શેખ હસીના પછી હવે ચીફ જસ્ટિસને પણ ખુરસી પરથી ઉતાર્યા:સુપ્રીમ કોર્ટની બહાર લોકોનો ઘેરાવો થતા રાજીનામું આપ્યું; હરે-કૃષ્ણના નારા લગાવી હિન્દુઓનું પ્રદર્શન
બાંગ્લાદેશમાં શેખ હસીના બાદ હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને પણ રાજીનામું આપ્યું છે. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ તેમના રાજીનામાની માગ સાથે સુપ્રીમ કોર્ટની બહાર ભેગા થયા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે જો ચીફ જસ્ટિસ રાજીનામું નહીં આપે તો તેમને પણ હસીનાની જેમ ભાગવું પડશે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની હસીના સાથે મિલીભગત છે. તેમણે વચગાળાની સરકાર સામે શનિવારે સમગ્ર કોર્ટની એક બેઠક બોલાવી હતી. બાંગ્લાદેશમાં હસીનાના રાજીનામા બાદથી હિંસા, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ વધી છે. ઢાકામાં હિન્દુ જાગરણ મંચે હિંસા સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. બંગાળી અખબાર ઢાકા ટ્રિબ્યુન અનુસાર, હજારો હિન્દુઓ શાહબાગ ચોક પર ભેગા થયા હતા અને હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે હરે કૃષ્ણ-હરે રામના નારા પણ લગાવ્યા હતા. હિન્દુ જાગરણ મંચના આયોજકોએ જણાવ્યું હતું કે દીનાજપુરમાં હિન્દુઓનાં 4 ગામને સળગાવી દેવામાં આવ્યાં હતાં. લોકો નિરાધાર બન્યા છે. લોકો છુપાઈને રહેવા મજબૂર થયા છે. શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારથી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલા વધી ગયા છે. હરે-કૃષ્ણના નારા લગાવતા પ્રદર્શન કરી રહેલા હિન્દુઓને જુઓ... હુમલા રોકવા કડક કાયદો બનાવવાની માગ
વિરોધ દરમિયાન હિન્દુ સમુદાયે લઘુમતી મંત્રાલયની સ્થાપના, લઘુમતી સંરક્ષણ આયોગની રચના, લઘુમતીઓ પર હુમલા રોકવા માટે કડક કાયદો બનાવવા અને સંસદમાં લઘુમતીઓ માટે 10 ટકા બેઠકો રાખવાની માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ હિંસાથી અસરગ્રસ્ત લોકો માટે વળતરની પણ માગ કરી હતી. આ ઉપરાંત તોડી પાડવામાં આવેલાં મંદિરોને ફરીથી બનાવવાની પણ માગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે તેઓ આ દેશમાં જન્મ્યા છે. આ તેમના પૂર્વજોની જમીન છે. આ દેશ પણ એટલો જ તેમનો છે. મરી જઈશું, પણ દેશ છોડીશું નહીં. પોતાના હક મેળવવા માટે રસ્તા પર રહીશું. સુપ્રીમ કોર્ટની બહાર ચીફ જસ્ટિસના રાજીનામાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓ... જોયે કહ્યું- રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે
શેખ હસીનાના પુત્ર જોયે કહ્યું હતું કે તે નિવેદન જાહેર કર્યા પછી સત્તાવાર રીતે રાજીનામું આપવા માગે છે, પરંતુ પ્રદર્શનકારીઓએ પીએમના નિવાસસ્થાન તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. મારાં માતા પાસે કંઈપણ કરવા માટેનો સમય બચ્યો નહોતો. જ્યાં સુધી બંધારણનો સવાલ છે, મારાં માતા હજુ પણ બાંગ્લાદેશનાં વડાંપ્રધાન છે. જોયે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ સેનાપ્રમુખ અને વિપક્ષ નેતાઓની સલાહ બાદ સંસદ ભંગ કરી દીધી, પરંતુ વડાપ્રધાને ઔપચારિક રીતે રાજીનામું આપ્યા વિના કાર્યકારી સરકારને કોર્ટમાં પડકારી શકાય છે. અવામી લીગે પણ ચિંતા વ્યક્ત કરી હતી
બાંગ્લાદેશમાં હિંસા બાદથી હજારો બાંગ્લાદેશી હિન્દુઓ ભારત આવવા માટે સરહદ પર પહોંચી ગયા છે. તેમને સમજાવ્યા બાદ પરત મોકલવામાં આવી રહ્યા છે. શેખ હસીનાની અવામી લીગે પણ હિન્દુ નાગરિકો સામેની હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 5 ઓગસ્ટથી બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમના સાથીદારો, સંપત્તિઓ અને મંદિરો પર થયેલા હુમલાનો વિરોધ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય સામે ચાલી રહેલી હિંસા વચ્ચે, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું હતું કે તેઓ વંશીય આધાર પર કોઈપણ હુમલા અથવા હિંસાની વિરુદ્ધ છે. તેમણે હિંસા બંધ કરવાની અપીલ કરી હતી. 52 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા થયા, મોહમ્મદ યુનુસ પાસેથી સુરક્ષા માગી
બાંગ્લાદેશની વસતિ 17 કરોડ છે, જેમાંથી લગભગ 7.95% (1.35 કરોડ) હિન્દુઓ છે. હિન્દુ ધર્મ એ બાંગ્લાદેશનો બીજો સૌથી મોટો ધર્મ છે. દેશના 64માંથી 61 જિલ્લામાં હિન્દુઓની મોટી વસતિ છે. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશમાં હિન્દુઓને હસીનાની પાર્ટી અવામી લીગના સમર્થક માનવામાં આવે છે. આ જ કારણ છે કે હવે તેઓ નિશાના પર છે. બાંગ્લાદેશ હિન્દુ, બૌદ્ધ, ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલ અનુસાર, દેશના 64માંથી 52 જિલ્લામાં હિન્દુઓ અને તેમની સંપત્તિઓને નિશાન બનાવવામાં આવી હતી. કાઉન્સિલે કહ્યું હતું કે લઘુમતી વસતિ ભયમાં જીવવા માટે મજબૂર છે. તેણે સરકારના વડા મોહમ્મદ યુનુસ પાસે સલામતી અને સુરક્ષાની માગ કરી છે. પહેલાં પણ હિન્દુઓ અને મંદિરો કટ્ટરવાદીઓના નિશાને રહ્યા છે
બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરી 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. લઘુમતીઓએ શેખ હસીનાની પાર્ટી અવામી લીગને મત આપ્યો. જોકેચૂંટણી બાદ લઘુમતીઓ પર હુમલા શરૂ થયા અને શેખ હસીના સરકાર તેમને રોકી શકી નહીં. લઘુમતી સંગઠનોએ દાવો કર્યો હતો કે દર મહિને ઓછામાં ઓછા 3 હુમલા થઈ રહ્યા છે. શેખ હસીનાએ 5મી વખત બાંગ્લાદેશના PM પદના શપથ લીધા બાદ બાંગ્લાદેશના 6 જિલ્લા કુશ્તિયા, બાગેરહાટ, ઝેનૈદાહ, ગૌબાંધા, ચટગામ અને સિલહેટમાં હિન્દુઓ પર હુમલા થયા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓની વસતિ ઘટી રહી છે અમેરિકન અધિકારીઓ હસીનાના વિરોધીઓને મળી રહ્યા હતાઃ પૂર્વ PMએ કહ્યું હતું - એક ગોરો માણસ ચૂંટણીમાં ઓફર કરી રહ્યો છે; શું અમેરિકાએ સરકાર પાડી? એપ્રિલ 2023ની વાત છે. શેખ હસીનાએ બાંગ્લાદેશની સંસદમાં ભાષણ આપતાં કહ્યું, "અમેરિકા ઈચ્છે તો કોઈપણ દેશમાં સરકાર ઊથલાવી શકે છે. જો તેઓ અહીં સરકાર બનાવે તો તે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર નહીં હોય." હસીનાના નિવેદનના એક વર્ષ અને ત્રણ મહિના પછી 5 ઓગસ્ટના રોજ તેમને ન માત્ર રાજીનામું આપવું પડ્યું, પરંતુ દેશ છોડવો પડ્યો. 3 દિવસ પછી ગુરુવારે રાત્રે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બની. સેનાએ આ સરકારને એડવાઈઝરી કાઉન્સિલનું નામ આપ્યું છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. એ જ મોહમ્મદ યુનુસ, જેના પર હસીના વિદેશી એજન્ટ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. યુનુસના અમેરિકા સાથે સારા સંબંધો છે. આવી સ્થિતિમાં અમેરિકાએ હસીનાને હટાવવામાં કોઈ ભૂમિકા ભજવી છે કે કેમ એ અંગે સવાલો ઊઠી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.