પ્રાકૃતિક ખેતી માટે મિશન મૉડમાં ‘મિશનરી’ કાર્ય કરવાનું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
*પ્રાકૃતિક ખેતી માટે મિશન મૉડમાં 'મિશનરી' કાર્ય કરવાનું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
--------------
*જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉપાય છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
-------------
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આગેવાનીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ*
-----------
*કૃષિ વિભાગના તમામ પ્રભાગોના તમામ અધિકારીઓ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રશિક્ષિત કરવાના કામમાં જોડાશે*
-----------
*પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, પરિણામે રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો થયો છે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*
--------------
*ગુજરાતમાં અત્યારે 9,71,270 ખેડૂતો 7,92,989 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે*
--------------
*પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજભવન ખાતે રાજ્યના કૃષિ તજજ્ઞો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ*
--------------
ગુજરાતના કૃષિ વિભાગના તમામ પ્રભાગોના તમામ અધિકારીઓ-કર્મચારીઓ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રશિક્ષિત કરવાના કામમાં જોડાશે. આજે ગાંધીનગરમાં-રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કૃષિ વિભાગના તમામ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના મિશનમાં જોડાઈ જવા માર્ગદર્શન આપ્યું હતું.
રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં રાજ્યના કૃષિ તજજ્ઞો સાથેના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે દેશમાં સૌથી વધુ જરૂરિયાત પ્રાકૃતિક ખેતીની છે. દેશ આઝાદ થયો ત્યારે અન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવવા તે વખતના કૃષિ વૈજ્ઞાનિકોએ એક હેક્ટર ભૂમિમાં 13 કિલો નાઇટ્રોજનના છંટકાવની ભલામણ કરી હતી. આજે આપણે એક એકરમાં 13 થેલા ભરીને રાસાયણિક ખાતર ઠાલવીએ છીએ. યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ જેમ જેમ વધ્યો છે, તેમ તેમ ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાસાયણિક ખાતરની માત્રા વધારવાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની નથી. જમીનની ફળદ્રુપતા વધારવી પડશે અને એ માત્ર અને માત્ર પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાતમાં અત્યારે 9,71,270 ખેડૂતો 7,92,989 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સૌના સહિયારા પ્રયત્નોથી આગામી એક જ વર્ષમાં ગુજરાતમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે મિશન મૉડમાં 'મિશનરી' કાર્ય કરવાનું છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા તાલીમ અનિવાર્ય છે. કૃષિ વિભાગના તમામ પ્રભાગોના તમામ અધિકારીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ વૈજ્ઞાનિકો આ કામમાં સહયોગ આપે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ અધિકારીઓને પ્રાકૃતિક ખેતીનું વિસ્તૃત પ્રશિક્ષણ આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ પ્રાકૃતિક ખેતી વિશે જાણવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા તત્પર છે ત્યારે ગુજરાતે નેતૃત્વ કરવાનું છે. ઓગસ્ટના આરંભે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા રાજ્યપાલોના સંમેલનમાં પણ પ્રાકૃતિક ખેતી ચર્ચાનો મુખ્ય મુદ્દો રહ્યો. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પણ તમામ રાજ્યપાલોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત મોડેલ અપનાવવાનો અનુરોધ કર્યો છે.
તેમણે કહ્યું કે, આપણે આપણા બાળકોને બંજર જમીન આપીને જઈશું? પ્રદૂષિત હવા અને પ્રદૂષિત પાણી આપીને જઈશું? દરેક વ્યક્તિને ગંભીર બીમારી આપીને જઈશું? ખેડૂતોને દેવાના ડુંગર તળે ડુબાડીને જઈશું? જો આ પરિસ્થિતિ બદલવી હશે, તો પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વિના નહીં ચાલે. પ્રાકૃતિક ખેતી નામ એક છે પણ તે અનેક સમસ્યાઓનો ઉપાય છે. તેમણે કહ્યું કે, ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પરિવર્તન આવશે, એ માટે અત્યારે પહેલ કરવી પડશે. તેમણે ખેડૂતોને પોતાની થોડી જમીનમાં પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અપીલ કરી છે.
રાજ્યના કૃષિ તજજ્ઞોને સંબોધતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે અને ગુજરાત સરકારનું પણ મિશન છે. તેમણે કહ્યું કે, ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે મિશન મૉડ પર કામ કરવાની આવશ્યકતા છે. વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. આજના સમયમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ભૂમિ બિન ઉપજાઉ બની રહી છે. પ્રાકૃતિક ખેતી વિના અન્ય કોઈ વિકલ્પ જમીનને બચાવી નહિ શકે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે ગામમાં ૨૪ કલાક વીજળી પહોચે. એ કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ હતો કે, ગુજરાતમાં ગામે ગામ 24 કલાક વીજળી પહોચાડવી. એ સંકલ્પ વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કર્યો. હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો બીજો સંકલ્પ છે કે, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દેશમાં વધે, આ દિશામાં ભારત આજે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આગેવાનીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. આવનારા સમયમાં રાજ્યપાલશ્રીના નેતૃત્વમાં પ્રાકૃતિક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે મોડેલરૂપ સાબિત થશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પરિસંવાદમાં સંવાદમાં બોલતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા કૃષિ વિભાગ પરિણામલક્ષી પ્રયત્નો કરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, પરિણામે ગત વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો થયો છે. આજે ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં પરંપરાગત મેળાઓ, કૃષિ મેળાઓ અન્ય પ્રયત્નો થકી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપવામાં આવી રહી છે. કેન્દ્રીય બજેટમાં દેશના ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો કેન્દ્ર સરકારે નિર્ધાર કર્યો છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના શિક્ષણ માટે દેશની પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સીટી હાલોલ-પંચમહાલ ખાતે કાર્યરત છે. આવનારા સમયમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી આશા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ સાથે સંલગ્ન પ્રભાગોના નિયામકો, કૃષિ વિભાગના અધિકારીઓ, આત્માના અધિકારીઓ, પશુપાલન વિભાગ અને બાગાયત વિભાગના અધિકારીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક કૃષિના જિલ્લા સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની એક વર્ષની કામગીરીના વાર્ષિક અહેવાલનું વિમોચન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં કૃષિ તજજ્ઞો દ્વારા પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના અનુભવોની જાણકારી આપવામાં આવી હતી.
---------------------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.