પિતાની વાત કરતાં કહ્યું, 'વર્ષો પહેલાં દાદા-દાદીજીએ દિલ્હીના લાજપતનગરમાં કમર્શિયલ પ્લોટ પર દુકાનો બનાવી હતી. મારા પપ્પાનું એરફોર્સમાં સિલેક્શન પણ થઈ ગયું હતું, પરંતુ દાદીએ જવા દીધા નહીં. વાસ્તવમાં એવું હતું કે અમારા ઘરમાં એ સમયે દાદા-દાદીનાં જે પણ સંતાનોનો જન્મ થાય પણ તે કોઈ ને કોઈ કારણસર મરી જતાં. દાદા-દાદીએ ઘણી જ માનતા-પ્રાર્થનાઓ કર્યા બાદ મારા પપ્પાનો જીવ બચ્યો હતો. દાદીને તેમના આ એકમાત્ર દીકરા પર ઘણો જ પ્રેમ હતો, તેથી જ તેઓ નહોતા ઈચ્છતા કે તેઓ એરફોર્સમાં જાય.' 'પિતાએ નોકરી કરી, માતા હોમમેકર'
વાતને આગળ વધારતાં સોઢી કહે છે, 'દુકાનમાં પપ્પાને બેસવું ગમવું નહોતું તો એ દાદાજી જ સંભાળતા. પપ્પાનો ફ્રેન્ડ શોર્ટ હેન્ડ ટાઇપિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો તો પપ્પા ત્યાં બેસતા ને આ દરમિયાન તેમને નોકરી મળી. મમ્મીની વાત કરું તો તે હોમમેકર જ રહ્યાં. હું સ્પષ્ટ માનું છું કે હોમમેકર બનીને રહેવું એ સૌથી મોટી જવાબદારી છે. બાળકોથી લઈ ઘરનાં તમામ કામકાજ સંભાળવાનું કામ અઘરું છે. હું તો એટલું જ કહીશ કે માતા બાળકો માટે પોતાની ખુશીઓ કુરબાન કરે છે. હું હંમેશાંથી માતાઓને સેલ્યૂટ કરું છું. મારાં મમ્મી-પપ્પાને ત્રણ દીકરા ને એક દીકરી છે.' 'બેંગલુરુમાં ફાર્મસીનો કોર્સ કર્યો'
'હવે મારી વાત કરું તો હું દિલ્હીમાં જ ભણ્યો. સ્કૂલ-કોલેજમાં બહુ હોશિયાર નહોતો, પણ એક વાત હતી કે હું પાસ થઈ જતો. પછી મેં બેંગલુરુમાં જઈને ફાર્મસીનો કોર્સ કર્યો. આજે હું રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છું. ફાર્મસીના ફર્સ્ટ યરમાં પાંચ પ્રેક્ટિકલમાં પાસ થયો ને થિયરીના આઠ સબ્જેક્ટમાંથી પાંચમાં પાસ ને ત્રણમાં ફેઇલ થયો. જોકે ક્લાસમાંથી હું એવો હતો કે જે માત્ર ત્રણ સબ્જેક્ટમાં ફેઇલ થયો, કેટલાક તો આઠેઆઠમાં તો કેટલાક છ-સાત સબ્જેક્ટમાં ફેઇલ થયા હતા', એમ એક્ટરે ઉમેર્યું હતું. 'એકસાથે બે-ત્રણ મૂવી જોઈ કાઢતા'
સોઢી વધુમાં કહે છે, 'બેંગલુરુમાં મારી સાથે બંગાળી મિત્રો ઘણા હતા, તેમાંથી એક મિત્ર ને મને ફિલ્મ જોવાનો ઘણો જ શોખ હતો. કોલેજમાં અમે થોડા પણ લેટ જઈએ તો પ્રોફેસર અમને ક્લાસમાં આવવા દેતા નહીં, ત્યારે અમે બંને જણા એકસાથે બે-ત્રણ મૂવી જોઈ નાખતા. તે મિત્રને સિગારેટ પીવાનો ઘણો શોખ હતો ને મને તેની સામે સખત ગુસ્સો આવતો. આ જ કારણે અમે જ્યારે પણ સાથે ક્યાંક બહાર જઈએ તો તે ઓટોમાં મોં બહારની સાઇડ રાખીને સિગારેટ પીતો. તેને મારા ગુસ્સાનો થોડો ડર લાગતો. હું એક વાત કહીશ કે બંગાળી લોકો ઘણા જ ક્રિએટિવ હોય છે. અમારી કોલેજનું આ બંગાળી ગ્રુપ સાથે બેસીને હાર્મોનિયમ, તબલા, વાંસળી સહિતના અલગ-અલગ ઇન્સ્ટ્રૂમેન્ટ વગાડતા ને સાથે ગીતો ગાતા. મારે બંગાળીઓ સાથે સારું બનતું એટલે હું તેમની આ એક્ટિવિટીમાં ઘણીવાર સામેલ થતો. હું નાચતો ને તાળી પાડતો તો તેમને પણ મજા આવતી.' 'મેડિકલ રિપ્રેઝન્ટેટિવની જૉબ કરી'
વાતને આગળ વધારતાં એક્ટર જણાવે છે, 'ફાર્મસીનો કોર્સ પૂરો કર્યા બાદ હું દિલ્હી પરત આવ્યો. ત્યાં મેં ચાર મહિના સુધી મેડિકલ રિપ્રેઝન્ટેટિવની જૉબ કરી. જોકે મને આ જૉબ કરવામાં ખાસ મજા ના આવી. મને એક્ટિંગમાં રસ હતો. સાચું કહું તો હું બેંગલુરુ ફાર્મસીનો કોર્સ કરવા ગયો જ નહોતો, ત્યાં એક્ટિંગમાં જ કંઈક કરવા માગતો હતો. કોલેજ જતા સમયે જો રસ્તામાં ક્યાંક શૂટિંગ ચાલતું હોય તો હું કોલેજ જવાને બદલે ઠંડી, ગરમી કે વરસાદમાં ચાર-છ કલાક ઊભા રહીને આરામથી શૂટિંગ જોતો. મને એક્ટિંગમાં પ્રત્યે પ્રેમ છે.' 'દિલ્હીમાં એક્ટિંગ કોર્સ કર્યો'
દિલ્હીમાં બેરી જ્હોનની એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી (એક આડ વાત, બહુ ઓછા ચાહકોને ખ્યાલ હશે કે શાહરુખ ખાન પણ બેરી જ્હોન પાસેથી જ એક્ટિંગના ગુણ શીખ્યો છે) એક્ટિંગ કોર્સ કર્યો ને મારો પોર્ટફોલિયો બનાવીને દિલ્હીની એડ એજન્સીઓમાં આપ્યો. આ રીતે મને દિલ્હીમાં થોડું કામ મળવાનું શરૂ થયું. પ્રિન્ટ એડમાં કામ મળતાં અનેક ન્યૂઝપેપરમાં મારી તસવીરો છપાઈ. આ રીતે ધીમે ધીમે કામ મળ્યું તો પેરેન્ટ્સને પણ થયું કે મને એક્ટિંગમાં વધારે રસ છે. મારી સાથે એક્ટિંગ કોર્સમાં કેટલાક મિત્રો હતા. તેમણે મુંબઈ જઈને નસીબ અજમાવ્યું.' મુંબઈના મિત્રે બે વર્ષના પૈસા સાથે લઈને આવવાનું કહ્યું
સોઢી કહે છે, 'દિલ્હીમાં થોડું કામ ચાલતું હતું ત્યારે મુંબઈમાં રહેતા એક મિત્રે એવી સલાહ આપી કે 'જો તારે મુંબઈ આવીને કામ કરવું હોય તો બે વર્ષ ગુજરાન ચાલે એટલા પૈસા લઈને જ આવવું, નહીંતર શરૂઆતમાં કામ ના મળે તો ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડશે.' તો હું બે વર્ષના પૈસા ભેગા થઈ જાય એટલે વધુ કામ કરવા લાગી ગયો. જોકે મારી પાસે કેમેય કરીને બે વર્ષના પૈસા ભેગા થતા જ નહોતા. અંતે, એક દિવસ કંટાળીને નક્કી કર્યું કે આ રીતે તો પૈસા ભેગા થતા નથી. હવે મુંબઈ જવું જ છે. ત્યાં જે થવું હશે તે ત્યાં જોઈ લેવાશે. આમ નક્કી કરીને હું એકલો જ મુંબઈ આવી ગયો.' અમારી બેંચના બે જ સ્ટુડન્ટ્સ સક્સેસફુલ થયા
'અમારી એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટની અમારી બેંચમાં હું અને મેજર બિક્રમજિત કંવરપાલ એમ બે જ વ્યક્તિ મુંબઈ આવીને સફળ થઈ.' ઉલ્લેખનીય છે કે મેજર બિક્રમજિતે 'પેજ 3', 'પાપ' જેવી અનેક ફિલ્મ ને 'યે હૈ ચાહતેં', 'ક્રાઇમ પેટ્રોલ', '24' જેવી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. બિક્રમજિતનું 2021માં 52 વર્ષની ઉંમરે કોરોનાને કારણે અવસાન થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.