અમદાવાદ સ્થિત ખેતી બૅંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ બોર્ડરૂમનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદધાટન - At This Time

અમદાવાદ સ્થિત ખેતી બૅંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ બોર્ડરૂમનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદધાટન


*અમદાવાદ સ્થિત ખેતી બૅંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ બોર્ડરૂમનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદધાટન*
******
*કોઈ પણ ક્ષેત્રમાં સમાજના નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
******
*મુખ્યમંત્રીના હકારાત્મક અભિગમથી 7427 જેટલા ખેડૂતોને રૂ.85.91 કરોડના ચઢત વ્યાજમાંથી દેવામુક્ત થયા : ખેતી બૅંક ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા*
******
*વડાપ્રધાનશ્રી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા બૅંકના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું*
******

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે કૃષિ બેંકની મુલાકાત લઈ, બૅંકના ડિજિટલ બોર્ડરૂમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં સમાજના નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રીએ દેશમાં સૌ પ્રથમ એવા ખેતી બૅંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીનત્તમ બોર્ડરૂમને રિમોટ કંટ્રોલના માધ્યમથી કાર્યાન્વિત કર્યો હતો તેમજ બોર્ડરૂમના ડિજિટલ સ્ક્રીનનું પણ લોકાર્પણ કર્યું હતું.

આ તકે બૅંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વડપણ હેઠળ અલાયદા સહકાર મંત્રાલયની શરૂઆત થતાં દેશમાં કૃષિ અને સહકાર ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થયા છે. સમગ્ર રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં ચઢત વ્યાજ માફી અંગેની બૅંકની સેટલમેન્ટ યોજનાને મંજૂરી અપાતા, છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 7427 જેટલા ખેડૂતોને રૂ. 85.91 કરોડની વ્યાજમાફીનો ફાયદો થયો છે અને તેઓ દેવામુક્ત થયા છે.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી દ્વારા બૅંકના સ્થાપક ચેરમેન સ્વ. શ્રી ઉદયભાણસિંહજીની પ્રતિમાનું સન્માન તથા બોર્ડરૂમની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રેઝન્ટેશનના માધ્યમથી બૅંકની કામગીરી અંગેની વિગતો તેમજ અદ્યતન ટેકનોલોજીથી કાર્યરત્ બોર્ડરૂમમાં પેપરલેસ બોર્ડ મિટિંગ સોલ્યુશન સહિતની વિશિષ્ટ સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ માહિતી મેળવી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ ઝૂંબેશના ભાગરૂપે ખેતી બૅંકના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ખેતી બૅંકના ડાયરેક્ટર શ્રી જસાભાઈ બારડ, શ્રી વીરજીભાઈ ઠુંમર, ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સહિત બૅંકના ડાયરેક્ટરશ્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો તથા ખેતી બૅંકના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.