ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં "નારી વંદન ઉત્સવ"૨૦૨૪ અંતર્ગત ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે "મહિલા કર્મયોગી દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે “કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી-અટકાયત, પ્રતિબંધ અને નિવારણ બાબત અધિનિયમ-૨૦૧૩”અંગે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી એમ.જી. વારસુર દ્વારા સમગ્ર કાર્યક્રમની રુપરેખા રજુ કરવામાં આવી હતી અને સમગ્ર સપ્તાહના કાર્યક્રમોની ઉજવણીના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અધિનિયમ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં વિવિધ કાયદાઓ અંતર્ગત આંતરિક ફરિયાદ સમિતિ, સ્થાનિક ફરિયાદ સમિતિ, સમિતિની રચના, સમિતિની કામગીરી, કામકાજનું સ્થળ કોને કેહવાય? કેવા પ્રકારના વર્તનનો જાતિય સતામણીમાં સમાવેશ થાય છે? જાતિય સતામણી થઈ હોય તેવા સંજોગોમાં કેટલા સમયમાં અને કોને ફરિયાદ કરી શકાય વિગેરે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
વિવિધ કાયદાઓ અંતર્ગત આંતરિક ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામા ન આવે તો કેવા પ્રકારનો દંડ થઈ શકે તેમજ ખોટી ફરિયાદ થયાનું સમિતિના ધ્યાન ઉપર આવે તો ફરિયાદ સમિતિ દ્વારા કેવા પ્રકારના પગલા લઈ શકાય તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને પ્રતિકાર ફિલ્મ દર્શાવવામાં આવી હતી. તેમજ સિવિલ હોસ્પિટલના સાઇકોલોજિસ્ટ નમ્રતાબેન મહેતા દ્વારા માનસિક સ્વાસ્થ્ય (પારિવારીક અને કામકાજના વચ્ચે સંતુલન) વિશે રસપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં જિલ્લા સેવા સદન કલેક્ટરશ્રીની કચેરી, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.