વેરાન જેચૉન શહેરને વસાવવાની પહેલ…:100 વર્ષ પહેલાં દેશ છોડીને ગયેલા કોરિયન લોકોના પરિવારજનોને ઘર-નોકરીની ઑફર આપવામાં આવી રહી છે
એક સમયે ઉદ્યોગો અને સમૃદ્ધિનું પ્રતીક એવું દક્ષિણ કોરિયાનું જેચૉન શહેર હવે વેરાન થઇ રહ્યું છે. બંધ થયેલાં કારખાના, સૂમસામ બજારો અને ખાલી થતી સ્કૂલો આ શહેરની વ્યથાને વ્યક્ત કરે છે. આ સંકટના ઉકેલ માટે શહેરના મેયર કિમ ચાંગ ગ્યૂએ મધ્ય એશિયન દેશો જેમ કે કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં રહેતા કોરિયન મૂળના પરિવારોને પરત શહેર બોલાવવાની એક અનોખી યોજના બનાવી છે. કિમની આ યોજનાનો આશય એ કોરિયન લોકોને પરત લાવવાનો છે જે 100 વર્ષ પહેલાં કોરિયાથી સ્થળાંતર કરીને મધ્ય એશિયાના દેશોમાં ગયા હતા. કિમના મતે આ પરિવારો જેચૉનમાં નવી ઊર્જાનો સંચાર કરી શકે છે અને ઘટતી વસ્તીને સ્થિર કરી શકે છે. જેચૉનની વસ્તી અત્યારે ઘટીને માત્ર 1.30 લાખ બચી છે અને સતત ઘટી રહી છે. મેયર કિમ ઑનલાઇન રશિયન ભાષામાં વીડિયો સંદેશ જારી કરીને આ પરિવારોને જેચૉનમાં વસવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમણે આ યોજના માટે 12 કરોડનું વાર્ષિક બજેટ પણ તૈયાર કર્યું છે, જેનાથી આગામી ત્રણ વર્ષમાં હજારો કોરયિન મૂળના લોકોને જેચૉનમાં વસવાટ શક્ય બનશે. મેયર કિમ અનુસરા જેચૉનમાં વસતા પરિવારોને મફતમાં ઘર તેમજ ભોજનની સુવિધા મળી રહી છે. સાથે જ તેમને રોજગાર, શિક્ષણ અને બાળકોની દેખરેખ માટે પણ સહાય અપાઇ રહી છે. અત્યાર સુધી 130 પરિવાર જેચૉનમાં વસ્યા છે અને 150થી વધુ પરિવારો અહીં વસવાટ કરે તેવી તૈયારી છે. આ લોકો માત્ર શહેરમાં કામ કરનારા શ્રેષ્ઠ પ્રોફેશનલ્સ જ નહીં હોય પરંતુ સાથે જ સામાજિક રીતે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દક્ષિણ કોરિયામાં ઘટતો જન્મદર અને વૃદ્ધ થતી વસ્તીએ નાના શહેરોની સામે મોટા પડકારો ઊભા કર્યા છે. જેચૉન પણ તેમાં સામેલ છે. દક્ષિણ કોરિયામાં વિશ્વનો સૌથી ઓછો જન્મદર
દક્ષિણ કોરિયામાં વિશ્વમાં સૌથી ઓછો જન્મદર છે. 2023માં અહીં જન્મદર 0.81 હતો. આ વર્ષના અંત સુધી તે ઘટીને 0.68 પર પહોંચવાનો અંદાજ છે. આ સંકટે જેચૉન જેવાં શહેરોમાં વસ્તી અને વર્કફોર્સને ટકાવી રાખવાનો પડકારો ઊભો કર્યો છે. એટલે જ જેચૉને વિસ્થાપિત કોરિયન લોકોને ફરીથી વસાવવા માટે બીડું ઝડપ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.