હર ઘર તિરંગા અભિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અઘ્યક્ષ સ્થાને જામજોધપુરમાં ”તિરંગા યાત્રા” યોજાઈ
જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં અબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા અભિયાન" અને "તિરંગા યાત્રા" યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જામજોધપુરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ પદાધિકારી ઓ, અધિકારીગણ, શાળાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં સામેલ બન્યા હતા.
જામજોધપુર નગરપાલિકાના તમામ વિસ્તારો સહિત તમામ મુખ્ય બજારો પર સર્વે નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. સમગ્ર જામજોધપુર આજે દેશભક્તિના રંગે રંગાયું હોય તેમ દરેક ગલીમાં ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત સર્વે મહેમાનોનું ગ્રામજનો દ્વારા ઢોલ નગારાના નાદ સાથે પરંપરાગત રસ ગરબાના તાલે પુષ્પવર્ષા કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.
કેબિનેટ મંત્રી અને તેમની સાથે પધારેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અને સુતરની આંટી અર્પણ કરીને તેમના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, લોક અગ્રણી રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિવિધ સભ્ય ઓ, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, લાલપુર પ્રાંત અધિકારી અસવાર, જામજોધપુર મામલતદાર આજુબાજુના ગામમાંથી પધારેલા લોકઆગેવાનો, જામજોધપુર તાલુકા પંચાયતના કર્મચારીગણ, શાળાના વિદ્યાર્થીઓ, બાળકો, એનસીસી કેસેટસ, સ્થાનિક કલાકારો અને બહોળી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો સામેલ બન્યા હતા.
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર જામનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.